અમદાવાદ સેન્ટ્રલ જેલના કાચા કામના કેદીએ આત્મહત્યા કરી હોવાનો બનાવ સામે આવ્યો છે. વટવા GIDCના હત્યાના પ્રયાસમાં બંધ આરોપીએ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી છે. મૃતક પાસેથી મળી આવેલ એક નોટના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.
બાથરૂમમાં ટી-શર્ટથી ફાંસો ખાધો
21મી જૂનના દિવસે બપોરના સમયે સાબરમતી મધ્યસ્થ જેલ બેરક નંબર 2માં કાચા કામના કેદીએ આત્મહત્યા કરી છે. વટવા GIDC પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા હત્યાના પ્રયાસના ગુનામાં દિપક આહિરની ધરપકડ થઈ હતી, જેણે જેલના બેરેક નંબર 2ના બાથરૂમમાં ટી-શર્ટથી ગળે ફાંસો ખાધો હતો. આ બનાવની ઉચ્ચ અધિકારીઓને જાણ થતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને બનાવની જાણ રાણીપ પોલીસને કરી હતી.
ચિઠ્ઠીમાં પત્ની સાથે ઝઘડાનો ઉલ્લેખ
આમહત્યા મામલે પોલીસ તપાસ દરમિયાન મૃતક પાસેથી એક ચિઠ્ઠી પણ મળી આવી છે. જેમાં મૃતકે પત્ની સાથે પારિવારિક ઝઘડા અને અન્ય કેટલીક બાબતોનો ઉલ્લેખ કર્યો છે. બીજી તરફ મૃતકના પરિવારજનોનું કહેવું છે કે, મૃતકને તેની પત્ની સહિત કેટલાક લોકો દ્વારા ત્રાસ આપવા આવતો હતો. થોડા દિવસ અગાઉ તેની સામે તેના બાળકની હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરાવ્યો હતો. જેના કારણે લાગી આવતા દીપકે આત્મહત્યા કરી છે.
હાલમાં આ સમગ્ર મામલે રાણીપ પોલીસે મૃતક પાસેથી મળી આવેલ નોટના આધારે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે. જોકે તપાસ દરમિયાન આત્મહત્યા પાછળનું સાચું કારણ બહાર આવી શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.