તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડિજિટલ લોકાર્પણ:વડાપ્રધાન નરેન્દ્ર મોદી 16મી જુલાઈએ અદ્યતન રેલવે સ્ટેશન અને ફાઈવ સ્ટાર હોટલનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરશે

23 દિવસ પહેલા
  • કૉપી લિંક
વડાપ્રધાન નરેન્દ્ર મોદી - Divya Bhaskar
વડાપ્રધાન નરેન્દ્ર મોદી
  • મહાત્મા મંદિર, અદ્યતન રેલ્વે સ્ટેશન અને 318 રૂમની સુવિધાવાળી ફાઇવ સ્ટાર હોટલ એકબીજાથી નજીકમાં
  • અમદાવાદમાં સાયન્સસિટીમાં નિર્માણ પામેલા ત્રણ નવિન પ્રકલ્પોનું પણ વર્ચ્યુઅલ ઉદઘાટન કરશે
  • મહેસાણા-વરેઠા (વડનગર સ્ટેશન સહિત)ના ઇલેક્ટ્રિફાઇડ બ્રોડગેજ રેલ ખંડનો પ્રજાર્પણ કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 16મી જુલાઇ શુક્રવારે બપોરે 4 કલાકે ગુજરાતના પાટનગર ગાંધીનગરના અદ્યતન નવિનીકરણ પામેલા રેલવે સ્ટેશન, આધુનિક ફાઇવસ્ટાર હોટલના વર્ચ્યુઅલ લોકાર્પણ કરશે. મહાત્મા મંદિર, ગાંધીનગરનું નવિનીકરણ પામેલું અદ્યતન રેલ્વે સ્ટેશન અને 318 રૂમની સુવિધાવાળી ફાઇવ સ્ટાર હોટલ આ ત્રણેય સ્થળો એકબીજાની નજીકમાં હોવાથી ગુજરાતમાં આ એક નવલું નજરાણું બનશે.

સાયન્સ સિટીમાં 3 નવિન પ્રકલ્પનું લોકાર્પણ
પ્રધાનમંત્રી આ સાથે સાયન્સસિટીમાં નિર્માણ થયેલા ત્રણ નવિન પ્રકલ્પોનું પણ વર્ચ્યુઅલ ઉદઘાટન કરવાના છે. સાયન્સ સિટીમાં નિર્માણ થયેલા આ ત્રણ પ્રકલ્પોમાં રૂ. 264 કરોડના ખર્ચે તૈયાર થયેલી એક્વેટિક ગેલેરી, રૂ. 127 કરોડના ખર્ચે આકાર પામેલી રોબોટિક ગેલેરી અને રૂ. 14 કરોડના ખર્ચે તૈયાર થયેલા નેચર પાર્કનો લોકાર્પણ પ્રધાનમંત્રીના હસ્તે થશે.

ફાઈલ તસવીર
ફાઈલ તસવીર

અત્યાધુનિક સિસ્ટમથી સજ્જ ભારતનું સૌથી મોટું એક્વેરિયમ
રૂ. 264 કરોડના ખર્ચે તૈયાર થયેલી એક્વેટિક ગેલેરી, જ્યાં અત્યાધુનિક સિસ્ટમથી સજ્જ ભારતનું સૌથી મોટું એક્વેરિયમ હશે અને મુલાકાતીઓને સમુદ્રી દુનિયાના યાદગાર અનુભવ માટે તે તૈયાર કરવામાં આવ્યું છે. આ એક્વેરિયમમાં શાર્ક સહિત ઘણાં પ્રકારની જળચર પ્રજાતિઓ માટે અલગ અલગ 68 ટેન્ક છે. ખાસ 28 મીટરની અંડરવોટર વોક વે ટનલ તૈયાર કરવામાં આવી છે. આ એક્વેટિક ગેલેરીમાં 188 પ્રજાતિઓના 11,600થી પણ વધુ માછલીઓ એક છત નીચે જોઇ શકાય છે. ગેલેરીમાં 10 અલગ-અલગ ઝોનમાંથી લાવેલ જળચર સૃષ્ટિ દર્શાવવામાં આવી છે. જેમ કે ઇન્ડિયન ઝોન, એશિયન ઝોન, આફ્રિકન ઝોન, અમેરિકન ઝોન, ઓસિયન્સ ઓફ ધી વર્લ્ડ અને અન્ય દરિયાઇ દુનિયાના રોમાંચક અનુભવ માટે 5-ડી થિયેટર છે તેનો લોકાર્પણ કરશે.

સાયન્સ સિટીમાં અત્યાધુનિક રોબોટિક ગેલેરી
સાયન્સ સિટી પરિસરમાં રૂ. 127 કરોડના ખર્ચે 11000 સ્કેવર મીટર વિસ્તારમાં નિર્મિત અત્યાધુનિક રોબોટિક ગેલેરીમાં 79 પ્રકારના 200થી વધુ રોબોટ છે. પ્રવેશદ્વાર પર અચંબિત કરી દેનાર ટ્રાન્સફોર્મર રોબોટની પ્રતિકૃતિ છે. તેમજ આ ગેલેરીમાં ખાસ રીતે તૈયાર કરાયેલ હ્યુમનોઇડ રોબોટ આનંદ, આશ્ચર્ય અને ઉત્સાહ જેવી અનેક ભાવનાઓ વ્યકત કરતાં મુલાકાતીઓ સાથે વાતચીત કરે છે. ગેલેરીના અલગ અલગ માળ પર વિવિધ ક્ષેત્રના રોબોટ્સ અને તેની ઉપયોગિતાનું પ્રદર્શન છે, જેમ કે મેડિસિન, એગ્રિકલ્ચર, સ્પેસ, ડિફેન્સ અને રોજિંદા જીવનમાં ઉપયોગી રોબોટ્સ. રોબોકાફેમાં રોબો શેફ દ્વારા બનાવાયેલી ભોજન રોબો વેઇટર્સ દ્વારા પીરસવામાં આવશે, તે સુવિધાઓનું પણ ઉદઘાટન વડાપ્રધાન વર્ચ્યુઅલ માધ્યમથી કરશે.

નેચર પાર્કનું ઉદઘાટન કરાશે
રૂ. 14 કરોડના ખર્ચે નિર્માણ થયેલો નેચર પાર્ક ત્રીજું નવિન આકર્ષણ છે. જે 20 એકરમાં પથરાયેલો છે. આ નેચર પાર્કમાં મિસ્ટ બાંબૂ ટનલ, ઓક્સિજન પાર્ક, ચેસ અને યોગ સ્પેસ, ઓપન જીમ અને ખાસ બાળકો માટે તૈયાર કરાયેલા પ્લે એરિયા છે. અહીં જોગિંગ ટ્રેક, વોકિંગ ટ્રેક અને બાળકો માટે રસપ્રદ ભૂલભૂલૈયા પણ છે. વૈજ્ઞાનિક માહિતી સાથે વિવિધ સ્કલ્પ્ચર પણ છે જેમ કે મેમથ, ટેરર બર્ડ, સેબર ટૂથ લાયન, ગ્રાઊંડેડ સ્લોથ બેર, ઊધઇના રાફડા અને મધપૂડાની રચના અંગેની વૈજ્ઞાનિક સમજ આપવામાં આવે છે. મુલાકાતને યાદગાર બનાવવા સેલ્ફી કોર્નર પણ છે તેવા નેચર પાર્કનું પણ ઉદઘાટન પ્રધાનમંત્રી કરશે.

સુપરફાસ્ટ સાપ્તાહિક ટ્રેનને પ્રસ્થાન કરાવશે
વડાપ્રધાન ગાંધીનગરથી વારાણસી વચ્ચે નવી સાપ્તાહિક સુપરફાસ્ટ ટ્રેનને પણ વર્ચ્યુઅલ પ્રસ્થાન સંકેત આપી આ નવી ટ્રેન સેવાનો શુભારંભ કરાવવાના છે. ગાંધીનગરથી વરેઠા મેમુ સેવાનો શુભારંભ પણ વડાપ્રધાન આ અવસરે કરાવશે

વતન વડનગરના ઇલેક્ટ્રિફાઇડ બ્રોડગેજ રેલ ખંડનું પ્રજાર્પણ
પ્રધાનમંત્રીના હસ્તે આ પ્રસંગે સુરેન્દ્રનગર-પીપાવાવ 266 કિ.મીટર રેલ્વે ઇલેક્ટ્રિફિકેશન કામગીરીનો લોકાર્પણ થશે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી મહેસાણા-વરેઠા (વડનગર સ્ટેશન સહિત)ના ઇલેક્ટ્રિફાઇડ બ્રોડગેજ રેલ ખંડનો પ્રજાર્પણ કરશે.

અમિત શાહ અને ગુજરાત સરકારના મંત્રીઓ જોડાશે
આ બધા જ લોકાર્પણોમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સહભાગી થશે. આ અવસરે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાથે ભારત સરકારના રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ, રાજ્યમંત્રી દર્શનાબહેન જરદોશ અને રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓ આ કાર્યક્રમમાં પ્રત્યક્ષપણે જોડાવાના છે.