નમસ્કાર,
આજે સોમવાર છે, તારીખ 23 મે, વૈશાખ વદ-આઠમ
આ મહત્વપૂર્ણ ઘટનાઓ પર રહેશે નજર
1) વડાપ્રધાન મોદી આજથી બે દિવસ જાપાનની મુલાકાતે 2) આજથી યૂપી વિધાનસભા બજેટ સત્ર શરૂ
હવે જોઈએ ગઈકાલના ખાસ સમાચાર
1) દક્ષિણ ગુજરાતમાં 25મીથી વરસાદની હવામાન વિભાગની આગાહી, રાજ્યભરમાં તાપમાનનો પારો 2-3 ડિગ્રી ઘટશે
રાજયભરમાં છેલ્લા બે-ત્રણ દિવસથી ગરમીમાં ઘટાડો નોંધાયો છે, ત્યારે હવે રાજ્યમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ રહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 25મી મેથી દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના છે. જ્યારે રાજ્યભરમાં હજુ આગામી 4-5 દિવસ સુધી ગરમીમાં રાહત મળશે અને તાપમાનનો પારો 2-3 ડિગ્રી સુધી ઘટવાનો અંદાજ છે.
2) સુરતમાં 133 કરોડનો 118મો બ્રિજ, 15 લાખ લોકોને ફાયદો અને ભયંકર ટ્રાફિકમાંથી રાહત સાથે હાઈવે સાથે સીધી કનેક્ટિવિટી
બ્રિજ સિટી તરીકે ઓળખાતા સુરત સિટીમાં નવો અને 118મો બ્રિજ મળવા જઈ રહ્યો છે. જે ગુજરાતનો સૌથી લાંબો 2643 મીટર છે. આ બ્રિજના કારણે 15 લાખ લોકોને ફાયદો અને ભયંકર ટ્રાફિકમાંથી રાહત સાથે હાઈવે સાથે સીધી કનેક્ટિવિટી મળશે. બ્રિજના કારણે રીંગરોડ ફ્લાય ઓવરબ્રિજ પરથી સીધેસીધા સુરત-કડોદરા રોડ તરફ રેલવે લાઈન ક્રોસ કરીને જઈ શકાશે.
3) વાઈબ્રન્ટ ગુજરાતમાં લાખો રોજગારી ઊભી કરવાનું વચન આપનાર સરકાર રોજગારી પેદા કરવામાં સદંતર નિષ્ફળ- ગોપાલ ઈટાલિયા
વાઈબ્રન્ટ ગુજરાતમાં લાખો નોકરીઓનું વચન આપનારી ગુજરાત સરકાર રોજગારી પેદા કરવામાં સદંતર નિષ્ફળ ગઈ છે. છેલ્લા 4 વર્ષમાં 30 લાખથી વધુ લોકોએ GPSCની 7000 બેઠકો માટે અરજી કરી છે, જે દર્શાવે છે કે ગુજરાતમાં બેરોજગારી તેની ટોચ પર છે. માત્ર 100 પોલીસ ઈન્સ્પેક્ટરની જગ્યા માટે 3.5 લાખ યુવાનોએ નોકરી માટે અરજી કરી હતી, આ ભાજપ સરકારની મોટી નિષ્ફળતાનું પરિણામ છે તેમ આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા એ ગુજરાતમાં વ્યાપક ભયાનક બેરોજગારી ઉપર પોતાની પ્રતિક્રિયા આપી હતી.
4) વલસાડ નજીક આવેલા તડ ગામ પાસે ખાદ્યતેલ ભરેલું ટેન્કર પલટી ગયું, રસ્તા વચ્ચે લોકોએ ખાદ્યતેલ લેવા પડાપડી કરી
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકા અને મહારાષ્ટ્રના બોર્ડર ઉપર આવેલા તડ ગામની સીમામાં મહારાષ્ટ્ર તરફથી આવતું ખાદ્યતેલ ભરેલું ટેન્કર પલટી ગયું હતું. જેને લઈ ટેન્કરમાંથી ખાદ્યતેલ લીકેજ થઈને રસ્તા ઉપર ઢોળાઈ રહ્યુ હતું. આ ઘટનાની જાણ સ્થાનિકોને થતા સ્થાનિક લોકોએ ખાદ્ય તેલ લેવા પડાપડી કરી હતી. આ અકસ્માતમાં ચાલક અને ક્લીનરનો બચાવ થયો હતો.
5) કુતુબ મિનાર કે વિષ્ણુ સ્તંભ અંગે વિવાદ, કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રીએ કહ્યું- ખોદકામને લઈને કોઈ નિર્ણય નથી લેવાયો, પરિસરમાં પૂજાની અરજી પર 24મીએ સુનાવણી
કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રી જી. કિશન રેડ્ડીએ મીડિયા રિપોર્ટનું ખંડન કરતા કહ્યું કે હાલ કુતુબ મીનારમાં ખોદકામ અંગે કોઈ નિર્ણય લેવાયો નથી. તેમને કહ્યું કે પુરાતત્વ સર્વેક્ષણ (ASI) દ્વારા કુતુબ મીનાર પરિસરમાં કોઈ પણ ખોદકામ નહીં કરવામાં આવે. હજુ સુધી આ અંગે અમે કોઈ જ ડિસીઝન નથી લીધું.
6) ચારધામ યાત્રા માર્ગ પર કચરાના ઢગલા ખડકાયા, નિષ્ણાતોની સ્પષ્ટ ચેતવણી-આ સ્થિતિ સંવેદનશીલ ઇકોસિસ્ટમ માટે ખતરનાક સાબિત થશે
3જી મેથી ચાર ધામ યાત્રાનો પ્રારંભ થયો છે. મંદિરોમાં દરરોજ હજારો ભક્તો દર્શન માટે આવી રહ્યા છે. કોરોનાને લીધે બે વર્ષ બાદ શરૂ થયેલી આ યાત્રામાં હવે તમામ જગ્યાએ પ્લાસ્ટિકની થેલીઓ, બોટલો સહિત કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે. નિષ્ણાતોએ આ અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમનું કહેવું છે કે આ સંવેદનશીલ ઇકોસિસ્ટમ માટે ખતરનાક પૂરવાર થઈ શકે છે.
7) બંગાળમાં ભાજપને ઝાટકો, નારાજ સાંસદ અર્જુન સિંહ TMCમાં પરત ફર્યા, 11 મહિનામાં 5 મોટા નેતાઓએ ભાજપ છોડ્યું
પશ્ચિમ બંગાળના બેરકપુરના ભાજપના સાંસદ અર્જુન સિંહ ફરી TMCનો હાથ પકડ્યો છે. અર્જુન સિંહ TMCના મહાસચિવ અભિષેક બેનર્જી સમક્ષ પાર્ટીનું સભ્યપદ લીધું. અર્જુન સિંહ 2019ની ચૂંટણી પહેલા ભાજપમાં જોડાયા હતા અને બેરકપુરથી સાંસદ બન્યા હતા. અર્જુન સિંહ બંગાળ વિધાનસભાના ભાટપારાથી 4 વખત ધારાસભ્ય રહી ચુક્યા છે. છેલ્લા 11 મહિનામાં બંગાળ ભાજનપા 5 મોટા નેતાઓએ પાર્ટી છોડી છે.
મહત્ત્વપૂર્ણ સમાચારો માત્ર હેડલાઈનમાં
1) નડિયાદમાં 22 હજાર લોકો સાથે 150 કરોડો રૂપિયાની છેતરપિંડી આચરનાર મુખ્ય સૂત્રધાર બનાસકાંઠાથી ઝડપાયો 2) અમદાવાદના સરદારનગરમાંથી દારૂ બનાવવાની આખી ફેક્ટરી ઝડપાઈ, 3 દિવસમાં દારૂ-જુગારના અડ્ડા પર અલગ અલગ એજન્સીઓની રેડ 3) દિવ્યાંગ દીકરીએ 200 મીટર દોડમાં રાજ્યકક્ષાએ પ્રથમ ક્રમ મેળવતા ગૃહમંત્રીએ તેના ઘરે જઈ પ્રોત્સાહન આપ્યું 4) વડોદરામાં હનુમાનજીની મૂર્તિ કચરામાંથી મળતા હિન્દુ સંગઠનોમાં રોષ, મૂર્તિને યોગ્ય સ્થળે સ્થાપિત કરવાનો નિર્ણય 5) રાજકોટમાં બ્રેઈન ડેડ યુવાનની કિડની, લિવર અને આંખ ગ્રીન કોરિડોરથી અમદાવાદ પહોંચશે, અન્ય 3 વ્યક્તિમાં જીવિત રહેશે 6) PM મોદી થોમસ અને ઉબેર કપના ખેલાડીઓને મળ્યા, કહ્યું- તમે બધાએ દેશને ગૌરવ અપાવ્યું 7) આસામમાં પોલીસનો જવાબ,પોલીસ સ્ટેશનને આગ લગાડનારના ઘરોને તોડી પાડવામાં આવ્યા, કહ્યું- ગુનેગારોએ પૂરાવાનો નાશ કરવા આગ લગાડી
આજનો ઈતિહાસ
ચીને વર્ષ 1951માં આજના દિવસે એક સ્વાયત પ્રદેશ તરીકે તિબ્બત પર કબજો કરી લીધો હતો.
અને આજનો સુવિચાર
વગર લેવેદેવે કોઈને કાંઈ સૂચન કરવું કે કોઈને સુધારવા મંડી પડવું એ અહંકારની પેદાશ છે
તમારો દિવસ શુભ રહે, કાલે ફરી મળીશું...
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.