પીએમની કચ્છ મુલાકાત:વડાપ્રધાન મોદી કચ્છમાં સાંજે સફેદ રણની ચાંદની નિહાળ્યા બાદ દિલ્લી જવા રવાના થશે, એસપીજીની ટીમ આજે કચ્છમાં

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વડાપ્રધાન અગાઉ 14 ડિસેમ્બરના રોજ આવવાના હતા અને રાત્રિરોકાણ ધોરડો ખાતે કરવાના હતા
  • PM મોદીની ક્ચ્છ મુલાકાતને પગલે સુરક્ષા માટે એસપીજીની ટીમ આજે કચ્છમાં તૈનાત કરાઈ રહી છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15 ડિસેમ્બરે એક દિવસ માટે કચ્છ આવી રહ્યા છે. PM મોદીની ક્ચ્છ મુલાકાતને પગલે સુરક્ષા માટે એસપીજીની ટીમ આજે કચ્છમાં તૈનાત કરાઈ રહી છે. મોદી બપોરે ટેન્ટસિટીમાં સભા સંબોદ્યા બાદ વર્ચ્યુઅલ ભૂમિપૂજન કરશે. જ્યારે સાંજે સફેદ રણની ચાંદની નિહાળ્યા બાદ દિલ્લી જવા રવાના થશે. વડાપ્રધાન અગાઉ 14 ડિસેમ્બરના રોજ આવવાના હતા અને રાત્રિરોકાણ ધોરડો ખાતે કરવાના હતા. પરંતુ ઉત્તરપ્રદેશ સરકારે ટેન્ટના મામલામાં ભ્રષ્ટાચારના આરોપનો સામનો કરી રહેલા લલ્લુજી એન્ડ સન્સ સામે કાર્યવાહી કરી છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આવા સંજોગોમાં કચ્છના સફેદ રણમાં આવેલા ટેન્ટ સિટીમાં રોકાણનો કાર્યક્રમ રદ કર્યો છે.

વડાપ્રધાનનો ટેન્ટ સિટીમાં રોકાણનો કાર્યક્રમ રદ કરાયો
સરકારની ચાહિતી પેઢી લલ્લુજી એન્ડ સન્સને ધોરડો ખાતે યોજાનારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમની વ્યવસ્થામાંથી બાકાત રખાઈ છે અને રાજકોટની પેઢીને કામ અપાયું છે. કુંભ મેળામાં તંબુ લગાડવાના ઠેકામાં કરોડોના કૌભાંડને પગલે પાણીચું અપાયું ત્યારે કચ્છમાં પણ તેને અળગી કરી દેવાતાં જાણકારોમાં એ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રીપદે કાર્યરત હતા ત્યારથી લલ્લુજી એન્ડ સન્સને તંબુ નગરી (ટેન્ટ સિટી)નો ઠેકો મળતો રહ્યો છે. આમ, આ પેઢી સરકારની ચાહિતી રહી હોવાની છાપ દઢ બની છે. કચ્છમાં દર વર્ષે રણોત્સવ પ્રસંગે તંબુ નગરી ઊભી કરવી અને અન્ય સરકારી કાર્યક્રમો પ્રસંગે ડોમ તૈયાર કરવાથી લઇને કાર્યક્રમની વ્યવસ્થા વગેરે કામગીરી લલ્લુજી એન્ડ સન્સને અપાતી હતી. વર્તમાન સમયે ધોરડો સફેદ રણમાં લલ્લુજી એન્ડ સન્સ દ્વારા દર વર્ષની જેમ ટેન્ટ સિટી ઊભી કરાઇ છે અને એ જ સ્થળે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ 15મી ડિસેમ્બરના યોજાશે, પરંતુ એ કાર્યક્રમ માટે ડોમ સહિતની વ્યવસ્થા માટે આ જ પેઢીને ટેન્ડર ન આપી એક બાજુ ધકેલી દેવાઇ છે. 15મીએ યોજાનારા કાર્યક્રમ માટે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના વતન રાજકોટની પેઢી કિશોર પરમાર એન્ડ મંડપ સર્વિસને ટેન્ડર અપાયું છે.

તંબુ નગરીની બાજુમાં વિશાળ ડોમ ઊભો કરાશે
માર્ગ અને મકાન વિભાગના એક્ઝિક્યુટિવ એન્જિનિયર જે. એમ. સોલંકીએ જણાવ્યું હતું કે અત્યારસુધીનો રેકોર્ડ રહ્યો છે કે અમે લલ્લુજી એન્ડ સન્સને ટેન્ડર આપતા જ નથી. વડાપ્રધાનના કાર્યક્રમને લઇને રાજકોટની પેઢી દ્વારા વિશાળ ડોમ અને હેલિપેડની વ્યવસ્થા કરાશે. હેલિપેડ તો અગાઉથી તૈયાર જ છે અને મંજૂર થયેલા ભાવ મુજબ રાજકોટની પેઢીને ડોમ ઊભું કરવાનું ટેન્ડર અપાયું છે.

લંચ અને સાંસ્કૃતિક કાર્યક્રમનું ટેન્ડર મળ્યું છે
ધોરડોમાં તંબુ નગરી ઊભી કરનારી પેઢી લલ્લુજી એન્ડ સન્સના મેનેજર ભાવિક શેઠનો સંપર્ક સાધતાં તેમણે જણાવ્યું હતું કે છેલ્લાં ત્રણ-ચાર વર્ષથી રણોત્સવમાં પણ બજાર સહિત બહારનાં કામોનું ટેન્ડર મળતાં નથી. મોદીના કાર્યક્રમને પ્રવાસન વિભાગ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું ટેન્ડર અમને અપાયું છે અને વડાપ્રધાનના લંચની વ્યવસ્થા પણ અમે કરવાના છીએ.

રણોત્સવમાં પ્રવાસી ઘટતાં મોદીએ અધિકારીઓને ઝાટક્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી કચ્છની મુલાકાતે આવવાના છે ત્યારે મંગળવારે ટૂરિઝમ વિભાગના અધિકારીઓ સાથે યોજાયેલી બેઠકમાં વડાપ્રધાને વિડિયો-કોન્ફરન્સના માધ્યમથી ધોરડોમાં યોજાઈ રહેલા રણોત્સવમાં પ્રવાસીઓની ઘટતી જતી સંખ્યાને લઇને અધિકારીઓની ઝાટકણી કાઢી હતી.

પ્રવાસીઓને આકર્ષવા વિવિધ જાહેરાતો કરાશે
કચ્છમાં પ્રવાસીઓની સંખ્યા ઘટી રહી હોવાથી વડાપ્રધાન મોદીએ પ્રવાસન અધિકારીઓને ખખડાવી નાખ્યા છે, જેને પગલે જિલ્લામાં પ્રવાસીઓને આકર્ષવા માટે આગામી સમયમાં પ્રવાસન વિભાગ દ્વારા રણોત્સવમાં વિવિધ જાહેરાતો મુકાશે અને માધ્યમો દ્વારા એનો પ્રસાર કરશે.

અન્ય સમાચારો પણ છે...