ખેલ મહાકુંભ 2022ની તૈયારીઓ:અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમમાં રંગરોગાન, લાઈટિંગ, રોડ બનાવવા સહિતની કામગીરી શરૂ કરાઈ

અમદાવાદ5 મહિનો પહેલા
સ્ટેડિયમમાં તમામ પ્રકારના રીપેરિંગ અને રંગરોગાન સહિતની કામગીરી શરૂ કરાઈ - Divya Bhaskar
સ્ટેડિયમમાં તમામ પ્રકારના રીપેરિંગ અને રંગરોગાન સહિતની કામગીરી શરૂ કરાઈ
  • તમામ કોર્પોરેટરોને સંખ્યા ભેગી કરવા સૂચના આપવામાં આવી
  • AMCના ડેપ્યુટી કમિશ્નરોએ સમગ્ર આયોજન બાબતે અધિકારીઓ સાથે બેઠક કરી હતી
  • બે દિવસ બાદ રાજય સરકારના અધિકારીઓ તૈયારીઓ અંગે સમીક્ષા કરશે

12મી માર્ચે અમદાવાદના નવરંગપુરા ખાતે સરદાર પટેલ સ્ટેડિયમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગુજરાત ખેલ મહાકુંભ 2022નો પ્રારંભ કરાવવાના છે.નવરંગપુરા સ્ટેડિયમ ખાતે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તડામાર તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. સ્ટેડિયમમાં રંગરોગાન, લાઈટીંગ, રોડ બનાવવા, તૂટેલા પથ્થરોને બદલવા જેવી નાની મોટી કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. બે દિવસ બાદ રાજય સરકારના અધિકારીઓ દ્વારા સ્ટેડિયમની મુલાકાત લઈ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવશે. વડાપ્રધાન મોદી અમદાવાદ ખાતે આવવાના હોય કોઈપણ પ્રકારની ચૂક ના રહી જાય તેના માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે.

રસ્તા નવા બનાવવા સહિતની કામગીરી હાથ ધરાઈ
રસ્તા નવા બનાવવા સહિતની કામગીરી હાથ ધરાઈ

દરેક વોર્ડમાંથી 500થી વધુ લોકોને ભેગા કરવા સૂચના
ખેલમહાકુંભના કાર્યક્રમને લઈને તમામ કોર્પોરેટરોને સંખ્યા ભેગી કરવા સૂચના આપવામાં આવી છે. દરેક વોર્ડમાંથી 500થી વધુ લોકોને લાવવા જણાવ્યું છે. દરેક વોર્ડમાં 10 બસોની ફાળવણી કરવામાં આવશે. વડાપ્રધાનના કાર્યક્રમને લઈ શહેર ભાજપ સંગઠન દ્વારા તમામ કોર્પોરેટરો, વોર્ડ પ્રમુખો અને હોદ્દેદારો સાથે મીટીંગ કરવામાં આવી રહી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પશ્ચિમ ઝોન ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર આઈ.કે પટેલ અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર (પબ્લિસિટી) સી.આર ખરસાણને સ્ટેડિયમના કાર્યક્રમ અંગે જવાબદારી સોપાઈ છે. બંને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરો દ્વારા સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે ઝોન અને વિભાગના અધિકારીઓ- કર્મચારીઓ સાથે તૈયારીઓ અંગે સમીક્ષા કરી સતત કામગીરી કરી રહ્યા છે.

સ્ટેડિયમમાં રંગ રોગાન સહિતની કામગીરી હાથ ધરાઈ
સ્ટેડિયમમાં રંગ રોગાન સહિતની કામગીરી હાથ ધરાઈ

કોર્પોરેશન ખાતે અધિકારીઓની એક બેઠક યોજાઇ
ગુજરાત ખેલ મહાકુંભ 2022નું અમદાવાદનું સમગ્ર આયોજન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવનાર છે. બે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને આ મામલે જવાબદારી સોંપાઈ છે. ઉપરાંત અલગ-અલગ વિભાગના અધિકારીઓને અલગ-અલગ જવાબદારી સોંપવામાં આવી છે. બે દિવસ પહેલા બંને ડેપ્યુટી કમિશનરોએ સરદાર પટેલ સ્ટેડિયમની મુલાકાત લઇ અને તેમાં કરવામાં આવતી તૈયારીઓ અને સમગ્ર આયોજન બાબતે અધિકારીઓ સાથે બેઠક કરી હતી. ગત ગુરુવારે ગુજરાત ખેલ મહાકુંભને લઇ અને મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે અધિકારીઓની એક બેઠક યોજાઇ હતી જેમાં આ સમગ્ર કાર્યક્રમ અંગેની રૂપરેખા ઘડી દેવામાં આવી હતી અને અલગ-અલગ અધિકારીઓને અલગ-અલગ જવાબદારી સોંપવામાં આવી છે.