PMનો ગુજરાત પ્રવાસ:વડાપ્રધાન મોદી 18થી 20 એપ્રિલ સુધી ગુજરાતમાં, બનાસ ડેરીના પ્લાન્ટનું લોકાર્પણ અને આયુર્વેદિક કેન્દ્રનું ભૂમિપૂજન કરશે

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ ફોટો - Divya Bhaskar
ફાઈલ ફોટો
  • 18 એપ્રિલે સાંજે અમદાવાદ આવી સીધા ગાંધીનગર જશે

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં કેન્દ્રીય નેતાઓના આંટાફેરા ગુજરાતમાં વધી ગયાં છે. વડાપ્રધાન મોદી ઉત્તરપ્રદેશ સહિતના પાંચ રાજ્યોની ચૂંટણીમાં વિજય મેળવ્યા બાદ અમદાવાદ આવ્યાં હતાં અને રોડ શો કરીને ઉજવણી કરી હતી. તે ઉપરાંત તેમણે ખેલ મહાકુંભ 2022નો પણ પ્રારંભ કરાવ્યો હતો. તેમની સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ગુજરાતની મુલાકાતો લઈ રહ્યાં છે. તાજેતરમાં જ તેઓ નડાબેટ ખાતેના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતાં. હવે વડાપ્રધાન મોદી આગામી 18મી એપ્રિલે ગુજરાત આવશે.

19 એપ્રિલે બનાસ ડેરીના પ્લાન્ટનું લોકાર્પણ કરશે
પ્રાપ્ત વિગતો પ્રમાણે વડાપ્રધાન મોદી 18 એપ્રિલે સાંજે અમદાવાદ આવશે. તેઓ એરપોર્ટથી સીધા જ ગાંધીનગર જશે. રાજ્ય સરકારના શિક્ષણ વિભાગના મહત્વના કમાન્ડ સેન્ટરની મુલાકાત લેશે. 18 એપ્રિલે વડાપ્રધાન મોદી રાજભવનમાં રાત્રી રોકાણ કરશે. 19 એપ્રિલે સવારે બનાસકાંઠાના દિયોદરમાં પીએમ મોદી બનાસ ડેરીના પ્લાન્ટનું લોકાર્પણ કરશે. ત્યારબાદ મહિલા પશુપાલકોના સંમેલનમાં સંબોધન કરશે. ત્યાર બાદ જામનગરમાં વિશ્વ આરોગ્ય સંસ્થાના સહયોગથી બનનાર આયુર્વેદિક કેન્દ્રનું ભૂમિપૂજન કરશે.

20 એપ્રીલે ગાંધીનગરમાં મહાત્મા મંદિરમાં હાજરી આપશે
20 એપ્રીલે વડાપ્રધાન મોદી ગાંધીનગરમાં મહાત્મા મંદિરમાં હાજરી આપશે. અહીં આયુષ મંત્રાલયની બે દિવસીય કોન્ફરન્સમાં હાજરી આપશે. ત્યાર બાદ તેઓ દાહોદ જશે. દાહોદમાં તેઓ આદિવાસી સંમેલનને સંબોધિત કરશે. દાહોદથી અમદાવાદ પરત ફરી રાત્રે પીએમ મોદી દિલ્હી પરત ફરશે.તેઓ ત્રણ દિવસ ગુજરાતમાં જ રહેશે. વડાપ્રધાનના સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભરચક કાર્યક્રમો ગોઠવવામાં આવ્યાં છે. આગામી વિધાનસભાની ચૂંટણી પૂર્વે ભાજપે પ્રચાર શરૂ કરતાં વડાપ્રધાનની અવરજવર પણ વધી રહી છે.