વાલીઓ પર મોંઘવારીનો માર:તોતિંગ સ્કૂલ ફી વચ્ચે યુનિફોર્મ, સ્ટેશનરી, બેગ-શૂઝના ભાવમાં 25થી 35%નો વધારો, બજારમાં સન્નાટો છવાયો

અમદાવાદએક મહિનો પહેલાલેખક: આનંદ મોદી

આગામી 13 જૂનથી ગુજરાત બોર્ડની સ્કૂલો શરૂ થઈ રહી છે ત્યારે હવે વાલીઓ પણ બાળકોના નવા સત્રની તૈયારીઓ કરી રહ્યા છે. બાળકોના સ્કૂલ યુનિફોર્મ, શૂઝ, બેગ તથા સ્ટેશનરીનો ખર્ચ સ્કૂલ ફી કરતા અલગથી કરવો પડે છે, ત્યારે સ્કૂલ ફી સિવાયના આ અન્ય ખર્ચમાં 25 થી 35 ટકાનો વધારો ભોગવવો પડી રહ્યો છે. જેને કારણે બજારમાં પણ સન્નાટો છવાયો છે.

ઓનલાઇન શિક્ષણને કારણે 2 વર્ષ ખર્ચ બચ્યો
2 વર્ષથી મોટા ભાગના બાળકો સ્કૂલે ગયા નથી. જેથી વાલીઓને માત્ર સ્કૂલની ફીનો જ ખર્ચ થયો હતો. પરંતુ હવે 2 વર્ષ બાદ બાળકો સ્કૂલે જશે, જેથી અન્ય ખર્ચ પણ વાલીઓએ કરવા પડશે. કોરોના બાદ જે પ્રકારે મોંઘવારી વધી છે, તેની અસર હવે બાળકોના શિક્ષણ પર પણ પડી છે અને તેની વાલીઓના બજેટ પર પણ અસર પડી છે. તમામમાં રો મટિરિયલ તથા અન્ય મોંઘવારીને કારણે ખર્ચમાં વધારો થયો છે. 2 વર્ષ દરમિયાન સ્ટેશનરી, સ્કૂલ બેગ અને યુનિફોર્મના વેપારમાં મંદીનો માહોલ હતો. પરંતુ આ વર્ષે હવે સ્કૂલો શરૂ થવાની છે ત્યારે વેપારીઓએ તૈયારી શરૂ કરી છે.

હવે બજેટ પ્રમાણે જ કરે છે ખરીદીઃ મોહનલાલ માળી
આ અંગે કોઠારી જંકશનના માલિક મોહનલાલ માળી જણાવ્યું હતું કે, 2 વર્ષમાં તો કોઈ વાલી યુનિફોર્મ લેવા આવ્યું નથી,ક્યાંક ફરજિયાત હોય તેવા વાલી યુનિફોર્મ લેતા હતા. હવે આ વર્ષે યુનિફોર્મ તૈયાર કર્યા છે. અગાઉ કરતા અત્યારે ભાવમાં 30થી 35 ટકાનો વધારો થયો છે. અત્યારે કોઈ વાલી યુનિફોર્મ લેવા આવે તો અગાઉની જેમ ખરીદી કરતા નથી. અગાઉ 3-4 યુનિફોર્મ લેતા હતા, તેની જગ્યાએ હવે 2 યુનિફોર્મ લઈને ચલાવે છે અને બજેટ પ્રમાણે ફરીથી ખરીદવાનું કહે છે.

ડાબેથી વેપારીઓ શોએબ શેખ, ગિરીશ દત્ત, મોહમ્મદ શેઠવાલા
ડાબેથી વેપારીઓ શોએબ શેખ, ગિરીશ દત્ત, મોહમ્મદ શેઠવાલા

સ્કૂલ શૂઝના વેપારી મોહમંદ શેઠવાલાએ જણાવ્યું હતું કે દર વર્ષે સ્કૂલ શૂઝના ભાવમાં 2 થી 5 ટકાનો વધારો થાય જ છે. હવે 2 વર્ષ બાદ રો-મટીરિયલ અને GSTમાં વધારો થતાં સ્કૂલ શૂઝના ભાવમાં 30 થી 35 ટકાનો વધારો થયો છે. મોંઘવારી વધતા લોજીસ્ટિક ખર્ચ,પેટ્રોલિયમ ખર્ચ વધ્યા હોવાને કારણે સ્કૂલ શૂઝના ભાવમાં વધારો થયો છે. અત્યારે ખાસ લેવાલી નથી.

પુસ્તકોની કિંમતમાં 25 ટકાનો ધરખમ વધારોઃ વેપારી
ગિરીશ દત્ત નામના પુસ્તકોના વેપારીએ જણાવ્યું હતું કે, કોરોના બાદ કાગળની અછત ઉભી થઈ છે. જેના કારણે પુસ્તકોની કિંમતમાં 25 ટકાનો ધરખમ વધારો થયો છે. હાલ જુના પુસ્તકો જ વધુ વેચાઈ રહ્યા છે અને બજારમાં પણ સન્નાટો છે. અમે વેપારીઓ ગ્રાહકોની જ રાહ જોઈ રહ્યા છીએ.

ડાબેથી નિલય શાહ અને મોહનલાલ માળી
ડાબેથી નિલય શાહ અને મોહનલાલ માળી

નિલય શાહ નામના સ્ટેશનરીના વેપારીએ જણાવ્યું હતું કે સ્ટેશનરીમાં પેપરના અને પ્લાસ્ટિકના કારણે ભાવમાં 25 ટકાનો વધારો થયો છે જ્યારે વેચાણ પણ 50 ટકા ઘટ્યું છે.

જેટલી જરૂર છે એટલો માલ જ નથીઃ વેપારી
સ્કૂલ બેગના વેપારીએ શોએબ શેખે જણાવ્યું હતું કે, 2 વર્ષ ઓફલાઇન ભણતરના કારણે બેગનું વેચાણ થયું નથી ત્યારે હવે ફરીથી સ્કૂલો શરૂ થવાની છે તેને લઈને તૈયારી કરી છે. પરંતુ અમારે બધું મટીરિયલ ઇમ્પોર્ટેડ હોય છે, જેના કારણે બહારથી આવતા મટીરિયલના ભાવ વધ્યા છે. કોરોના બાદ લેબર છે નહીં, જેના કારણે પ્રોડક્શન થતું નથી અને હવે જેટલી જરૂર છે તેની સામે માલ નથી જેના કારણે ભાવમાં 25 ટકાનો વધારો છે.

અન્ય સમાચારો પણ છે...