તિરંગાના ભાવમાં વધારો:ભારે માગથી 10 નંગના ભાવ 110થી વધી 400 થઈ ગયા, ‘હર ઘર તિરંગા’ના અભિયાનને લીધે પુરવઠાની તંગી સર્જાઈ

અમદાવાદ2 મહિનો પહેલાલેખક: વિશાલ પાટડિયા
  • કૉપી લિંક
અમદાવાદમાં આવેલી 110 પોસ્ટ ઓફિસમાંથી તિરંગાનું રૂ.25માં વેચાણ થઈ રહ્યું છે. તિરંગો ખરીદવા દરેક પોસ્ટ ઓફિસમાં લાઈન જોવા મળે છે. - Divya Bhaskar
અમદાવાદમાં આવેલી 110 પોસ્ટ ઓફિસમાંથી તિરંગાનું રૂ.25માં વેચાણ થઈ રહ્યું છે. તિરંગો ખરીદવા દરેક પોસ્ટ ઓફિસમાં લાઈન જોવા મળે છે.
  • પ્લાસ્ટિક પર પ્રતિબંધને કારણે કાપડના તિરંગા મોંઘા થયા

દેશમાં આઝાદીનાં 75 વર્ષની ઊજવણી નિમિત્તે હર ઘર તિરંગા અભિયાનને પગલે બજારમાં તિરંગાની ભારે માંગ ઊભી થતાં તેનો ભાવ ત્રણ ગણો થઇ ગયો છે. અમદાવાદનાં હોલસેલ બજારમાં જે તિરંગા ગત વર્ષે રૂ.110નાં 10 નંગ મળતાં હતાં તેનો ભાવ આ વર્ષે રૂ.350થી 400 સુધી પહોંચી ગયો છે.

વેપારીઓને મતે હાલમાં તિરંગા અભિયાનને પગલે કાપડ, પ્રિન્ટિંગ તેમજ સિલાઇમાં મોટાપાયે ઓર્ડરો નીકળ્યા છે. કામનાં ભારણ વચ્ચે તમામ પ્રકારનાં ઓર્ડરોમાં ભાવ વધતાં છેવટે તિરંગો ત્રણ ગણા ભાવે વેચાઇ રહ્યો છે. આ જ પરિસ્થિતિ યથાવત રહેતાં ભાવ હજુ પણ વધે તેવી પૂરી સંભાવના છે. પ્લાસ્ટિક પર પ્રતિબંધે પણ તિરંગાનાં ભાવ વધારવામાં ભાગ ભજવ્યો છે. તિરંગાનાં મેન્યુફેક્ચરર હનીફભાઇ દેવડાએ જણાવ્યું હતું કે, અમે જે ઝંડો રૂ.12નો એક બનાવતાં હતાં તે હવે રૂ.25 સુધી બની રહ્યો છે.

મોટી સાઇઝના તિરંગાની સૌથી વધુ માગ
હોલસેલ વેપારી અમિનભાઈ ખેરાણીએ જણાવ્યું હતું કે, હર ઘર તિરંગા અભિયાનને પગલે આ વર્ષે અભૂતપૂર્વ ધસારો છે. અમારી પાસે છ જેટલી સાઇઝનાં તિરંગા છે. જેમાં સૌથી મોટી સાઇઝ અને નાની સાઇઝનાં તિરંગા ખૂબ વેચાય છે. મધ્યમ સાઇઝનાં જે તિરંગા અમે ગત વર્ષે રૂ.100થી 150માં વેચતાં હતાં તે આ વર્ષે રૂ.400 સુધી વેચી રહ્યા છે.

ભાવ વધારો છતાં લોકો ખુશીથી લઈ જાય છે
વેપારી અબ્દુલભાઇએ જણાવ્યું હતું કે, એક સમય હતો કે નાના તિરંગા અમે રૂ.60ના 10 નંગ આપતાં હતાં. તે આ વખતે રૂ.180માં આપીએ છીએ તો પણ લોકો રાજી થઇને લઇ જાય છે. જોકે ભાવ વધવાને કારણે નાના વેપારીઓની ઘરાકીમાં ફર્ક પડ્યો છે.

અન્ય સમાચારો પણ છે...