તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગંભીર આક્ષેપ:ગુજરાત મેડિકલ ટીચર્સ એસોસિએશનના પ્રમુખે કહ્યુ, ‘મેડિકલ ફિલ્ડ વગરના અધિકારીઓના ત્રાસથી સિવિલ ડૉક્ટરોનાં રાજીનામાં’

અમદાવાદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • અધિકારીઓના હસ્તક્ષેપથી નિષ્ણાત ડૉક્ટરો ત્રસ્ત હોવાનો પણ આરોપ

કોરોનામાં હજારો લોકોના જીવ બચાવનારા સિવિલ હોસ્પિટલના નિષ્ણાત તબીબોના રાજીનામા પડવાની પ્રક્રિયા શરૂ થઈ છે. સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરોના આ રાજીનામા નોન ટેકિનકલ (મેડિકલ ફિલ્ડ વગરના) ઉચ્ચ અધિકારીઓના માનસિક ત્રાસના કારણે પડી રહ્યા છે તેમ ગુજરાત મેડિકલ ટીચર્સ એસોસિએશનના પ્રમુખ ડો.રજનીશ પટેલે જણાવ્યું હતું.

ડો.રજનીશ પટેલે જણાવ્યું કે, કોરોનાની પહેલી અને બીજી લહેરમાં ડોક્ટરોએ પરિવારની ચિંતા કર્યા વગર દર્દીઓની સેવા કરી અને જીવ બચાવ્યા છે. ત્યારે એક પણ ડોક્ટરે રાજીનામું ન આપ્યું, પરંતુ મેડિકલ ફિલ્ડના ન હોય તેવા ઉચ્ચ અધિકારીઓના સતત દબાણ અને કામમાં હસ્તક્ષેપના કારણે તેઓ માનસિક રીતે થાકી ગયા છે. ડોક્ટરો શારીરિક થાક ઝીલી લે છે પરંતુ માનસિક ત્રાસ સહન થતો નથી. જો અમારા હેડ તરીકે મેડિકલ ફિલ્ડના માણસો હોય તો તેમને ડોક્ટરોની કામ કરવાની પદ્ધતિ અંગે માહિતી હોત પરંતુ નોન મેડિકલ કર્મચારીઓ સમજ્યા વગર ઓર્ડર આપે છે.

રાજીનામા અંગે તપાસ સમિતિ રચવા માગ
સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરોના રાજીનામાના કારણે દર્દીઓની સાથે મેડિકલ સ્ટુડેન્ટ્સને પણ મોટું નુકસાન થશે. સરકારે સિવિલના સિનિયર ડોક્ટરો સાથે ચર્ચા કરી તેઓ કેમ રાજીનામું આપી રહ્યા છે તેની તપાસ માટે તપાસ સમિતિ નીમી યોગ્ય તપાસ કરાવવી જોઈએ તેમ ઈન્ડિયન મેડિકલ એસોસિએશનના પૂર્વ પ્રમુખ ડો.બિપીન પટેલે જણાવ્યું હતું.

સિવિલને સિનિયર ડોક્ટરોની જરૂર છે
સિવિલ હોસ્પિટલને સિનિયર અને નિષ્ણાત ડોક્ટરની જરૂર છે તેમ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડો.રાકેશ જોષીએ જણાવ્યું હતું. વધુમાં તેમણે એવી પણ ઈચ્છા વ્યક્ત કરી કે હવે પછી કોઈ ડોક્ટર રાજીનામું ના આપે. સિવિલ હોસ્પિટલને સિનિયર ડોક્ટરોની જરૂર છે.

અન્ય સમાચારો પણ છે...