ગુજરાત રાજ્ય પોલીસવડા આશિષ ભાટિયાની વય નિવૃત્તિ બાદ સરકાર દ્વારા તેમનો કાર્યકાળ લંબાવાયો હતો. 1985ની બેચના આશિષ ભાટિયાનો કાર્યકાળ 31 મેના રોજ પૂર્ણ થવાનો હતો, જોકે તેમનો કાર્યકાળ લંબાવવાના ગુજરાત સરકારના પ્રસ્તાવ પર સ્વીકૃતિ મળતાં આશિષ ભાટિયાનો કાર્યકાળ લંબાવાયો હતો. 31 જુલાઈ 2020ના રોજ ગુજરાત રાજ્યના પોલીસવડાપદેથી શિવાનંદ ઝાની નિવૃત્ત બાદ તેમના સ્થાને આશિષ ભાટિયાની નિમણૂક કરાઈ હતી. આશિષ ભાટિયાનો વધારવામાં આવેલો કાર્યકાળ પણ હવે પૂર્ણતાને આરે છે, ત્યારે ગુજરાતના આગામી રાજ્ય પોલીસવડા કોણ બનશે એની ચર્ચા પોલીસબેડામાં શરૂ થઈ ગઈ છે.
નવા રાજ્ય પોલીસવડા માટે અનેક નામોની અટકળો કરવામાં આવી રહી છે. જોકે રાજ્ય પોલીસવડા એટલે કે ડિરેક્ટર જનરલ ઓફ પોલીસની નિમણૂક કેવી રીતે થાય છે એ સવાલ ચોક્કસ થતો હતો ત્યારે આ લેખ દ્વારા DGPની પસંદગી કરવા માટે અનુસરવામાં આવતી પ્રક્રિયા સમજાવવા પ્રયાસ કરીશું.
ભારત સરકારે DGPની ત્રણ કેડર મંજૂર કરી છે
ભારત સરકાર દ્વારા DGP માટે ત્રણ કેડર નક્કી કરવામાં આવી છે, જે પૈકી એક કેડર છે મુખ્ય DGP એટલે કે રાજ્ય પોલીસવડા, બીજી કેડર છે DGP હોમગાર્ડ, જે ગુજરાત રાજ્યમાં હાલ ચાર્જ પર ચાલે છે. ડિરેક્ટર એસીબી એ ત્રીજી કેડર છે, જે પણ ગુજરાતમાં ચાર્જ પર ચાલી રહી છે.
ભારત સરકારની DGP કેડર
રાજ્ય સરકાર પણ DGP પોસ્ટ ઊભી કરી શકે છે
કેન્દ્ર સરકારે જેટલી પણ DGP કેડર મંજૂર કરી છે એટલી જ DGP કેડર રાજ્ય સરકાર ઊભી કરવાની સત્તા ધરાવે છે. રાજ્ય સરકારે ઊભી કરેલી કેડરને X (એક્સ) કેડર કહેવાય છે. આ ઉપરાંત રાજ્ય સરકારને મળેલા અધિકાર આધીન ઊભી કરેલી DGP કેડરમાં છૂટછાટ લઈને એમાં વધારો કે ઘટાડો તેમજ અપગ્રેડ કે ડાઉનગ્રેડ કરી શકે છે.
ગુજરાત સરકારે ઊભી કરેલી કેડર
DGP થવા માટે ફરજનો ચોક્કસ કાર્યકાળ જરૂરી
સુપ્રીમ કોર્ટનો નિયમ છે કે રાજ્યના પોલીસવડા બનવા માટે ઓછામાં ઓછી 30 વર્ષ કે તેના કરતાં વધારે સમયથી ફરજનો કાર્યકાળ હોવો જરૂરી છે. આવો કાર્યકાળ ધરાવતા અધિકારીના નામનો એક ઝોન તૈયાર થાય છે અને ત્યાર બાદ તેમના નામની યાદી તૈયાર થાય છે. એ માટે રાજ્યના મુખ્ય ત્રણ અધિકારી કવાયત હાથ ધરે છે.
ઓછામાં ઓછો 6 માસનો કાર્યકાળ ફરજિયાત
સુપ્રીમ કોર્ટના વધુ એક આદેશ મુજબ, રાજ્ય પોલીસવડા માટે ઓછામાં ઓછો 6 માસનો કાર્યકાળ ફરજિયાત કરવામાં આવ્યો છે, એટલે કે નિવૃત્તિના સમયમાં 6થી વધુ મહિનાની સેવા બાકી હોય તેવા અધિકારીના નામનો જ યાદીમાં સમાવેશ કરવામાં આવે છે.
રાજ્યના ત્રણ મુખ્ય અધિકારી નામની યાદી તૈયાર કરે
જે રાજ્યના મુખ્ય પોલીસવડા નિયુક્ત કરવા પ્રક્રિયા આરંભવામાં આવી હોય એવા કિસ્સામાં રાજ્યના મુખ્ય ત્રણ અધિકારી નામની યાદી તૈયાર કરવાની પ્રક્રિયા કરે છે, જેમાં ચીફ સેક્રેટરી, અધિક ગૃહ સચિવ અને વર્તમાન DGP નામની યાદી તૈયાર કરે છે. આ યાદી તૈયાર કરતી વખતે કેન્દ્ર સરકારના પ્રતિનિધિ હાજર રહેતા હોય છે. નામની યાદી તૈયાર થયા બાદ લિસ્ટ UPSC કમિટીને મોકલી આપવામાં આવે છે. આખીયે આ પ્રક્રિયા કરવા માટે અનિવાર્ય સંજોગોને બાદ કરતાં રાજ્યના ત્રણ મુખ્ય અધિકારી દિલ્હી જાય છે અને યાદી તૈયાર કરે છે.
UPSC યાદીની સ્ક્રૂટિની કરે છે
સિનિયર IPSના નામની તૈયાર થયેલી યાદી UPSC સમક્ષ મૂકવામાં આવે છે અને UPSC નામની યાદીમાંથી 3 નામ પસંદ કરી રાજ્ય સરકારને મોકલી આપે છે. UPSC દ્વારા રાજ્ય સરકારને મોકલાવેલાં 3 નામમાંથી રાજ્ય સરકાર ઈચ્છે એ નામ પસંદ કરી DGP બનાવી શકે છે. આમ, કાયદેસરની પ્રક્રિયામાં ઉપરોક્ત નામ ગુજરાતના નવા DGP માટે UPSC પાસે પહોંચશે અને એમાંથી કોઈપણ ત્રણ નામ નક્કી થશે એ રાજ્ય સરકાર પાસે પરત આવશે. બાદમાં નિર્ણય લેવાઈ શકે છે ગુજરાતના નવા DGP તરીકે કોની નિયુક્તિ કરવી ?
હવે વાત આવે ગુજરાત DGPની નિયુક્તિ માટે તો નિયમ પ્રમાણે ઓછામાં ઓછાં 30 વર્ષની સેવા ધરાવતા હોય, એ કાર્યકાળ જોઈએ તો વર્ષ 1992 સુધી પોલીસદળમાં પસંદગી પામનારા પોલીસ અધિકારીના નામનો સમાવેશ થાય છે. આ યાદીમાં 10 સિનિયર IPS અધિકારીનો સમાવેશ થાય છે.
કોણ કોણ છે રેસમાં?
જુલાઈ 2025 સુધી IPS સર્વિસમાં રહેનાર વિવેક શ્રીવાસ્તવ હાલ ડેપ્યુટેશન પર છે. સુરત પોલીસ કમિશનર અજય તોમરની નિવૃત્તિ 2024ના ફેબ્રુઆરી માસમાં, જ્યારે DGP વિકાસ સહાય 2025ના જુલાઈ મહિનામાં નિવૃત્ત થાય છે. આ ઉપરાંત અનિલ પ્રથમનું નામ પણ ચર્ચામાં છે. જોકે તેઓ વર્ષ 2023ના અંત ભાગમાં નિવૃત્ત થશે. આ સંજોગોમાં ગુજરાતના નવા DGP તરીકે સંજય શ્રીવાસ્તવ, અતુલ કરવાલ, અજય તોમર અને વિકાસ સહાયમાંથી પસંદગી થાય એવી સંભાવના જોવા મળી રહેલી છે.
સરકારે બે IPS અધિકારીને બઢતી આપી
ગુજરાત સરકારે ગત રોજ જ એક નોટિફિકેશન જાહેર કરીને ગુજરાત કેડરના બે IPS અધિકારીને બઢતી આપી હતી, જેમાં રેન્જ આઈજી પીયૂષ પટેલ એડિશનલ DGP તરીકે, જ્યારે પ્રેમવીર સિંહને આઈજીપી તરીકે બઢતી આપવામાં આવી છે.
સંજય શ્રીવાસ્તવ DGP બનશે?
સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ, DGP તરીકે એવા સિનિયર IPS અધિકારીઓની જ નિમણૂક થાય, જેમની નિવૃત્તિને ઓછામાં ઓછો 6 મહિનાનો સમય બાકી હોય. આશિષ ભાટિયા બાદ સિનિયોરિટી મુજબ જો સીધા જ કોઈ અધિકારી હોય તો તે છે અમદાવાદ શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ. રાજ્યના સિનિયર IPS અધિકારી શ્રીવાસ્તવ એપ્રિલ માસમાં નિવૃત્ત્ થાય છે. આમ, તેમની નિવૃત્તિમાં 6 મહિનાનો સમય બાકી ન હોવાથી તેમને હાલપૂરતા નવા DGPની રેસમાં ગણી શકાય નહીં, પરંતુ એનો અર્થ એવો નથી કે તેમની નિયુક્તિ ન જ થઈ શકે, કારણ કે રાકેશ અસ્થાનાની નિવૃત્તિના આખરી દિવસે તેમને એક્સટેન્શન આપી દિલ્હીના પોલીસ કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. માટે જો સંજય શ્રીવાસ્તવ પણ એક્સટેન્શન આપી દેવામાં આવે તો તેમને પણ DGP તરીકે નિયુક્ત કરી શકાય છે.
સ્વાસ્થ્યને લઈ DGP પદેથી હટવા માટે ભાટિયાએ રજૂઆત કરી હતી
આ અગાઉ આશિષ ભાટિયા સ્વાસ્થ્યને લઈ સરકાર પાસે પોલીસવડાપદેથી હટવા માટે રજૂઆત કરી હતી, પરંતુ સરકારે એ સમયે તેમની આ વાત નકારી હતી અને 8 માસનું એક્સટેન્શન આપીને નવા પોલીસવડાની અટકળો પર પૂર્ણવિરામ મૂકી દીધું હતું. આમ, વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણી DGP આશિષ ભાટિયાના વધારાના કાર્યકાળ દરમિયાન પૂરી થઈ અને હવે એ કાર્યકાળ સમાપ્તિના આરે છે ત્યારે રાજ્યના નવા DGP કોણ? એ ચર્ચા શરૂ થઈ છે. અલબત્ત, જાન્યુઆરીના અંત સુધીમાં આ નામ જાહેર થઈ શકે છે.
1992 સુધી નિયુક્ત થયેલા સિનિયર IPS
IPS અધિકારી | બેચ | હાલ ક્યાં |
સંજય શ્રીવાસ્તવ | 1987 | પોલીસ કમિ.,અમદાવાદ |
અતુલ કરવાલ | 1988 | NDRFના વડા |
પ્રવીણ સિન્હા | 1987 | CBIના એડિશનલ ડિરેક્ટર |
વિકાસ સહાય | 1989 | DGP,પોલીસ ટ્રેનિંગ |
અનિલ પ્રથમ | 1989 | DGP, વુમન સેલ |
અજય તોમર | 1989 | પોલીસ કમિ., સુરત |
વિવેક શ્રીવાસ્તવ | 1989 | સેન્ટ્રલ IBના એડિશનલ ડિરેક્ટર |
મનોજ અગ્રવાલ | 1991 | SRPF ટ્રેનિંગ સેન્ટર વડા |
સમશેરસિંહ | 1991 | પોલીસ કમિ., વડોદરા |
ડો.કે.લક્ષ્મી નારાયણ રાવ | 1993 | ADGP, જેલ-કરેકશનલ એડમિનિસ્ટ્રેશન |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.