શહેરમાં મ્યુનિ. સત્તાધારી પક્ષ તેમજ કમિશનર દ્વારા નાગરિકોને કરવેરા સિવાયનું બજેટ આપ્યાની જાહેરાત થયાના એક સપ્તાહમાં જ ફરીથી સફાઇના નામે નાગરિકો પર 281 કરોડનો બોજો નાખવાની દરખાસ્ત ફરીથી સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ થઇ છે. આ દરખાસ્તમાં રહેણાંક મિલકતો પાસેથી રોજના રૂ. 3 અને કોમર્શિયલ મિલકતો પાસેથી રોજના રૂ. 5 લેખે યુઝર ચાર્જ વસૂલવાની દરખાસ્ત કરવામાં આવી છે.
સ્ટેન્ડિંગ કમિટી દ્વારા અગાઉ રજૂ થયેલી આ દરખાસ્તને વિચારણા માટે મુલત્વી રાખ્યા બાદ આગામી ગુરુવારે યોજાનારી સ્ટેન્ડિંગ કમિટીમાં ફરીથી રજૂ કરવામાં આવી છે. જેમાં શહેરને સ્વચ્છતામાં નંબર 1 બનાવવા માટે શરતના ભાગરૂપે તમામ ચાર્જ નાગરિકો પાસેથી વસૂલવાની રજૂઆત થઇ હતી. ઉલ્લેખનીય છેકે, તે માટે નાગરિકો પાસે રહેણાંકની મિલકતમાં રોજના રૂ. 3 અને કોમર્શિયલ મિલકતમાં રોજના રૂ. 5 લેખે વસૂલવાની દરખાસ્ત છે. તેને કારણે મ્યુનિ.ની આવકમાં 281 કરોડનો વધારો થવાની શક્યતા છે.
આ દરખાસ્તનો વિરોધપક્ષના નેતા શહેજાદખાન પઠાણે વિરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું છેકે, વર્ષ 2022-23ના અંદાજપત્રમાં કોઇપણ જાતનો વધારાનો વેરો નહીં આપવાની લોલીપોપ આપ્યા બાદ ફરીથી સ્ટેન્ડિંગ કમિટીમાં આ વધારો ઝીંકવા માટેની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. જો આ વધારો ઝિંકવામાં આવશે તો કોંગ્રેસ તેનો વિરોધ કરશે.
ક્યાં કેટલો વધારો થઈ શકે
રહેણાંકનો પ્રકાર | હાલનો દર | વધારાનો દર |
ઝૂંપડાં | 0 | 0 |
એફોર્ડેબલ હાઉસિંગ | 0.5 | 0.5 |
અન્ય રહેણાકની મિલકતો | 1 | 3 |
બિન રહેણાંક એકમોમાં
રહેણાંકનો પ્રકાર | હાલનો દર | વધારાનો દર |
50 ચો.મી ઓછું | 1 | 3 |
50 ચો.મી.થી વધુ | 2 | 5 |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.