ચોમાસામાં વરસાદ પડે ત્યારે પાણી ભરાવવાની તેમજ ગટર ઊભરાવવાની સમસ્યાઓ થતી હોય છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચોમાસા પહેલા પ્રિમોન્સુન કામગીરી કરવામાં આવે છે, જે અંતર્ગત શહેરમાં આવેલી તમામ ગટરોની કેચપીટ સાફ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. કેચપીટ સાફ કરવાની કામગીરીનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ થઈ ગયો છે અને હવે બીજા રાઉન્ડની શરૂઆત કરવામાં આવી છે. આજે સ્ટેન્ડિંગ કમિટીમાં પ્રિમોન્સુન કામગીરી અંતર્ગત કેચપીટ સાફ કરવા અંગેની ચર્ચા કરવામાં આવી હતી. જેમાં 2634 જેટલી કેચપીટ સાફ કરવામાં આવી છે. દરરોજ અલગ અલગ ઝોનમાં આ કામગીરી કરવામાં આવી રહી છે.
5 ઝોનમાં 2634 જેટલી કેચપીટ સાફ થઈ ચુકી છે: હિતેશ બારોટ
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટે જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરમાં 55 હજારથી વધુ કેચપીટ આવેલી છે. જેને પ્રિમોન્સુન કામગીરી અંતર્ગત સાફ કરવામાં આવે છે જેમાં પ્રથમ રાઉન્ડ પૂર્ણ થઈ ગયો છે અને હવે બીજા રાઉન્ડની શરૂઆત કરવામાં આવી છે. પ્રથમ રાઉન્ડમાં 53725 જેટલી કેચપીટ સાફ કરવામાં આવી હતી. બીજા રાઉન્ડમાં 5 ઝોનમાં 2634 જેટલી કેચપીટ સાફ થઈ ચુકી છે. અલગ અલગ ડ્રેનેજ પંમ્પિંગ સ્ટેશનની કુલ 127 જાળી અને વેટ વેલની સફાઈ કરવામાં આવી છે.
ઓક્ટ્રોય બિલ્ડીંગ જર્જરિત હાલતમાં
શહેરના કાલુપુર વિસ્તારમાં ઓક્ટ્રોયનું વર્ષો જૂનું બિલ્ડીંગ જે છેલ્લાં દસ વર્ષથી બંધ હાલતમાં છે તેને ઉપયોગમાં લેવામાં આવે અથવા તેની જગ્યાને ઉપયોગમાં લેવા માટે અંગેની આજે ચર્ચા કરવામાં આવી હતી. ઓકટ્રોય ખાતું ચાલતું હતું તે સમયનું આ હેરિટેજ બિલ્ડીંગ જર્જરિત હાલતમાં છે અને તેની આસપાસ દુકાનો આવેલી છે અને તેમાં ભાડે દુકાનો આપેલી છે જેથી આ જગ્યાને તોડી અને આ જગ્યાનો ઉપયોગ કઈ રીતે કરવામાં આવે તે અંગે આજે ચર્ચા કરવામાં આવી હતી.
આ ઉપરાંત આજે સ્ટેન્ડિંગ કમિટીમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જેટલા પણ વિવિધ પ્રોજેક્ટો ચાલે છે તે સાઇટની બીયુ પરમિશન લેવાની કામગીરી ઝડપથી કરવામાં આવે તે અંગે પણ સૂચના આપવામાં આવી હતી. શહેરમાં જેટલા પણ પ્રોજેક્ટ પૂર્ણ થવા આવ્યા છે અને પૂર્ણ થઈ ગયા છે તેમાં બીયુ પરમિશન તાત્કાલિક લેવા અંગે અધિકારીઓને જણાવવામાં આવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.