મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:દેશભરમાં આજથી 18 વર્ષથી વધુ વયના લોકોને પ્રિકોશન ડોઝ અપાશે, પટનામાં PM મોદી આતંકીઓના નિશાને હોવાનો ઘટસ્ફોટ

2 મહિનો પહેલા

નમસ્કાર,

આજે શુક્રવાર, તારીખ 15 જુલાઈ, અષાઢ વદ બીજ

આ મહત્ત્વપૂર્ણ ઘટનાઓ પર રહેશે નજર
1) આજે દક્ષિણ ગુજરાતમાં અતિભારે અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી, 9 જિલ્લામાં રેડ એલર્ટ
2) આજથી દેશભરમાં 75 દિવસ સુધી 18 વર્ષથી વધુ વયના લોકોનું નિ:શુલ્ક વેક્શિનેશન શરૂ થશે

હવે જોઈએ ગઈકાલના ખાસ સમાચાર
1) પટનામાં PM નરેન્દ્ર મોદીના પ્રવાસ પહેલાં આતંકવાદી ષડયંત્રનો ઘટસ્ફોટ, 15 દિવસ આતંકીઓને ટ્રેનિંગ મળી; 26 આતંકી એક્ટિવ હતા
પટનામાં આતંકવાદીઓના મોટા નેટવર્કનો ઘટસ્ફોટ થયો છે. પટના પ્રવાસ પર આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ આતંકવાદીઓના નિશાન પર હતા. આના માટે તેમને 15 દિવસથી ટ્રેનિંગ અપાઈ રહી હતી. આવા લોકોને નૂપુર શર્મા સહિત ઈસ્લામ વિરુદ્ધ બોલનારા લોકોની યાદી તૈયાર હતી. રાજસ્થાનના ઉદયપુર અને મહારાષ્ટ્રના અમરાવતીની જેમ બદલો લેવાનો પ્લાન ઘડાઈ રહ્યો હતો.
વાંચો સમાચાર વિગતવાર

2) અમદાવાદમાં એક ઇંચ વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત: ઓગણજમાં દીવાલ પડતાં 5 મજૂર દટાયા, ત્રણનાં મોત, બે સારવાર હેઠળ
અમદાવાદમાં ગુરૂવારે સરેરાશ એક ઇંચ વરસાદ પડ્યો હતો. ઓગણજ પાસે આવેલા દશેશ્વર ફાર્મની નજીક દીવાલ ધરાશાયી થતાં 5 મહિલા મજૂર દટાયા હતા. ફાયરબ્રિગેડની ટીમ દ્વારા તમામને બહાર કાઢી સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા. સારવાર દરમિયાન 3નાં દરમિયાન મોત થયાં હતાં અને 2 સારવાર હેઠળ છે.
વાંચો સમાચાર વિગતવાર

3) સંઘના વડા ભાગવતે કહ્યું- ખાવાનું અને સંતાન પેદા કરવાનું કામ તો પ્રાણીઓ પણ કરે છે, જે રક્ષા કરે છે તે જ મનુષ્ય છે
કર્ણાટકના શ્રી સત્ય સાંઈ યુનિવર્સિટી ફોર હ્યુમન એક્સીલેન્સના પ્રથમ દીક્ષાંત સમારોહમાં સંઘ પ્રમુખ મોહન ભાગવતે વધતી જનસંખ્યાની સરખામણી જંગલના નિયમ સાથે કરી છે. તેમણે કહ્યું કે જીવંત રહેવું એ જ જીવનનું લક્ષ્ય ન હોવું જોઈએ. કારણ કે ખાવાનું અને વસ્તી વધારવાનું કામ તો પ્રાણીઓ પણ કરે છે. જીવીત તે જ રહેશે, જે શક્તિશાળી હશે, આ જ જંગલનો નિયમ છે. મનુષ્ય હોવાની સૌથી મોટી નિશાની એ છે કે તે બીજાનું રક્ષણ કરે.
વાંચો સમાચાર વિગતવાર

4) વડોદરાના સેજપુરાની ફરતે પાણી ભરાતાં પરિવાર બીમાર દીકરીને લઈને ભટકતો રહ્યો, મોત
વડોદરાના ડભોઈ તાલુકામાં અનરાધાર વરસેલો વરસાદ સેજપુરા ગામના આદિવાસી પરિવાર માટે આફતનો વરસાદ પુરવાર થયો છે. ચારેકોર ભરાયેલાં પાણીને કારણે 16 વર્ષની બીમાર કિશોરીને સમયસર સારવાર માટે હોસ્પિટલમાં પહોંચાડી ન શકતાં મોતને ભેટી હતી. એ તો ઠીક, ચારેકોર ભરાયેલાં પાણીને કારણે મૃતદેહને પણ પોતાના ગામ સુધી લઇ જવામાં અનેક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
વાંચો સમાચાર વિગતવાર

5) ચીખલીની કાવેરી નદીએ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યુ, NDRFની ટીમ ન પહોંચી શકતા હેલિકોપ્ટરની મદદ લઇ 50થી વધુ લોકોને એરલિફ્ટ કરાયા
હવામાન વિભાગની આગાહી પ્રમાણે વરસાદે નવસારી જિલ્લાને ધમરોળ્યો છે. ત્યારે ભારે વરસાદના કારણે ચીખલી તાલુકામાંથી પસાર થતી કાવેરી નદી ગાંડીતૂર બનતાં 25 જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું થે. NDRFની ટીમ ન પહોંચી શકતા ખૂંધ, ગોલવાડ અને અન્ય વિસ્તારમાંથી કુલ 50થી વધુ લોકોને એરલિફ્ટ કરવામાં આવ્યા છે અને હજી હેલિકોપ્ટર દ્વારા એર લિફ્ટ કરવાની કામગીરી ચાલુ છે. જ્યારે એનડીઆરએફની ટીમ દ્વારા પણ રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરાયું છે.
વાંચો સમાચાર વિગતવાર

6) પંજાબી સિંગર દલેર મહેંદીને 2003ના કેસમાં માનવ તસ્કરી કેસની 2 વર્ષની સજા યથાવત, પટિયાલા જેલમાં મોકલવામાં આવ્યો
પંજાબી સિંગર દલેર મહેંદીની ધરપકડ કરાઈ છે. દલેર મહેંદીને કબૂતરબાજી એટલે કે માનવ તસ્કરીના ગુનામાં પટિયાલા જેલ હવાલે કરાયો છે. દલેર અને તેના ભાઈ શમશેર ઉપર ગેરકાયદેસર રીતે લોકોને વિદેશ મોકલીને મોટી રકમ લેતો હતો. આ મામલે દલેર અને તેના ભાઈ વિરુદ્ધ કુલ 31 કેસ છે. આ ઘટનાની પહેલી ફરિયાદ 2003માં અમેરિકામાં નોંધાઈ હતી અને તેનો નિર્ણય 2018માં આવ્યો હતો. પરંતુ આ સજાને પટિયાલાની સેશન્સ કોર્ટમાં પડકારી હતી. ત્યાં પણ આ સજાને યથાવત રાખવામાં આવતા દલેરની ગુરુવારે ધરપકડ કરાઈ હતી.
વાંચો સમાચાર વિગતવાર

7) કેનેડામાં ઉપદ્રવીઓએ ગાંધીજીની પ્રતિમાને તોડી તેમને 'રેપિસ્ટ' અને 'ખાલિસ્તાની' કહ્યા, ભારતીય દૂતાવાસની દોષિતો પર કાર્યવાહીની માગ
કેનેડાના ઓન્ટારિયો રાજ્યમાં બુધવારે કેટલાક ઉપદ્રવીઓએ રિચમન્ડ હિલમાં મહાત્મા ગાંધીની પ્રતિમાને તોડી હતી. ઉપદ્રવીઓએ વધુમાં તેમને 'રેપિસ્ટ' અને 'ખાલિસ્તાની' પણ કહ્યા હતા. ભારતે આ ઘટના અંગે ચિંતા જાહેર કરી છે અને આ બાબતની તપાસની માગણી કરી છે. કેનેડિયન બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશને જણાવ્યું હતું કે યોંગ સ્ટ્રીટ અને ગાર્ડન એવન્યુના વિષ્ણુ મંદિરમાં મૂર્તિને તોડી નાખવામાં આવી છે.
વાંચો સમાચાર વિગતવાર

મહત્ત્વપૂર્ણ સમાચારો માત્ર હેડલાઈનમાં
1) શિંદે સરકારની જનતાને ભેટ; મહારાષ્ટ્રમાં પેટ્રોલ 5, ડીઝલ 3 રૂપિયા સસ્તું થયું; રાજ્ય સરકારે વેટ ઘટાડ્યો
2) ઓમાનના બીચ પર ભારતીય પુત્ર-પુત્રીને ડૂબતાં જોઈ પિતાએ છલાંગ લગાવી, ત્રણેય દરિયામાં ડૂબ્યાં
3) બ્રિટનના PM બનવાની સ્પર્ધામાં ઋષિ સુનક સૌથી આગળ, એલિમિનેશન રાઉન્ડના મતદાનમાં 25% મત મળ્યાં
4) સ્માર્ટસિટી અમદાવાદમાં ગટરનાં ઢાંકણાં પાસે સુરક્ષા ગાર્ડ મુકાયા, સફાઈકર્મીઓએ 13-13 કલાક સુધી ગટરનાં ઢાંકણાં સાચવ્યા
5) ગાંધીધામમાં કમળો ઉતારવા પરિવાર પુત્રીને ભચાઉ લઇ ગયો, પાડોશીએ શરીરે ડામ દીધા, રાજકોટ હોસ્પિટલમાં બે દિવસ બાદ મોત

આજનો ઈતિહાસ
15 જુલાઈ 1984નાં રોજ પંજાબમાં આતંકવાદ વધતા, રાજ્યને આતંકવાદ પ્રભાવિત વિસ્તાર જાહેર કરાયો હતો.

આજનો સુવિચાર
જે સન્માનથી ક્યારેય ગર્વિત નથી થતા, અપમાનથી ક્રોધિત નથી થતા, હકીકતમાં એ જ શ્રેષ્ઠ હોય છે.

તમારો દિવસ શુભ રહે, કાલે ફરી મળીશું...

અન્ય સમાચારો પણ છે...