સાણંદમાંથી પેપર ફૂટ્યું:LRD બાદ હેડક્લાર્કનું પેપર પણ પ્રિન્ટિગ પ્રેસમાંથી જ લીક, સુપરવાઈઝરે રૂ.9 લાખમાં વેચ્યું, સરકાર પ્રિન્ટિગ પ્રેસને સુરક્ષિત ન કરી શકી

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પેપર લીક કરનાર આરોપી કિશોર આચાર્ય - Divya Bhaskar
પેપર લીક કરનાર આરોપી કિશોર આચાર્ય
  • આરોપી કિશોર મંગેશની પત્નીના કૌટુંબિક કાકા થાય છે અને તે પ્રિન્ટિંગ પ્રેસમાં સુપરવાઈઝર તરીકે નોકરી કરે છે
  • દિપક પટેલ સિંગરવા હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ ચલાવે છે જેની આજે ધરપકડ કરી લેવામાં આવી છે

ગુજરાતમાં બહુચર્ચિત બનેલા પેપર લીક કૌભાંડ મામલે આજે વધુ 3 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. એટલે કે છેલ્લા 3 દિવસમાં કુલ 11 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ બાબતે ગાંધીનગરના રેન્જ આઈજી અભય ચુડાસમાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું છે કે, સાણંદમાં આવેલા પ્રિન્ટિંગ પ્રેસમાં હેડક્લાર્કનું પેપર લીક થયું હતું. તેમજ કિશોર આચાર્યએ 9 લાખ રૂપિયામાં મંગેશને આ પેપર વેચ્યું હતું. નોંધનીય છે કે, ત્રણ વર્ષ પહેલા પોલીસના લોકરક્ષક ભરતી બોર્ડના પેપરલીક કેસમાં ગુજરાત પોલીસની છબી ખરાડાઈ હતી. અત્યંત ગોપનીયતા હોવાનું કહી પ્રિન્ટિગ પ્રેસનું અને એજન્સીનું નામ છુપાવતી ગુજરાત પોલીસના નાક નીચેથી એક વ્યક્તિ પેપર લીક કરી દેશના અન્ય રાજ્યોમાં લેવાતી પરીક્ષાના પેપરો લીક કરતી ગેંગ સુધી પહોંચાડતો હતો. ત્રણ વર્ષ બાદ પણ રાજ્ય સરકાર પ્રિન્ટિંગ પ્રેસને સુરક્ષિત કરી શકતી નથી જેનાથી લાખો બેરોજગારોના ભવિષ્ય સાથે ચેડાં થઈ રહ્યા છે.

આરોપી કિશોર આચાર્ય પ્રિન્ટિંગ પ્રેસમાં સુપરવાઈઝર તરીકે નોકરી કરે છે
આરોપી કિશોર આચાર્ય પ્રિન્ટિંગ પ્રેસમાં સુપરવાઈઝર તરીકે નોકરી કરે છે

કિશોર પ્રિન્ટિંગ પ્રેસમાં સુપરવાઈઝર તરીકે નોકરી કરે છે:ચુડાસમા
ચુડાસમાએ વધુમાં જણાવ્યું કે, દેવલ પટેલ પણ ત્યાંજ નોકરી કરે છે. પેપરને પ્રેસમાં ખાનગી રીતે કાઢી અને આરોપી મંગેશને આપ્યું હતું, મંગેશ પાસેથી 7 લાખ રૂપિયા કબ્જે કર્યા છે. આખી લિંક પ્રિન્ટીંગ પ્રેસ પાસે મળે છે. કિશોર આચાર્યએ 9 લાખ રૂપિયામાં પેપર મંગેશને વેચ્યું હતું. ગાંધીનગર એલસીબીએ કિશોર આચાર્યની અટકાયત કરી છે. કિશોર મંગેશની પત્નીના કૌટુંબિક કાકા થાય છે અને તે પ્રિન્ટિંગ પ્રેસમાં સુપરવાઈઝર તરીકે નોકરી કરે છે. જ્યારે દિપક પટેલ સિંગરવા હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ ચલાવે છે જેની આજે ધરપકડ કરી લેવામાં આવી છે. પ્રિન્ટિંગ પ્રેસ અને ગૌણ સેવા પસંદગી મંડળના કોઈ કર્મચારીઓ સંડોવાયેલા છે કે કેમ તેની તપાસ ચાલી રહી છે.

પોલીસ કેવી રીતે પહોંચી મુખ્ય આરોપી સુધી?
જેનાં પગલે તેઓની સાથે પરીક્ષા અગાઉ સંપર્કમાં રહેલા ગાંધીનગરના દીપક પટેલની ઓળખ કરવામાં આવી હતી. આ દીપક પટેલને એલ.સી.બી. કચેરી ખાતે પુછપરછ કરતા તેણે આ પ્રશ્નપત્ર નરોડા ખાતે રહેતા મંગેશ શીરકે પાસેથી મેળવી 09 લાખ રુપિયામાં 9 ડિસેમ્બર પ્રાતિજના દેવલ પટેલ તથા જયેશ પટેલને આપ્યું હોવાની કબૂલાત કરી હતી. અમદાવાદના મંગેશ શીરકે ને આ પ્રશ્નપત્ર પોતાની પત્નીના સાણંદના કૌટુંબિક કાકા કિશોર આચાર્ય પાસેથી મેળવ્યું હતું. આ કિશોર આચાર્ય જે પ્રિંટીંગ પ્રેસમાં ગૌણ સેવા પસંદગી મંડળે પ્રશ્નપત્ર પ્રિંટીંગ માટે આપેલ હતા તે પ્રિંટીંગ પ્રેસમાં પ્રિંટીંગ સુપરવાઇઝર તરીકે નોકરી કરે છે.

આરોપી મંગેશ શીરકે પાસેથી 07 લાખ રૂપિયા મળ્યાં
આ ઉપરોક્ત ત્રણેય આરોપીઓ પૈકી સીંગરવા સરકારી હોસ્પીટલમાં સ્ટાફ બ્રધર તરીકે નોકરી કરતો દહેગામનો દીપક પટેલ, નરોડાનો પ્રિન્ટિંગ પ્રેસનો નાઇટ મેનેજર મંગેશ શીરકે તથા અમદાવાદ પ્રિંટીંગ પ્રેસનો સુપરવાઇઝર કિશોર આચાર્યની ધરપકડ કરી લેવામાં આવી છે. જે પૈકી આરોપી મંગેશ શીરકે પાસેથી 07 લાખ રૂપિયા કબજે કરી વધુ તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે.

પરીક્ષાના બે કલાક પહેલાં પેપર ફરતું થઈ ગયું.
પરીક્ષાના બે કલાક પહેલાં પેપર ફરતું થઈ ગયું.

પરીક્ષા કેન્દ્રો આસપાસની મુવમેન્ટને ટ્રેક કરાઈ હતી
આ ગુન્હાની તપાસના મુળ સુધી પહોંચવા રેન્જ આઈજી અભય ચુડાસમા દ્વારા જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાને પણ સાબરકાંઠા પોલીસ સાથે સંકલનમાં રહી ગુન્હો શોધી કાઢવા જરુરી સુચના આપવામાં આવેલ હતી. જે આધારે મયુર ચાવડા ના સીધા માર્ગદર્શન હેઠળ એલ.સી.બી પીઆઈ એચ.પી.ઝાલા સહિતની ટીમે ટેકનીકલ એનાલીસીસ તથા હ્યુમન સોર્સિસ આધારે તપાસ કરતાં ભાગેડુ આરોપી જયેશ પટેલ તથા દેવલ પટેલની પરીક્ષા અગાઉની ગાંધીનગર ખાતેની તથા પરીક્ષા કેન્દ્રો આસપાસની મુવમેન્ટને ટ્રેક કરાઈ હતી.

પેપરની નકલ 10થી 15 લાખ રૂપિયામાં વેચવાની હતી
પેપરલીક મામલે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી પોલીસ ફરિયાદમાં નોંધવામાં આવ્યું છે કે પરીક્ષા પહેલાં જ કોઈ સરકારી નોકરની મદદથી કે અન્ય કોઈ પ્રકારે મેળવીને, એને 10થી 15 લાખ રૂપિયામાં પરીક્ષાર્થીઓને વેચી પેપરની નકલ સાથે પુસ્તકો ઉપલબ્ધ કરાવી પ્રાંતિજ, હિંમતનગર અને વીસનગરમાં પેપર સોલ્વ કરવાની તેમજ અહીંથી પરીક્ષાર્થીઓને તેમનાં નિર્ધારિત પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચાડવાની સગવડ કરી આપી હતી, એમ પોલીસ ફરિયાદમાં નોંધવામાં આવ્યું છે.

72 ઉમેદવારને પેપર અપાયું હોવાનો આક્ષેપ.
72 ઉમેદવારને પેપર અપાયું હોવાનો આક્ષેપ.

'12 વાગ્યે યોજાનારી પરીક્ષાનું પેપર 10 વાગ્યે ફરતું થયું'
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા યોજાયેલી હેડ કલાર્કની 186 જગ્યા માટેની પરીક્ષા રવિવારે રાજ્યનાં 6 સેન્ટર પર યોજાઈ હતી. તમામ સેન્ટરો પર મળી કુલ દોઢ લાખ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. AAPના નેતાએ દાવો કર્યો હતો કે હેડ કલાર્કની પરીક્ષા રવિવારે બપોરે 12 વાગ્યાથી શરૂ થઈ હતી, પરંતુ પેપરમાં પુછાયેલા સવાલના જવાબો સવારે 10 વાગ્યાથી જ સોશિયલ મીડિયા પર ફરતા થયા હતા.

72 ઉમેદવાર પાસે લીક થયેલું પેપર પહોંચ્યાનો દાવો
રવિવારે યોજાયેલી હેડ કલાર્કની પરીક્ષાનું પેપર ભાવનગર, સુરેન્દ્રનગર, વડોદરા, પ્રાંતિજ સહિતના 72 જેટલા વિદ્યાર્થીઓ પાસે પરીક્ષા પહેલાં જ પહોંચી ગયાનો આક્ષેપ કરવામા આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...