તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજની રિપોર્ટર:વડાપ્રધાને કોરોના અટકાવવાની કામગીરી બદલ ઉદ્ધવ ઠાકરેના વખાણ કર્યાં, રૂપાણીના ક્યારે કરશે?

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

હાલ અમદાવાદ અને અન્ય શહેરોમાં કોરોના ઉપદ્રવ સહેજ ઓછો થયો છે, પરંતુ મહારાષ્ટ્રમાં મુંબઇ ઉપરાંત અન્ય વિસ્તારોમાં સારો એવો ઘટાડો થયો છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે એ ભારતના સૌથી વધુ વસ્તી અને ગીચતા ધરાવતા શહેર મુંબઇમાં જે કામ કરી બતાવ્યું તેની નોંધ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લીધી અને તેમને બિરદાવ્યા છે. હવે ગુજરાત સરકારના કેટલાંક મંત્રીઓ કહે છે કે અમારા સાહેબ થોડા દિવસ રહીને મુખ્યમંત્રી વિજય રૂપાણીના પણ વખાણ કરશે, જ્યારે કેસ ખૂબ નિયંત્રણમાં આવી જશે. પણ મંત્રીઓને પૂછ્યું કે આવું ક્યારે થશે, તો તેના જવાબમાં તેમણે હસીને વાત ટાળી દીધી, અને કહ્યું કે જુઓ હવે અમદાવાદમાં સિવિલ હોસ્પિટલ બહાર એમ્બ્યુલન્સની લાઇનો લાગતી નથી. કામ તો થયું જ છે.

કેન્દ્રમાં કામ કરતાં ગુજરાતના ત્રણ અધિકારી કોરોના સંક્રમણમાં સપડાયા
અગાઉ મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે કૈલાશનાથન કોરોના પોઝિટીવ આવ્યા હતા. અને હવે કેન્દ્રીય પ્રતિનિયુક્તિ પર રહેલા ગુજરાતના બે સિનિયર આઇએએસ અને એક આઇએફએસ અધિકારી પણ કોરોના સંક્રમણમાં સપડાયાં છે. ભારત સરકારના ઇન્ડસ્ટ્રીઝ એન્ડ ઇન્ટરનલ ટ્રેડ વિભાગના સેક્રેટરી અને ગુજરાત કેડરના 1986ની બેચના અધિકારી ગુરુપ્રસાદ મહાપાત્રને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા, પરંતુ બુધવાર પછી તેમની તબિયતમાં સુધારો આવતાં વેન્ટિલેટર હટાવી લેવાયું હતું. મુકીમ બાદ તેમને ગુજરાતના મુખ્ય સચિવ તરીકે જોવાઇ રહ્યા છે. 1988 બેચના અધિકારી અને ડીપાર્ટમેન્ટ ઓફ કોમર્સના સેક્રેટરી બિદ્યુત બિહારી સ્વૈન પણ કોરોના સંક્રમિત થયા છે, પરંતુ તેમની તબિયત સુધારા પર છે. તે ઉપરાંત ગુજરાત કેડરના 1988 બેચના આઇએફએસ અધિકારી અને જળશક્તિ મંત્રાલયના સંયુક્ત સચિવ ભરત લાલ એપ્રિલમાં કોરોના સંક્રમિત હતા પણ હવે તેઓની તબિયત સારી છે, તેવું જાણવા મળ્યું છે.

નીતિનભાઈનો કોઈ વીડિયો ન આવતાં સમર્થકોમાં ઉચાટ ફેલાયો
અગાઉ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત અન્ય નેતાઓ કોરોના સંક્રમિત થયા ત્યારે તેમણે હોસ્પિટલમાંથી સંદેશા અને અન્ય કામગીરીનો વીડિયો સોશિયલ મીડિયા પર મુક્યો હતો. પરંતુ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પોતાની સારવાર દરમિયાન કોઇ વીડિયો સંદેશ તેમના સમર્થકો માટે મુક્યો ન હતો. આમ તો નીતિન પટેલનું સોશિયલ મીડિયા તંત્ર તેમની દરેક પ્રવૃત્તિને સોશિયલ મીડિયા પર રજૂ કરે છે, પણ છેલ્લાં દિવસોમાં આવું ન થતાં તેમના સમર્થકો મૂંઝાયા છે. હવે નીતિન પટેલ કોરોના મુક્ત થતાં તેમને રજા આપી દેવાઈ છે, પરંતુ સમર્થકોને મનમાં હાશ ત્યારે જ થશે જ્યારે તેઓ નીતિન પટેલને સોશિયલ મીડિયા મારફતે સાંભળશે.

વિજયભાઈ નેહરા હવે પાછા સીએમની નજીક આવી ગયા
મુખ્યમંત્રી વિજય રૂપાણી હાલ મારું ગામ કોરોના મુક્ત ગામ અભિયાન ચલાવીને ગામડાંઓમાં કોરોના સંક્રમણ કાબૂમાં આવે તે માટે કાર્યક્રમ ચલાવી રહ્યા છે. જો કે આ આખીય રણનીતિની જવાબદારી હાલ ગ્રામ વિકાસ કમિશનર અને અગાઉના અમદાવાદ મહાનગરપાલિકાના કમિશનર વિજય નેહરાને માથે છે. આ કારણોસર નેહરા હાલ મુખ્યમંત્રી વિજય રૂપાણીની નજીક આવ્યા છે. એક સમયે નેહરાને અમદાવાદમાંથી ખસેડીને ઓછાં મહત્ત્વના વિભાગની જવાબદારી સોંપાઇ હતી, પણ સચિવાલયના બાબુઓ કહે છે કે નહેરા કામની બાબતમાં તો અસરકારક છે જ પણ નસીબના ય બળીયા છે. તે જ્યાં જાય છે ત્યાં તેમને મહત્ત્વનું કામ મળી જ રહે છે. હવે તેમને પાછા સચિવાલયમાં કોઇ સારા વિભાગમાં લાવવા જોઇએ.

ઘણાં વખતથી અટકેલી અધિકારીઓની બદલીને એક ધક્કો વાગ્યો
ગુજરાત સરકારમાં છેલ્લાં છ મહિનાથી આઇએએસ અધિકારીઓની બદલી પાછળ ધકેલાઇ રહી છે, અગાઉ ચૂંટણી અને હવે કોરોનાને કારણે હુકમો થયાં નહીં. પરંતુ શનિવારે એક સાથે રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગે નવ અધિકારીઓની બદલીના હુકમો કર્યાં જિલ્લાના વહીવટી તંત્રમાં ખાલી પડેલી કે ચાર્જમાં ચાલતી જગ્યાઓ આ રીતે ભરવામાં આવી છે. પરંતુ આ પાછળ સરકારની ય મજબૂરી છે. જિલ્લા વિકાસ અધિકારીની ઘણી જગ્યાઓ ચાર્જમાં હોવાથી ત્યાં કોરોના સંક્રમણ અટકાવની કામગીરી ચલાવવામાં મુશ્કેલી પડતી હતી, તે કારણોસર આ બદલીઓ કરવામાં આવી હોવાનું સચિવાલયના સૂત્રો જણાવે છે.

રાદડિયા અને બોખીરિયાના તેમના વિસ્તારમાં વખાણ થયાં
પૂરવઠા મંત્રી જયેશ રાદડિયા અને પોરબંદર ધારાસભ્ય બાબુ બોખીરિયાના તેમના વિસ્તારમાં આજકાલ ખૂબ વખાણ થઇ રહ્યા છે. એક તરફે ચૂંટાયેલાં ધારાસભ્યો કોરોનાના સમયે લોકોના ફોન કટ કરી રહ્યાં છે, ત્યાં આ બંને નેતાઓએ કોરોનાના દર્દીઓની ખૂબ મદદ કરી હોવાનું ચર્ચાઇ રહ્યું છે. દર્દીઓ માટે ઓક્સિજન, દવાઓ અને અન્ય મેડિકલ સાધનો તેમના અંતરિયાળ વિસ્તારમાં મળી રહે તે માટે તેમણે સરકારી મદદ ઉપરાંત પોતાના ખર્ચે પણ કેટલીક સુવિધાઓ વસાવી દીધી. આમ તો આ બન્ને નેતાઓ જ્ઞાતિના સમર્થનથી જીતે છે, પરંતુ તેમણે અન્ય લોકોને પણ સહાય કરીને પ્રશંસા મેળવી છે.

ગુજરાત ભાજપને પણ હવે પોતાના બીવી શ્રીનિવાસની શોધ
યુવા કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા બીવી શ્રીનિવાસ આજકાલ આખા દેશની નજરમાં છે અને તેમણે કોરોના સંદર્ભે કરેલી રાહતની કામગીરીના ચારેકોર વખાણ થઇ રહ્યા છે. સોશિયલ મીડિયા મારફતે શ્રીનિવાસે ઘણું કામ કર્યું, અને હવે ગુજરાત ભાજપ પોતાના બી શ્રીનિવાસની શોધ કરી રહ્યું છે. ભાજપના એક નેતાએ કહ્યું કે રાજકીય કાર્યક્રમોમાં અને હાલની કોરોનાની કામગીરીમાં ફોટા પડાવીને સોશિયલ મીડિયા પર મુકવા સિવાય અમારા યુવા નેતાઓને કાંઇ આવડ્યું જ નથી. આવાં નેતાઓને સહારે વિધાનસભાની ચૂંટણી જીતાશે નહીં, અમને ય કોઇ બી વી શ્રીનિવાસ જોઇશે જે અમારી નૈયા પાર ઉતારે.

કોરોના સામગ્રીને ટેક્સમુક્ત કરાવવાની જવાબદારી મળી
સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગના સચિવ હારિત શુક્લાને અગાઉ ગુજરાત સરકારે રાજ્યમાં ઓક્સિજનનો પૂરવઠો મળતો રહે તે જવાબદારી આપી હતી. હવે સરકારે તેમને એક કમિટીમાં પણ લીધાં છે જે કમિટીની જવાબદારી ગુજરાતમાં કોરોનાની સારવાર માટે આવતાં મેડિકલ સાધનો અને દવાની આયાત દરમિયાન ટેક્સ અને ડ્યુટી માફી કરાવી આપવા માટેની છે. શુક્લા ઉપરાંત અન્ય અધિકારીઓ પણ અહીં છે, પરંતુ નિયમિત કેન્દ્ર સરકારના કોમર્સ અને નાણાં મંત્રાલય સાથે પત્રવ્યવહાર કરવાની કામગીરી શુક્લાની રહેશે.

અન્ય સમાચારો પણ છે...