ભાસ્કર સ્ટિંગ ઓપરેશન:અમદાવાદમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાનાં મકાનો ભાડે આપવાનું કૌભાંડ, બે દિવસમાં દલાલ મકાન ભાડે અપાવે છે

અમદાવાદએક મહિનો પહેલાલેખક: અનિરુદ્ધસિંહ મકવાણા
સ્ટિંગ ઓપરેશનમાં મકાનોની દલાલી કરતા આબાદ કેમેરામાં કેદ થયેલા દલાલો.
  • દલાલો પોતાની દલાલી લઈ માત્ર 5000ના ભાડામાં 1 BHK ફ્લેટ ભાડે આપવા સક્રિય

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનો બનાવવામાં આવે છે. આ સરકારી આવાસોની ફાળવણી થયા બાદ સાત વર્ષ સુધી મકાન ભાડે કે વેચાણ આપી શકાતું નથી. છતાં અમદાવાદ શહેરમાં આવેલા પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનોને ભાડે આપવાનું વ્યવસ્થિત કૌભાંડ ચાલી રહ્યું છે. ત્યારે આવા મકાનો ભાડે આપવાના કૌભાંડનું સ્ટિંગ ઓપરેશન Divyabhaskarએ કહ્યું હતું.

કોર્પોરેશને કાયદેસરની કાર્યવાહીની ચીમકી આપી છે
જમીન-મકાનના દલાલો થકી આ કૌભાંડ ચાલે છે અને માત્ર બે દિવસમાં જ દલાલો આવાસ યોજનાના મકાનો ભાડે અપાવે છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની હાઉસિંગ એન્ડ EWS

દ્વારકા પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનો દલાલો ભાડે અપાવી રહ્યા છે
દ્વારકા પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનો દલાલો ભાડે અપાવી રહ્યા છે

કમિટિના ચેરમેન અશ્વિન પેથાણીએ તાજેતરમાં જ જણાવ્યું હતું કે, લોકોએ મકાન ભાડે આપી દીધા છે ત્યાં દરેક જગ્યાએ નિરીક્ષણ કરી તેઓને નોટિસ આપીશું કે સાત વર્ષ સુધી મકાન ભાડે આપી શકાય નહીં કે વેચી શકાય નહીં. છતાં જેમણે મકાન ભાડે આપ્યા છે. તેઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

દલાલ બે દિવસમાં મકાન ભાડે અપાવે છે
મ્યુનિસિપલ કોર્પોરેશનના હાઉસિંગ પ્રોજેક્ટ- એસ્ટેટ વિભાગ અને ભાજપના શાસકોની મહેરબાનીથી શહેરમાં સરકારી આવાસ યોજનાના મકાનો ભાડે આપવામાં આવતું હોવાના કૌભાંડનું Divyabhaskarએ સ્ટિંગ ઓપરેશન કર્યું હતું. જેમાં માત્ર 5000 રૂપિયામાં 1 રૂમ રસોડાનું આવાસ યોજનાનું મકાન આપવામાં આવે છે. ખુદ દલાલ બે દિવસમાં જ ભાડે અપાવતો હોવાનું કહે છે. એક વૃદ્ધ વ્યક્તિ અને યુવક મકાન ભાડે આપતો હોવાનું સ્ટિંગ ઓપરેશનમાં ખુલાસો થયો છે. દલાલે પોતાનો નંબર પણ આપ્યો હતો અને જ્યારે પણ મકાન જોઈએ ત્યારે ફોન કરી જાણ કરવા કહ્યું હતું.

બે વર્ષ પહેલા જ કેન્દ્રીય ગૃહમંત્રી શાહે લોકાર્પણ કર્યું હતું
ગોતા વિસ્તારમાં આવેલા દ્વારકા પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનોનું ઉદ્ઘાટન ગાંધીનગર લોકસભાના સાંસદ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે જ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. બે વર્ષ જ થયા હોવા છતાં આવાસ યોજનાના મકાનોને ભાડે આપી દેવામાં આવે છે. શહેરમાં માત્ર ગોતા વિસ્તારમાં જ નહીં દરેક વિસ્તારમાં જ્યાં જ્યાં પ્રધાનમંત્રી કે મુખ્યમંત્રી આવાસ યોજનાના મકાનો બનેલા છે તેમાં અનેક લોકો ભાડે રહે છે. છતાં મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ ધ્યાન નથી આપતા કે પછી તેમના વહીવટદારો થકી દર મહિને વહીવટ પહોંચી જાય છે? કોર્પોરેશનના શાસકોએ આ મામલે તપાસ કરવી જરૂરી છે.

મકાનની દલાલોની કરતો શખસ દરવાજાની સામે જ પાળી પર બેઠો છે
મકાનની દલાલોની કરતો શખસ દરવાજાની સામે જ પાળી પર બેઠો છે

સ્ટિંગ ઓપરેશનના અંશો
પત્રકાર: મકાન ભાડે મળે છે?
વૃદ્ધ વ્યક્તિ: મકાન ભાડે મળે છે, કેમ?
પત્રકાર: મકાન ભાડે જોઈતું હતું.
વૃદ્ધ વ્યક્તિ: કેટલા જણ રહેવાવાળા?
પત્રકાર: બે જ જણ
વૃદ્ધ વ્યક્તિ: પતિ-પત્ની બે જ જણ?
પત્રકાર: હા
વૃદ્ધ વ્યક્તિ: પહેલા ક્યાં રહેતા હતા?
પત્રકાર: અહીંયા પાછળ ફ્લેટમાં
વૃદ્ધ વ્યક્તિ: પહેલાં તમારે 15300 ખર્ચો થશે, 5000 ભાડું, 5000 ડિપોઝીટ અને 5000 એડવાન્સ
બાદમાં વૃદ્ધ વ્યક્તિ બાઇક લઈને જતા એક વ્યક્તિને વિજયના નામની બૂમ પાડીને બોલાવે છે.
વૃદ્ધ વ્યક્તિ: કોને તમારે રહેવાનું છે કે બીજાને રહેવાનું છે ?
પત્રકાર: મારા મોટાભાઈને રહેવાનું છે.
વૃદ્ધ વ્યક્તિ: બોલાવી જ લો
પત્રકાર: પણ એ તો બહારગામ છે
વૃદ્ધ વ્યક્તિ: બોલાવી જ લો એક જ ધક્કે કામ પતે.
બાઇક લઈને વિજય નામનો વ્યક્તિ આવે છે
પત્રકાર: અહીંયા મકાન શોધું છું અમારા મોટાભાઈને રહેવા માટે
વિજય: ફેમિલી છે?
પત્રકાર: બે જ જણ છે, પતિ-પત્ની
વિજય: કઈ સરનેમ છે
પત્રકાર: ઝાલા
વિજય: કોઈ વાંધો નહીં
પત્રકાર: મળી જશે ને
વિજય: મળી જશે (હા માં માથું હલાવે છે)
વિજય: 1260 મકાનો છે બધા સરખા છે, કોઈ ફરક નથી 1 Bhk જ છે
વિજય: લિફ્ટ, પાર્કિગ, 24 કલાક પાણી છે, 5000 ભાડું છે, 5000 મકાનમાલિક ડીપોઝીટ માગે છે
પત્રકાર: રાજકોટના છે
વૃદ્ધ વ્યક્તિ: ગમે ત્યાંના હોય
વિજય: રાજકોટના હમણાં જ એક વ્યક્તિને મેં મકાન આપ્યુ છે, રાજકોટથી જ સામાન લાવ્યા છે
વિજય: અમે અહીંયા ટોટલી ભાડાનું જ કામ કરીએ છીએ
વૃદ્ધ વ્યક્તિ: બોલાવી જ લો તમેં
પત્રકાર: આજે રવિવાર છે તેઓ રાજકોટ છે આજે આવવાના છે.
વિજય: રહેવા ક્યારે આવવાના છે ?
પત્રકાર: મકાન તો શોધે છે જેથી આવતા મહિને
વિજય: તમારે જ્યારે મકાન રાખવું હોય એના બે દિવસ પહેલા આવી જજો મકાન મળી જશે.
વિજય: નંબર લખી લો મારો, કાકા અહીંયા બેઠા જ હોય
વિજય: નંબર લખાવે છે.