ઉમેદવારોને સમાજનો સાથ:​​​​​​​અમદાવાદમાં રબારી સમાજ દ્વારા LRD ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે પ્રેક્ટિકલ અને લેખિત પરીક્ષાની ટ્રેનિંગ વ્યવસ્થા કરાઈ

અમદાવાદ9 દિવસ પહેલાલેખક: અનિરુદ્ધસિંહ મકવાણા
  • રાયકા એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ ગુજરાત દ્વારા રબારી સમાજના ઉમેદવારોને ટ્રેનિંગ અપાય છે
  • સંસ્થામાં પ્રીલિમ પરીક્ષાની તૈયારી કરાવવા અલગ-અલગ ફેકલ્ટીઓ વિવિધ વિષયો પર ભણાવે છે

ગુજરાત પોલીસમાં ભરતીની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. LRD ભરતીમાં 9.50 લાખ લોકોએ ઉમેદવારી નોંધાવી છે, જેમાં યુવક-યુવતીઓ સવાર-સાંજ દોડ અને લેખિત પરીક્ષાની તૈયારી કરે છે. અમદાવાદ સહિતનાં શહેરોમાં અલગ-અલગ સમાજ દ્વારા પોતાનાં યુવક-યુવતીઓ મોટી સંખ્યામાં પોલીસમાં ભરતી થાય એના માટે દોડની તૈયારીઓ અને લેખિત પરીક્ષા માટે કલાસીસ ચલાવાય છે. અમદાવાદમાં રબારી સમાજ દ્વારા મેમનગર વાળીનાથ ચોક ખાતે આવેલી રાયકા એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ (રેક્ટ) ગુજરાત દ્વારા રબારી સમાજનાં આશરે 300 જેટલાં યુવક-યુવતીઓને પોલીસની ભરતીની શારીરિક અને લેખિત પરીક્ષાની તૈયારીઓ કરાવવામાં આવી રહી છે. દરરોજ સવારે યુવક-યુવતીઓ ગ્રાઉન્ડમાં દોડની પ્રેક્ટિસ અને ક્લાસમાં અભ્યાસ પણ કરે છે.

સંસ્થા દ્વારા ઉમેદવારોને તૈયારી કરાવાય છે
રાયકા એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ (રેક્ટ) ગુજરાત સંસ્થા સાથે જોડાયેલા મુકેશભાઈ રબારીએ જણાવ્યું હતું કે વાળીનાથ ચોકડી પાસે આવેલી આ સંસ્થા વર્ષ 2007થી ચાલે છે, જે જોરભાઈ દેસાઈ (ભાંડું)વાળાની છે, તેમણે આ જગ્યા સમાજ માટે આપી છે. અહીં રબારી સમાજનાં યુવક-યુવતીઓને નિ:શુલ્ક પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષાની તૈયારીઓ કરાવવામાં આવે છે. GMDC ગ્રાઉન્ડ અને ઓઢવ ગ્રાઉન્ડમાં અમે ખર્ચ કરી દોડ માટે ટ્રેક બનાવ્યો છે, જેમાં 385 મીટરના ટ્રેકમાં 13 રાઉન્ડ દોડની પ્રેક્ટિસ કરાવવામાં આવે છે. સંસ્થામાં લાઇબ્રેરીની પણ સુવિધાઓ છે, જેમાં તેઓ બેસીને વાંચી અને અભ્યાસ કરી શકે છે.

લેખિત પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારોની તસવીર
લેખિત પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારોની તસવીર

ફેકલ્ટી દ્વારા માર્ગદર્શન અપાય છે
પોલીસ કોન્સ્ટેબલની રેક્ટ સંસ્થામાંથી તૈયારી કરતાં સાક્ષી દેસાઈએ DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અમે આ સંસ્થામાં નિ:શુલ્ક પોલીસ કોન્સ્ટેબલની ભરતીની તૈયારીઓ કરીએ છીએ. સવારે ગ્રાઉન્ડમાં દોડવા જઈએ છીએ, જેમાં સંસ્થાના વિષ્ણુભાઈ અમને દોડની તૈયારીઓ કરાવે છે. સર્વશ્રેષ્ઠ ફેકલ્ટીઓ દ્વારા અમને અહીં પરીક્ષાની તૈયારીઓ કરાવવામાં આવે છે.

GMDC મેદાનમાં શારીરિક કસોટીની તૈયારી કરતા ઉમેદવારો તથા રબારી સમાજના આગેવાનો
GMDC મેદાનમાં શારીરિક કસોટીની તૈયારી કરતા ઉમેદવારો તથા રબારી સમાજના આગેવાનો

સવારે ગ્રાઉન્ડ પર તૈયારી અને પછી લાઇબ્રેરીમાં વાંચન
જ્યારે ભાવિકા રબારીએ જણાવ્યું હતું કે અમને આ સંસ્થામાં પ્રીલિમ પરીક્ષાની તૈયારી કરાવવામાં આવે છે. અલગ-અલગ ફેકલ્ટીઓ અમને વિવિધ વિષયો પર ભણાવે છે અને સવારે અમે ગ્રાઉન્ડ પર જઈને દોડની તૈયારી પણ કરીએ છીએ. લાઇબ્રેરીની પણ સુવિધા ઉપલબ્ધ હોવાથી એમાં બેસી અમે વાંચન કરીએ છીએ.

રાયકા એજ્યુકેશન ચેરીટ્રેબલ ટ્રસ્ટના કાર્યાલયની તસવીર
રાયકા એજ્યુકેશન ચેરીટ્રેબલ ટ્રસ્ટના કાર્યાલયની તસવીર

જૂનાગઢથી ઉમેદવાર તૈયારી કરવા અમદાવાદ પહોંચ્યો
જૂનાગઢથી અમદાવાદ પોલીસ કોન્સ્ટેબલની તૈયાર માટે આવેલા સાગર ભારાઈએ જણાવ્યું હતું કે હું જુનાગઢથી અહીં રેક્ટ સંસ્થામાં તૈયારી કરવા માટે આવ્યો છું. સવારે 7થી 9 GMDC ગ્રાઉન્ડમાં તૈયારી માટે જઈએ છીએ. બાદમાં બપોરે લાઇબ્રેરીમાં વાંચીએ છીએ. સાંજે કલાસમાં વિવિધ ફેકલ્ટીઓ દ્વારા ભણાવવામાં આવે છે. અહીં નિયમિત રીતે ટેસ્ટ પણ લેવામાં આવે છે અને તૈયારીઓ કરાવવામાં આવે છે. ઉમેદવાર વિમલ દેસાઈએ જણાવ્યું હતું કે,અમે સવારે અને સાંજે દોડની પ્રેક્ટિસ કરવા જઇએ છીએ.

*તમારા સમાજદ્વારા પણ સરકારી ભરતી માટે ક્લાસ ચલાવાતા હોય તો અમને dblrdguidance@gmail.com પર માહિતી સાથે ઈ-મેઈલ મોકલી શકો છો.