ગુજરાતમાં વરસાદ ખેંચાતા ગરમીનું પ્રમાણ વધ્યું છે. બીજી તરફ રાજ્યના 80 ડેમમાં માંડ 20 ટકાથી પણ ઓછું પાણી બચ્યું છે. જ્યારે 4 ડેમના તળિયાઝાટક છે. આ સ્થિતિમાં રાજ્યમાં વીજળીની માંગમાં ધરખમ વધારો થયો છે. વરસાદ નહીં થતાં ખેતરમા પાકની સિંચાઈ માટે ખેડૂતોએ બોર અને કૂવામાંથી વીજળીને સહારે પાણી કાઢીને ઉભો પાક બચાવવા સિંચાઈ કરવી પડી છે. રાજ્યમાં 9મી ઓગસ્ટે વીજળીની માંગ 19019 મેગાવોટ પર પહોંચી હતી. જે અત્યાર સુધીની સૌથી વધુ વીજ ખપત હતી. જો કે એ પછી 10મી ઓગસ્ટે મહત્તમ વીજમાંગ 18 હજાર 758 મેગાવોટ રહી હતી.
બફારો વધતાં રહેણાંકમાં પણ વીજખપત વધુ રહી
ગત વર્ષે ઓગસ્ટ 2020ના પ્રથમ સપ્તાહમાં રાજ્યમાં 78 એમ.એમ જેટલો વરસાદ નોંધાયો હતો. જ્યારે આ વખતે માત્ર 6 એમ.એમ વરસાદ નોંધાયો છે. જ્યારે ઓગસ્ટ 2019ના પ્રથમ સપ્તાહમાં 186 એમ.એમ તથા ઓગસ્ટ 2018ના પ્રથમ સપ્તાહમાં 4.13 એમ.એમ વરસાદ નોંધાયો હતો. આ સ્થિતિમાં ખેડૂતોએ વાવેલો ઉભો પાક સડી જવા અથવા તો સુકાઈ જવાની દહેશત ઉભી થઈ છે. જેથી પાકને બચાવવા માટે ખેડૂતોએ બોર અને કૂવામાંથી વીજળીનો ઉપયોગ કરીને પાણી બહાર કાઢીને પાકને સિંચાઈ માટે વાપર્યું છે. બીજી તરફ વરસાદ નહીં થવાથી ગરમીનું પ્રમાણ વધતાં લોકોએ પણ ઘરમાં વીજળીની વધુ ખપત કરી છે.
ખાનગી એકમો તથા પાવર એક્સચેન્જમાંથી વીજળીની ખરીદી
જો કે એ પછી ગત વર્ષે કોરોના મહામારી અને સરેરાશ દોઢસો ટકા જેટલા અતિ ભારે વરસાદને કારણે વીજમાગ ખાસ્સી ઓછી રહી હતી. રાજ્યમાં 6471 મેગાવોટની સ્થાપિત ક્ષમતાવાળા પવન ઉર્જાના એકમોમાંથી 893 મેગાવોટ અને 3703 મેગાવોટની સ્થાપિત ક્ષમતાવાળા સોલાર ઉર્જાના એકમોમાંથી 579 મેગાવોટ વીજળી મેળવાઈ રહી છે. સરકારી 6902 મેગાવોટની ક્ષમતાવાળા એકમોમાંથી માંડ 2468 મેગાવોટ વીજળી મળી રહી છે. બાકીની 15 હજાર મેગાવોટ વીજળીની જરૂરિયાત સંતોષવા માટે ખાનગી એકમો તથા પાવર એક્સચેન્જમાંથી વીજળી ખરીદાઈ રહી છે.
વરસાદ ખેંચાતા ખેડૂતોને વીજળી પર આધાર રાખવો પડ્યો
નિષ્ણાંતોનું માનવું છે કે અગાઉ 2020ના વર્ષમાં કોરોનાના કારણે વીજળીની ડિમાન્ડમાં કોઈ નવો રેકોર્ડ સર્જાયો નહોતો. જો કે હવે 2021માં ધીરેધીરે પરિસ્થિતિ સામાન્ય થઈ રહી હોવાથી વીજળીની નવી રેકોર્ડબ્રેક ડિમાન્ડ જોવા મળી રહી છે. ખાસ કરીને ઓફિસો, દુકાનો, મોલ અને રેસ્ટોરન્ટ હવે નવી અનલોક પ્રક્રિયામાં ફરીવાર શરૂ થઈ રહ્યાં છે. બીજી તરફ બફારો અને ઉકળાટ પણ વધી રહ્યો છે. જેના કારણે વીજળીની માંગ વધી છે. વરસાદ ખેંચાતા ખેડૂતોને વીજળી પર આધાર રાખવો પડ્યો છે. તે ઉપરાંત રાજ્યમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી સુધી પહોંચી ગયું હોવાથી રહણાંક અને વાણિજ્ય વપરાશ માટેની વીજળીની માંગ પણ ધરખમ રીતે વધી છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.