ઉમેદવારોની આતુરતાનો અંત:બિન સચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટની મોકૂફ રખાયેલી પરીક્ષા હવે 24મી એપ્રિલે યોજાશે

અમદાવાદ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • અગાઉ 13મી ફેબ્રુઆરીએ યોજાનાર પરીક્ષા ગૌણ સેવા પસંદગી મંડળે મોકૂફ રાખી હતી

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ગત 13મી ફેબ્રુઆરીના રોજ યોજાનારી અને મોકૂફ રખાયેલી બિનસચિવાલય કારકૂન અને ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષાની નવી તારીખ જાહેર કરવામાં આવી છે. હવે આ પરીક્ષા આગામી 24મી એપ્રિલના રોજ યોજાશે. GSSSBના ચેરમેન IAS એ.કે રાકેશે ટ્વીટ કરીને આ અંગે જાણકારી આપી હતી.

નવી SOP મુજબ પરીક્ષાનું આયોજન
આ પહેલા ફેબ્રુઆરીમાં પરીક્ષા મોકૂફ રાખવામાં આવતા ઉમેદવારોમાં ભારે નારાજગી પ્રવત્તિ હતી. તે સમયે એ.કે રાકેશે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, હવેની પરીક્ષા નવી SOP મુજબ લેવાશે. પરીક્ષાના સુચારું આયોજન માટે આ ભરતી હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે, ભરતી પરીક્ષાનું ટ્રાન્સપોટેશન પ્રિન્ટિગ પ્રેસથી લઈ તમામ સુવિધાઓ પર હાલ સારામાં સારી રીતે કામ ચાલી રહ્યું છે, પરીક્ષા પારદર્શક રીતે લેવામાં આવશે જેથી તૈયારી કરતાં ઉમેદવારોને પૂરતો ન્યાય મળે.

3900થી વધુ જગ્યા પર ભરતી
3901 જગ્યાઓ માટે 10 લાખથી વધુ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપવાના હતા. ગૌણ સેવા પસંદગી મંડળના ભૂતપૂર્વ ચેરમેન અસિત વોરાના રાજીનામા બાદ આ પરીક્ષા મોકૂફ રખાઈ છે. આ અગાઉ બે વખત આજ પરીક્ષા મોકૂફ રખાઈ હતી. પહેલા ધો.12ને પરીક્ષામાં નહીં બેસવા જેવા મુદ્દે પરીક્ષા મોકૂફ થઇ હતી. બીજીવાર પેપર ફુટવાને પગલે અને ત્રીજી વખત ચેરમેનના રાજીનામાને કારણે પરીક્ષા મોકૂફ રહેવાતા ઉમેદવારોમાં ભારે રોષ ફેલાયો છે.

2018માં ભરતી જાહેર કરવામાં આવી હતી
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સરકારના વિવિધ ખાતાની કચેરીઓ તેમજ મહેસૂલ વિભાગ હેઠળની કલેક્ટર કચેરીઓ માટે કારકુન વર્ગ-3 અને સચિવાલય વિભાગ માટે ઓફિસ આસિસ્ટન્ટ વર્ગ-3 માટે 2018માં જાહેરાત બહાર પાડવામાં આવી હતી. 2018ની ભરતી રદ થયા બાદ કોરોનાના કારણે તારીખ હવે જાહેર કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...