નામકરણ વિવાદ:નરોડા ઓવરબ્રિજને સતગુરુ સ્વામી ટેઉરામજી મહારાજ નામ આપ્યું , CM ભૂપેન્દ્ર પટેલે લોકાર્પણ કર્યું

અમદાવાદ23 દિવસ પહેલા
ઝોન 4ના તમામ પોલીસ સ્ટેશનનો સ્ટાફ નરોડા ગેલેક્સી તરફ ઉતારી દેવામાં આવ્યો
  • CM લોકાર્પણ કરે તે પહેલાં દલિત સમાજની મહિલાઓનો હોબાળો, 30ની અટકાયત
  • CMના આગમનની થોડી મિનિટ પહેલા જ નવી તકતી બનાવી લગાવી

નરોડા ઓવર બ્રિજનો નામકરણ વિવાદ આજે વધુ વકર્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નરોડા ઓવરબ્રિજનું ઉદ્ઘાટન કરે તે પહેલાં જ દલિત સમાજની મહિલાઓ નરોડા રેલવે ઓવરબ્રિજના કાર્યક્રમ સ્થળ પાસે પહોંચી હતી. પોલીસ અને મહિલાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. પોલીસે સ્થાનિકોને વીડિયો લેવા મનાઈ કરી હતી. પોલીસે 30 જેટલી મહિલાઓની અટકાયત કરી ગોમતીપુર પોલીસ હેડક્વાર્ટર ખાતે લઈ જવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નરોડા-ચિલોડા ખાતે ઓવરબ્રિજનું લોકાર્પણ કર્યું છે.

વિવાદ વચ્ચે શરૂઆતમાં બ્રિજને કોઈ નામ આપવામાં આવ્યું નહોતું. જો કે મુખ્યમંત્રી આગમન સાથે જ નવી તકતી લગાવી દીધી હતી. જેમાં બ્રિજનું નામ સતગુરુ સ્વામી ટેઉરામજી મહારાજ રાખવામાં આવ્યું છે. સવારે જ પોલીસે હોબાળો ના થાય તે માટે દલિત સમાજના આગેવાનોની અટકાયત કરી હતી.

ઓવરબ્રિજને ટેઉરામજી મહારાજ નામ આપવામાં આવ્યું
સિંધી સમાજના સંત સતગુરુ સ્વામી ટેઉરામજી મહારાજના નામે આ બ્રિજનો ઠરાવ કોર્પોરેશન દ્વારા પસાર કરી દેવામાં આવ્યો હતો અને બીજી તરફ દલિત સમાજની માંગ હતી કે તેમના સંત રોહિદાસના નામે આ ઓવરબ્રિજ બનાવવામાં આવે. દલિત સમાજની મહિલાઓ દ્વારા બ્રિજનું નામ રાખવા માટેની તકતી રાખવામાં આવી હતી તે તેઓએ કાઢી દીધી હતી. ત્યાર બાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તાત્કાલિક નવી તકતી બનાવી અને લગાવવામાં આવી હતી. જેમા બ્રિજનું કોઈ નામ નહોતું. પરંતુ મુખ્યમંત્રીના આગમનની થો઼ડી મિનિટ પહેલા જ નવી તકતી બનાવી બ્રિજનું નામ સતગુરુ સ્વામી ટેઉરામજી મહારાજ રાખવામાં આવ્યું હતું.

પહેલા લગાવેલી ઓવરબ્રિજની તકતીમાં કોઈ નામ લખ્યું નહોતું.
પહેલા લગાવેલી ઓવરબ્રિજની તકતીમાં કોઈ નામ લખ્યું નહોતું.

ગુજરાત દેશનું ગ્રોથ એન્જીન: CM
મુખ્યમંત્રીએ લોકાર્પણ પ્રસંગે કહ્યું હતું કે, નરોડામાં રેલવે ઓવરબ્રિજની માંગણી હતી અને આજે બ્રિજનું લોકાર્પણ થયું છે. નામકરણ પણ સિંધી સમાજના સદગુરુ ટેઉરામજી મહારાજના નામથી થયું છે. નરેન્દ્રભાઈએ સૌનો સાથ અને વિકાસ સાથે આગળ વધવા કહ્યું છે. ગુજરાત દેશનું ગ્રોથ એન્જીન છે જ્યારે દરેક ક્ષેત્રમાં ગુજરાત આગળ છે. અમદાવાદ લવેબલ અને લિવેબલ કહેવાય છે. ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર સાથે મળતા ગુજરાત ગ્રોથ એન્જીન બન્યું છે. જેના ભાગરૂપે આજે કોરોનામાંથી બહાર નીકળી રહ્યા છીએ ત્યારે બીજા દેશોએ પોતાની પ્રજાને છોડી અને આપણે ફ્રી વેક્સિનેશનથી બહાર નીકળ્યા છીએ. પહેલા શિક્ષણમાં ગુજરાતમાં ડ્રોપ આઉટ રેશિયો 38 ટકા હતો હવે માત્ર 3 ટકા જ છે.

ધારાસભ્ય બલરામ થાવાણીનો ઘેરાવ કરવામાં આવ્યો હતો
મંગળવારે નરોડા ખાતે આવેલી હોસ્પિટલમાં બલરામ થાવાણી આવ્યા હતા. ત્યાં દલિત સમાજની મહિલાઓ દ્વારા તેઓનો ઘેરાવ કરવામાં આવ્યો હતો.દલિત સમાજની મહિલાઓએ તેઓને પ્રશ્ન કર્યો હતો કે સંત રોહીદાસ ઓવર બ્રિજનું નામ રાખવામાં આવી રહ્યું છે તેનો તમને શું વાંધો છે. બ્રિજના નામકરણમાં બલરામ થાવાણીનો ઘેરાવ કરી અને તેઓને પ્રશ્ન પૂછવામાં આવતા તેઓ ત્યાંથી રવાના થઇ ગયા હતા.પોલીસ દ્વારા 20 મહિલાઓની અટકાયત કરાઈ હતી.

દલિત સમાજની મહિલાને બલરામ થાવાણી પર આક્ષેપો કર્યા
રજૂઆત કરનાર મહિલા દેવલ રાઠોડે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે બલરામ થાવાણીને અમે બ્રિજના નામકરણ મામલે પ્રશ્ન પૂછ્યો હતો.દેવલ રાઠોડે આ મામલે બલરામ થાવાણી પર આક્ષેપ કરતા એવું કહ્યું હતું કે, તને ખબર છે ને મેં એક બેનને મારી હતી. તેઓ એવો પણ જવાબ આપ્યો હતો કે તમારા સમાજવાળા કંઈ પણ નહીં કરી શકે. અમે બલરામ થાવાણી સામે પોલીસ ફરિયાદ નોંધાવીશું પરંતુ અમારું કોઈ સાંભળતું નથી.હું આ મામલે ફરિયાદ નોંધાવવા પણ તૈયાર છું પરંતુ તેઓ કંઈ સાંભળતા નથી.

ગઈ કાલે મહિલાઓએ બલરામ થાવાણીનો ઘેરાવ કર્યો હતો
ગઈ કાલે મહિલાઓએ બલરામ થાવાણીનો ઘેરાવ કર્યો હતો

વિરોધ કરનાર બહેન કોંગ્રેસની બહેનો સાથે હાજર હતાં
નરોડાના ધારાસભ્ય બલરામ થાવાણીએ જણાવ્યું હતું કે આજે હું નરોડા હોસ્પિટલમાં યોગના કાર્યક્રમમાં ગયો હતો. ત્યાંથી ડોકટરો સાથે હું બહાર નીકળ્યો ત્યારે કોર્પોરેશનની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર બહેન ત્યાં કોંગ્રેસની બહેનો સાથે વીડિયો ચાલુ કરી હાજર હતા. તેઓએ કહ્યું અમારા સંતનો તમે કેમ વિરોધ કરો છો. મેં કહ્યું કોઈ સંતનો વિરોધ ન હોય. સંત દરેક સમાજના હોય. મેં બહેનને કહ્યું તમે મારી સાથે આવી રીતે વાત ન કરો અને બાદમાં હું ત્યાંથી નીકળી ગયો.

અન્ય સમાચારો પણ છે...