આપણે ગુજરાતીમાં કહેવત છે કે, અડગ મનના માનવીને હિમાલય જેવો ઊંચો પહાડ પણ તેને રોકી શકતો નથી. અર્થાત જો વ્યક્તિ મનમાં કોઈ વસ્તુ ધારી લે તો કોઈ મુશ્કેલ કાર્ય પણ અસંભવ નથી. આવું જ કંઈક સુરતમાં રહેતા પ્રણવ જેઠવાએ કરી બતાવ્યું છે. માત્ર સાત ચોપડી સુધી ભણેલા પ્રણવ જેઠવા આજે ઢોલિવૂડના મોટા મોટા સ્ટાર્સને કેમેરા સામે નચાવે છે. જોકે જાણીને નવાઈ લાગશે કે, પ્રણવભાઈ આ કામ અગાઉ હીરા ઘસવાનું મજૂરી કામ કરતા હતા.જોકે, હાલ તેઓ ગુજરાતી ગીતોના ડિરેક્ટર બનીને વર્ષે 12 લાખથી વધુની કમાણી કરી રહ્યાં છે.
ઝૂનૂનથી સફળતા મેળવી
મૂળ અમરેલી જિલ્લાના ચલાલા ગામના વતની અને હાલમાં સુરતમાં રહેતા પ્રણવ જેઠવા 2-3 વર્ષના સમયગાળામાં જ ઢોલિવૂડમાં મોટું નામ કમાઈ ચૂક્યા છે. પ્રણવભાઈના પરિવારમાં ત્રણ બહેનો, એક ભાઈ તથા માતા-પિતા છે. પરિવારની આર્થિક સ્થિતિ નબળી હોવાથી નાની ઉંમરથી જ તેમણે નોકરી કરવી પડી હતી. તેઓ 11 વર્ષની નાની ઉંમરે હીરા ઘસવા સુરત આવી ગયા હતા. અહીં તેમણે 15-16 વર્ષ સુધી હીરા ઘસ્યા. જોકે મનમાં હંમેશથી કેમેરા પ્રત્યેના તેમના ઝૂનૂનના લીધે તેમણે આખરે આ કામ છોડવાનો નિર્ણય કરી લીધો અને ફોટોગ્રાફી શરૂ કરી દીધી. હીરા ઘસવાના કામમાં તેઓ મહિનામાં જે કમાણી કરતા હતા. આજે તે એક અઠવાડિયામાં કરી લે છે.
હીરા છોડી ફોટોગ્રાફર બન્યા
સુરતમાં સતત 15-16 વર્ષ સુધી હીરા ઘસ્યા બાદ એક દિવસે પ્રણવભાઈએ આ કામ છોડવાનો નિર્ણય કરી લીધો. આ બાદ તેઓ 5-6 મહિના સુધી ધંધાની શોધમાં ફર્યા. જોકે આ વચ્ચે તેમને એક એડવર્ટાઈઝિંગનું કામ મળ્યું હતું. જેમાં એક કેમેરામેન સાથે તેમની મિત્રતા થઈ અને જેમણે ફોટોગ્રાફી શીખવા માટે કહ્યું. આ બાદ તેમણે આ મિત્ર સાથે દોઢ વર્ષ સુધી વેડિંગ(લગ્ન) લાઈનમાં ફોટોગ્રાફર તરીકે કામ કર્યું.
125થી વધુ આલ્બમ કર્યા
પ્રણવભાઈ કહે છે, આ બાદ ધીમે ધીમે મને વીડિયો શૂટિંગ માટે બોલાવવા લાગ્યા, શૂટર તરીકે કામ પણ સારું રહ્યું અને પછી સુરતની 2-3 કંપનીઓએ મને સોંગ માટે ડિરેક્ટરના કામની ઓફર કરી. તેમનું કામ મેં શરૂ કર્યું અને પહેલા જ ગીતથી સારી સફળતા મળી અને લોકો સુધી કામ પહોંચ્યું. છેલ્લા 2-3 વર્ષમાં 125થી વધુ આલ્બમ કર્યા છે. જેમાં ગુજરાતના તમામ કલાકારો આવી જાય છે.
અનેક ગાયકો સાથે કામ કર્યું
પ્રણવભાઈ ઢોલિવૂડના લગભગ તમામ જાણીતા કલાકારો સાથે સોંગ શૂટ કર્યા છે. જેમાં કિંજલ દવે, ગીતા રબારી, રાકેશ બારોટ, વિજય સુવાળા, અલ્પા પટેલ, ધવલ બારોટ, ઉમેશ બારોટ, રશ્મિતા રબારી તથા કીર્તિદાન ગઢવી સહિત નામાંકિત કલાકારો સામેલ છે. 'લઈ જા ને તારી સંગાથ' ગીતને 62 મિલિયનથી પણ વધુ વ્યૂ મળ્યા છે.
ઈન્ટરનેટના માધ્યમથી સ્કિલ શીખ્યા
ગુજરાતી ભાષામાં કામ કરતાં જાણીતા કલાકારોને પોતાના કેમેરા પર નચાવનારા પ્રણવભાઈ માત્ર 7 ધોરણ સુધી જ ભણેલા છે. તેમને ફોટોગ્રાફી, શૂટિંગ અને એડિટિંગના કામ માટે કોઈ ક્લાસ નથી કર્યા. માત્ર સોશિયલ મીડિયા પરથી તેમણે આ સ્કિલ જાતે જ શીખી છે. તથા શૂટિંગમાં સાથે કામ કરતા લોકો અને એક્ટર તરીકે તેમણે નાના-મોટા જે રોલ કર્યા હતા. તેમાંથી જ બધું શીખ્યા છે. પરંતુ આજે તેમને ડિરેક્ટ કરેલા ગીતો પર માત્ર કલાકારો જ નહીં, સામાન્ય લોકો પણ નાચતા રોકી શકતા નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.