અત્યારે રાજ્યના એક IPS બિચારા જ્યાં પણ પોસ્ટિંગ મેળવે ત્યાં આફત જાણે તેમનો પીછો કરીને પહોંચી જ જાય છે. પોલીસબેડામાં થતી ચર્ચાઓ મુજબ, આ IPS અમદાવાદમાં સેક્ટર-2માં હતા ત્યારે છારાનગરમાં પોલીસ પર ગંભીર આક્ષેપ સાથે હાઇકોર્ટમાં કેસ થયો હતો. આ કેસમાં IPS સાહેબ સામે હજી કોર્ટમાં તપાસ ચાલી રહી છે. બીજી તરફ, તેઓ ભાવનગર હતા ત્યારે ગત જુલાઈ માસમાં બરવાળા લઠ્ઠાકાંડ થયો. આ લઠ્ઠાકાંડમાં 43થી વધુ લોકોનાં મોત થયાં હતાં અને પોલીસની બદનામી થઈ એ અલગ. હવે ત્રીજા બનાવમાં IPS સાહેબ રાજકોટ આવ્યા તેના થોડા જ દિવસોમાં મોરબીમાં ઝૂલતો પુલ તૂટવાની દુર્ઘટના બની. આ હોનારતમાં 135 નિર્દોષ લોકોનાં મોત નીપજ્યાં હતાં. આ ત્રણેય બનાવ અંગે પોલીસબેડામાં ચર્ચા છે કે IPS સાહેબનો પીછો આફત છોડતી નથી, તેઓ જ્યાં જાય ત્યાં આફત તેમનો પીછો કરી પહોંચી જાય છે. હવે ઘણા તેમના શુભચિંતકો સાહેબને કહેવા માગે છે કે હવન કરાવો.. પણ કહે કોણ?
રેન્જ IGની બદલી થતાં અમદાવાદથી PI બદલી કરાવી ગયા
પોલીસ ડિપાર્ટમેન્ટમાં કોઈના નજીક હોવ તો તમને ઘી-કેળાં... એવી વાતનો ઉત્તમ નમૂનો હોય તો અમદાવાદના એક PI છે. આમેય તમે કોઈ IPS અધિકારીની નજીક હોવ તો મોટા ભાગે મલાઈદાર પોસ્ટિંગ જ મળે છે. અમદાવાદ શહેરમાં ફરજ બજાવતા એક પોલીસ-ઇન્સ્પેક્ટરની તાજેતરમાં બદલી એક જિલ્લામાં થઈ. પહેલા તો એવું લાગતું હતું કે આ રૂટિન બદલી છે, પરંતુ પાછળથી સામે આવ્યું કે આ PI હંમેશાં અન્ય એક IPS અધિકારી જ્યાં જાય ત્યાં તેમની પાછળ-પાછળ પોતાની બદલી પણ કરાવી જાય છે. તેઓ હંમેશાં પેલા IPS અધિકારીની નજીક જ રહે છે. તેમણે પણ પોતાની આ બદલી પેલા IPS પાસે જ કરાવી છે, જેને કારણે તેમનો બધો વ્યવહાર સંભાળતા લોકોને નુકસાન થયું છે તેવી ચર્ચાઓ છે.
પોલીસ અધિકારીઓમાં હેર-ઇમ્પ્લાન્ટની કોમ્પિટિશન
ગુજરાતીમાં એવી કહેવત છે કે માથામાં ટાલ પડવાની શરૂઆત થાય એટલે પૈસા આવવા લાગે. જોકે ગુજરાતના સિનિયર પોલીસ અધિકારીઓમાં આ કહેવત ઊંધી સાબિત થઈ રહી છે. તેમની પાસે અધધધ રૂપિયા આવી જાય ત્યારે તેમને ટાલ પડવાની શરૂઆત થઈ જાય છે, પરંતુ પાછું તેમને યુવાન અને હેન્ડસમ પણ દેખાવું હોય છે. આ માટે ગુજરાતના સિનિયર IPS અધિકારીઓથી લઈને જુનિયર ઓફિસરો પણ હેર-ઈમ્પ્લાન્ટ કરાવવા લાગી ગયા છે. સંખ્યાબંધ અધિકારીઓએ માથામાં નવા વાળ ઉગાડી દીધા છે. ગુજરાતના ત્રણ IPS અધિકારીએ તો હેર-ટ્રાન્સપ્લાન્ટ કરાવવાની પ્રક્રિયા શરૂ કરી છે.
અમદાવાદની એક એજન્સીના PI ક્રાઇમ માસ્ટર ગોગો
અમદાવાદની એક એજન્સીમાં પોલીસ-ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા અધિકારી પોતાને ક્રાઈમ માસ્ટર ગોગો સમજે છે, એટલે કે તેમની પાસે જે કોઈપણ આવે, તેણે કશુંક તો આપીને જ જવું પડે છે. તેઓ ખાલી હાથે કોઈને જવા દેતા જ નથી. તાજેતરમાં તેમણે એક ક્રિકેટ સટ્ટામાં ઉત્તર ગુજરાતમાંથી એક બુકીની ધરપકડ કરી હતી. આ બુકીને આખો દિવસ થરાદ-ડીસા ફેરવીને છેલ્લે અમદાવાદ લઈ આવ્યા હતા. અહીં આ બુકીએ કહ્યું, તમે જેને શોધો છો એ હું નહીં, પણ બીજો છે. પેલા PI પણ આ વાત જાણતા હતા, પરંતુ આ તો રહ્યા ક્રાઈમ માસ્ટર ગોગો.. તેમણે તો કહી દીધું કે તું પણ બુકી તો છે જ, એટલે તારે કશું તો આપવું જ પડશે, એમ કહીને તેમણે નવના ગુણાંકમાં રકમ લઈને બુકીને જવા દીધાની ચર્ચા ચાલી રહી છે.
ચૂંટણીની બદલીઓ સાથે જ વહીવટદારોની મોસમ ખીલી
ગુજરાતમાં ઘણા સમયથી જેની રાહ જોવાઈ રહી હતી તે IPS અધિકારીઓની બદલી અલગ અલગ જગ્યાએ કરી દેવામાં આવી છે. આવામાં અમદાવાદ શહેરમાં પણ IPSની બદલીઓ થઈ ને નવા અધિકારીઓ આવ્યા. હવે મોટા ગજાના વહીવટદારો હાલ પોતાની તેજી આવી હોય એમ વર્તી રહ્યા છે. તેઓ પોતાનું વહીવટનું પેકેજ લઈને IPS અધિકારીઓ પાસે જાય છે. ઘણા લોકો પોતાની વહીવટ કરવાની સ્ટાઈલ તથા આવકના સોર્સનું આખું સરવૈયું લઈને જાય છે. તો કેટલાક વહીવટદારો તેમના ઓળખીતા અધિકારીઓના રેફરન્સથી વહીવટ માગવા જાય છે, પરંતુ હજી સુધી કોઈનું ગોઠવાઈ નથી એવું પણ સ્પષ્ટ છે.
PIની નોકરી પૂર્વમાં ને ટિફિન પશ્ચિમની હોટલમાંથી આવે
અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં ઘણા સમયથી ફરજ બજાવતા એક PI જમવાના ખૂબ શોખીન. આ PI એટલા બધા ટેસ્ટના રસિયા કે તેમને પશ્ચિમની એક હોટલનું જમવાનું દાઢે વળગ્યું તો કાયમનું ગોઠવી નાખ્યું. હવે તો તેમને ઘરે જમવા જવાનું પણ નથી ફાવતું. તેમણે દરરોજે આશરે 10 કિ.મી. દૂર આવેલી આ હોટલમાંથી જ ટિફિનનું ગોઠવી નાખ્યું છે. આ PI પહેલાં શહેરની મધ્યમાં આવેલી સૌથી મોંઘી રેસ્ટોરન્ટનું જમતા હતા, પરંતુ ત્યાં બિલમાં બબાલ થતાં હવે તેમણે પશ્ચિમ વિસ્તારની એક રેસ્ટોરાંનું ગોઠવી નાખ્યું છે. દરરોજ બપોરે 12:00 વાગે સાહેબનો માણસ કાર લઈને આ રેસ્ટોરાં પર ટિફિન લેવા જાય અને 1:00 વાગ્યા પહેલાં સાહેબને ટિફિન પહોંચાડી દે. દરરોજે હજાર રૂપિયાથી ઉપરનું ટિફિન જમતા આ PI હાલ ખૂબ ચર્ચામાં છે. પાછું તેમના ટિફિનમાં નોનવેજ પણ હોય છે.
SHE ટીમ માટે ફાળવેલી ઇનોવાનો ઉપયોગ HE ટીમ કરે છે
અમદાવાદ શહેરમાં મહિલાઓની સુરક્ષા માટે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ઇનોવા કાર આપવામાં આવી છે. આ ઇનોવા કારનો ત્યાંની SHE ટીમ ઉપયોગ કરતી હોય છે, પરંતુ વાસ્તવમાં તો ચેકિંગ આવે તો ખબર પડે કે મોટા ભાગનાં પોલીસ સ્ટેશનોમાં આ ઈનોવા કારનો ત્યાંના PI જ કરે છે. તેમને સરકારે ફાળવેલી બોલેરો ગમતી નથી અને SUV કારમાં જ અવરજવર કરવી ગમે છે. આ વાત ખાલી કોઈ એક પોલીસ સ્ટેશન પૂરતી નથી, પણ શહેરના મોટા ભાગના PI ક્યાંય પણ જવું હોય તો આ SHE ટીમની કારનો જ બિનધાસ્ત ઉપયોગ કરે છે. હવે આ વાત છે પોલીસ કમિશનર સુધી પહોંચી છે. બીજી તરફ ઉચ્ચ અધિકારીઓએ આવા PIના ફોટા પાડીને તેમને પહોંચાડવા સૂચના આપી દીધી છે. અગાઉ પણ SHE ટીમની કારનો ઉપયોગ બીજાં કામો માટે થવાના વીડિયો પણ સામે આવ્યા છે, પરંતુ કોઈ પગલાં લેવાયાં નથી.
એક PI સિનિયર મહિલા અધિકારીને ગણકારતા જ નથી
પોલીસ ફોર્સ એક રીતે ડિસિપ્લિન ફોર્સ કહેવાય છે, જ્યાં સ્ત્રી કે પુરુષનો કોઈ લિંગભેદ નથી હોતો. અહીં ડિસિપ્લિન પ્રમાણે હોદ્દાને માન આપવામાં આવે છે, પરંતુ હજુ પણ કેટલાક બાબા આદમના જમાનાની પછાત પુરુષપ્રધાન માનસિકતા ધરાવતા PI પોતાની રાજકીય વગના જોરે સિનિયર મહિલા અધિકારીઓને ગણકારતા જ નથી. આવું જ કંઈક અમદાવાદના એક PIના મનમાં છે. રાજ્યના મોટા શહેરમાં ક્રીમ પોસ્ટિંગ મેળવીને અમદાવાદ આવેલા PIના કપાળ પર તેમના પોલિટિકલ કનેક્શનનો રૂઆબ વર્તાતો રહે છે. આ કારણથી જ તેઓ પોતાના સિનિયર અધિકારીને ગણતા જ નથી. ચર્ચાઓ એવી થઈ રહી છે કે તેઓ પોતાની રીતે જ કામ કરવા માગે છે. પોતાના ઉપરી અધિકારીઓની સૂચનાને તેઓ ઘોળીને પી જાય છે એવી પણ પોલીસબેડામાં ચર્ચા છે.
સાયલા દારૂકાંડની મહિલા PSIને ફરી ક્રીમ પોસ્ટિંગ
સાયલા નજીક દારૂ ભરેલી ટ્રકને પાયલોટિંગ આપવા મામલે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટીમ સ્ટેટ મોનિટરિંગ સેલના હાથે ઝડપાઈ હતી. આમાં રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના ચાર પોલીસકર્મચારી અને એક મહિલા PSIને ઉચ્ચ અધિકારીઓએ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા હતા. જોકે આ બાદ તાજેતરમાં જ સસ્પેન્ડ થયેલાં મહિલા PSIને પરત નોકરી પર હાજર લઇ પોલીસ સ્ટેશન, હેડક્વાર્ટર કે ટ્રાફિક શાખાના બદલે તેમની ફરીથી મહત્ત્વની કહી શકાય તેવી પેરોલ ફર્લો સ્ક્વોડમાં નિમણૂંક અપાઈ છે. કેટલાક ઉપરી અધિકારીઓને સાચવી લેવાથી જ મહિલા PSIને આવા બખ્ખાં થઈ ગયા હોવાની ચર્ચાએ પોલીસબેડામાં જોર પકડ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.