સફળ સર્જરી:જાનવરના પંજાના હુમલાથી ગરીબ ખેડૂતે 40 ટકા ચહેરો ગુમાવ્યો, સિવિલ હોસ્પિટલે ચહેરાનું પુન:સર્જન કર્યું, 12 લાખની સર્જરી મફત કરી

અમદાવાદ9 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રવીણભાઈના ચહેરા પર થયેલી ઇજાએ ચહેરાના 40 ટકા ભાગને ગંભીર રીતે ઇજાગ્રસ્ત કર્યો હતો. - Divya Bhaskar
પ્રવીણભાઈના ચહેરા પર થયેલી ઇજાએ ચહેરાના 40 ટકા ભાગને ગંભીર રીતે ઇજાગ્રસ્ત કર્યો હતો.
  • ખાનગી હોસ્પિટલમાં રૂ.10-12 લાખમાં થતી અત્યંત ખર્ચાળ પ્લાસ્ટિક સર્જરી અમદાવાદ સિવિલમાં વિનામૂલ્યે થઈ
  • સતત 10 કલાક ચાલેલી સર્જરીના અંતે સફળતા મળી
  • કોવિડ-19ના કપરા કાળમાં અમદાવાદ સિવિલના બર્ન્સ અને પ્લાસ્ટિક સર્જરી વિભાગે 1300 જેટલી સર્જરી કરીને કર્તવ્યપરાયણતાની મિસાલ સ્થાપી

ઇડર તાલુકાના આંકલા ગામમાં રહેતા પ્રવીણભાઇ કરસનભાઇ ભોભી જાન્યુઆરી મહિનામાં રાત્રિ સમય દરમિયાન ખેતરમાં કામ કરી રહ્યા હતા. એકાએક જંગલી પ્રાણીએ તેમના પર ઘાતકી હુમલો કર્યો ! આ હુમલો એટલો ઘાતક હતો કે જંગલી પ્રાણીના પંજાથી પ્રવીણભાઇના ચહેરા પર થયેલી ઇજાએ ચહેરાના 40 ટકા ભાગને ગંભીર રીતે ઇજાગ્રસ્ત કર્યો હતો. પ્રવીણભાઈ ભોભી બચી તો ગયા, પણ જંગલી પ્રાણીના પંજાના પ્રહારથી તેમનો 40 ટકા ચહેરો બગડી ગયો હતો.

પહેલા ઈડર પછી હિંમતનગર દોડ્યા હતા
અચાનક બનેલી આ ઘટના બાદ પ્રવીણભાઈના સગા તેમને ઇડર હોસ્પિટલ લઇ ગયા, ત્યાંથી તેમને હિંમતનગર હોસ્પિટલે લઈ જવાયા. હિંમતનગર હોસ્પિટલના તબીબોએ તેમના ઇજાગ્રસ્ત થયેલા બેડોળ ચહેરાને જોઇને સર્જરીની ગંભીરતાનું અનુમાન લગાવી લીધું હતું. એ કારણોસર જ પ્રવીણભાઈને અમદાવાદ સિવિલ હોસ્પિટલ લઇ જવા સૂચન કર્યું. અમદાવાદ સિવિલમાં આવ્યા બાદ તેમને બર્ન્સ અને પ્લાસ્ટિક સર્જરી વિભાગની દેખરેખ હેઠળ દાખલ કરવામાં આવ્યાં.

નાક અને ઉપરની પાંપણને કપાળની માંસપેશી લઈને સર્જરી સફળ બનાવી.
નાક અને ઉપરની પાંપણને કપાળની માંસપેશી લઈને સર્જરી સફળ બનાવી.

મોઢાનો અડધો ભાગ ગુમાવી દીધો હતો
અહીં ચકાસણીના અંતે જણાયું કે જાનવરના પંજાના પ્રહારથી પ્રવીણભાઈએ ચહેરાના ડાબા ભાગે આંખનું ઊપલી અને નીચલી પાંપણ, ગાલ, ઉપલા હોઠનો એક હિસ્સો તથા નાકનો અમુક હિસ્સો ગુમાવી દીધો હતો. આ પરિસ્થિતિમાં થોડા સમય બાદ પ્રવીણભાઈની હાલત દયનીય બની જાય તેમ હતી, તેથી ઊંડી ચકાસણી બાદ તબીબોએ પ્રવીણભાઈની રિકન્સ્ટ્રક્ટિવ (પુનઃનિર્માણ) સર્જરી કરીને તેમને એક નવો ચહેરો આપવાનો નિર્ણય કર્યો.

નાક,આંખ સહિતના અંગમાં નુકસાન પહોંચ્યું હતું
ગાલ અને હોઠના ભાગે નરમ પેશીઓની ખામીને પૂરવા માટે રેડિયલ ફોરઆર્મ ફ્રી માઇક્રોવાસ્ક્યુલર ફ્લૅપ સર્જરીથી રિકન્સ્ટ્રક્શન (પુનઃનિર્માણ) કરવામાં આવ્યું. નાક અને ઉપરની પાંપણને કપાળની માંસપેશી લઈને બનાવવામાં આવેલાં, જ્યારે નાક અને આંખની અંદરનો ભાગ બનાવવા સાથળની ચામડી અને તાળવામાંથી મયુકોસા લેવામાં આવેલા.

ઊંડી ચકાસણી બાદ તબીબોએ પ્રવીણભાઈને એક નવો ચહેરો આપવાનો નિર્ણય કર્યો.
ઊંડી ચકાસણી બાદ તબીબોએ પ્રવીણભાઈને એક નવો ચહેરો આપવાનો નિર્ણય કર્યો.

10 કલાક સુધી ચાલી સર્જરી
પ્રવીણભાઈની સર્જરી કુલ મળીને 10 કલાક સુધી ચાલી હતી અને તમામ પ્રથમ રિકન્સ્ટ્રક્શન (પુનઃનિર્માણ) એક જ વખતની સર્જરીમાં કરવામાં આવ્યું હતું. ડો. જયેશ પી. સચદે, ડો. માનવ પી. સુરી, ડો. હિરેન એ. રાણા અને પ્લાસ્ટિક સર્જરી વિભાગની ટીમ, એનેસ્થેસિયા વિભાગ તથા ઓપ્થેલ્મોલોજી વિભાગની ટીમ પણ આ સર્જરીમાં જોડાઈ હતી.

પહેલાં આ સર્જરી માત્ર ધનિકો જ કરાવી શકતા હતા
આ કિસ્સાથી સાબિત થાય છે કે ગુજરાતમાં અગાઉ આવી ખર્ચાળ સર્જરી માત્ર ધનિક વર્ગ જ કરાવી શકતા હતા, જે આજે સરકારી હોસ્પિટલોમાં ગરીબ વર્ગના લોકો માટે પણ વિનામૂલ્યે ઉપલબ્ધ થઈ છે.
ઉલ્લેખનીય છે કે સિવિલ હોસ્પિટલમાં સતત 10 કલાકથી વધુ સમય ચાલેલી પ્રવીણભાઈની સર્જરી અને સંપૂર્ણ સારવાર વિનામૂલ્યે થઈ છે, જેની સામે અન્યત્ર ખાનગી હોસ્પિટલમાં અંદાજિત 10 થી 11 લાખ રૂપિયાનો ખર્ચ થયો હોત.

હિંમતનગર હોસ્પિટલના તબીબોએ પ્રવીણભાઈને અમદાવાદ સિવિલ હોસ્પિટલ લઇ જવા સૂચન કર્યું.
હિંમતનગર હોસ્પિટલના તબીબોએ પ્રવીણભાઈને અમદાવાદ સિવિલ હોસ્પિટલ લઇ જવા સૂચન કર્યું.

પ્લાસ્ટિક સર્જરી વિભાગે ડગ્યા વગર દર્દીઓની સેવા કરી
કોવિડ-19ની મહામારીના કપરાકાળમાં પણ અત્યારસુધીમાં અમદાવાદ સિવિલના બર્ન્સ અને પ્લાસ્ટિક સર્જરી વિભાગે સહેજ પણ ડગ્યા વગર દર્દીઓની સેવા કરી હતી અને આ ગાળામાં અંદાજે 1300 જેટલી સર્જરી કરીને કર્તવ્યપરાયણતાની મિસાલ સ્થાપી છે.

અન્ય સમાચારો પણ છે...