અમદાવાદની કિડની હોસ્પિટલ દ્વારા ગુજરાતમાં કિડની ફેલ્યોરના દર્દી માટે શરૂ કરાયેલાં દેશના સૌથી સફળ ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામની સફળતા પોંડિચેરી સુધી પહોંચી છે, તેમજ પોંડિચેરીના ગવર્નરે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલને પોંડિચેરીમાં કિડની ડાયાલિસિસ પ્રોગ્રામનું ગુજરાત મોડલ શરૂ કરાવવા પત્ર લખી વિનંતી કરી હતી. જેને પગલે અમદાવાદની કિડની હોસ્પિટલના ડાયરેકટર સહિતની ટીમ પોંડિચેરી પહોંચીને કિડની ડાયાલિસિસ પ્રોગ્રામ શરૂ કરવાનું ફાઇનલ પ્રેઝન્ટેશન અને એમઓયુ સાઇન કર્યાં છે. આગામી 15 દિવસમાં પોંડિચેરીમાં કિડની ડાયાલિસિસના 10 સેન્ટર શરૂ કરાશે.
આગામી 15 દિવસમાં પોંડિચેરીમાં 10 ડાયાલિસિસ સેન્ટર શરૂ
અમદાવાદની ઇન્સ્ટીટ્યુટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર (કિડની હોસ્પિટલ)ના ડાયરેકટર ડો. વિનીત મિશ્રા જણાવે છે કે, કિડની હોસ્પિટલ દ્વારા ગુજરાતમાં શરૂ કરાયેલાં ‘વન ગુજરાત વન ડાયાલિસિસ’ મોડેલને પોંડિચેરીએ અપનાવ્યું છે, જે ગુજરાત માટે ગૌરવની વાત છે. પોંડિચેરીના ગવર્નરે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલને ગુજરાતનો કિડની ડાયાલિસિસ પ્રોગ્રામ પોંડિચેરીમાં શરૂ કરવા માટે પત્ર લખીને વિનંતી કરી હતી. જેને પગલે હું અને મારી ટીમ પોંડિચેરી જઇને પોંડીચેરીના લેફટન્ટ ગવર્નર ડો. તામીલીસાઇ સોંદરારાજન અને અન્ય અધિકારી સાથેની એક મીટિંગમાં ફાઇનલ પ્રેઝન્ટેશન અને એમઓયુ સાઇન કર્યા છે. જેથી આગામી 15 દિવસમાં પોંડિચેરીમાં 10 ડાયાલિસિસ સેન્ટર શરૂ કરાશે.
આદિવાસી વિસ્તારમાં પ્રોગ્રામ ચાલી રહ્યો છે
કિડની હોસ્પિટલ દ્વારા શરૂ કરાયેલાં ‘વન ગુજરાત વન ડાયાલિસિસ પ્રોગ્રામ’ અંતર્ગત રાજ્યના 38 આદિવાસી વિસ્તાર અને 20 અગરિયા વિસ્તાર સાથે રાજ્યના જીલ્લા-તાલુકા કક્ષાએ શરૂ કરાયેલાં 271 ડાયાલિસિસ સેન્ટરમાં ગમે તે દર્દી ગમે તે સેન્ટરમાં જઇને કિડનીના દર્દી નિશુલ્ક કિડની ડાયાલિસિસ કરાવી શકે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકાર્પણ કરીને ‘વન ગુજરાત વન ડાયાલિસિસ’ને ‘વન ઇન્ડિયા વન ડાયાલિસિસ’ નામ આપ્યું છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.