આયોજન:અમદાવાદમાં પ્રદૂષણ ફેલાવતી પીરાણા ડમ્પિંગ સાઈટ હવે શહેરને શુદ્ધ હવા પુરી પાડશે, વૃક્ષો વાવી ઓક્સિજન પાર્ક બનાવાયો

અમદાવાદ3 મહિનો પહેલા
વૃક્ષો વાવીને ઓક્સિજન પાર્ક તૈયાર કરાયો
  • 85 એકર જમીનમાં ફેલાયેલા કચરાના ડુંગરમાંથી 24 એકર જમીન પરથી કચરો દૂર કરાયો.
  • ખુલ્લી થયેલી જગ્યા પર 1000 જેટલા વૃક્ષો વાવવામાં આવ્યા.

અમદાવાદ શહેરમાં સૌથી મોટી સમસ્યા અને જ્યાંથી સૌથી વધુ પ્રદુષણ શહેરમાં ફેલાય છે એવી પીરાણા ડમ્પિંગ સાઈટ પરથી શહેરને શુદ્ધ ઓક્સિજન- હવા મળે તેવું આયોજન મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું છે. પીરાણા ડમ્પિંગ સાઈટમાં ખુલ્લી કરેલી 24 એકર જગ્યામાં હાલ અલગ અલગ વૃક્ષોના 1 હજાર છોડ વાવી અને ઓક્સિજન પાર્ક બનાવવામાં આવી રહ્યો છે. જેમ જેમ જગ્યા ખુલ્લી થશે તેમ છોડ વાવવામાં આવશે.પીરાણા સાઈટ પર આશરે દોઢ કરોડ મેટ્રિક ટન જેટલો કચરો ભેગો થયેલો છે જેમાંથી અત્યાર સુધીમાં 45 લાખ મેટ્રિક ટન જેટલો કચરો દૂર કરવામાં આવ્યો છે.

શહેરને પ્રદૂષણ મુક્ત કરવા વૃક્ષારોપણ કરાશે
મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના ડાયરેક્ટર હર્ષદ સોલંકીએ દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે પીરાણા ડમ્પિંગ સાઈટની ખુલ્લી જગ્યાને ઓક્સિજન પાર્ક બનાવવાનો મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમારે નિર્ણય લીધો હતો. જેથી આજે ખુલ્લી થયેલી જગ્યામાં પીપળો, વડ, લીમડો જેવા વૃક્ષોના 1 હજાર જેટલા છોડ વાવવામાં આવ્યા છે. આ સાઇટ પર અસંખ્ય વૃક્ષો વાવી અને ઓક્સિજન પાર્ક ઉભો કરાશે અને શહેરને શુદ્ધ ઓક્સિજન આપી પ્રદૂષણમુક્ત કરવામાં આવશે.

24 એકર જગ્યા સાફ કરીને વૃક્ષારોપણ કરવામાં આવ્યું
24 એકર જગ્યા સાફ કરીને વૃક્ષારોપણ કરવામાં આવ્યું

કચરાના ઢગલાને સાફ કરવાની કામગીરી શરૂ કરાઈ હતી
વધુમાં હર્ષદ સોલંકીએ જણાવ્યું હતું કે NGTએ દેશના અલગ અલગ શહેરોમા જ્યાં આવા મોટા કચરાના ઢગલાને બાયોમાઈનિગ અથવા અન્ય પ્રોસેસ કરી દૂર કરવા માટે આદેશ કર્યો હતો. જેથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તાત્કાલિક બે ટ્રોમિલ મશીનો લાવી પાયલોટ પ્રોજેકટ હાથ ધરી અને આ કચરાના ઢગલાને સાફ કરવાની કામગીરી શરૂ કરી હતી. 4 એકર જમીન ખુલ્લી કર્યા બાદ NGTને રજુઆત કરી ટેન્ડર બહાર પાડી ઝડપથી કચરો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

24 એકર જમીનમાં કચરો દૂર કરાયો
આજે પીરાણા ડમ્પિંગ સાઈટ પર રોજ 50 ટ્રોમિલ મશીનથી 300 મેટ્રિક ટન અને 8 ટ્રોમિલ મશીન 1000 મેટ્રિક ટન કચરો સાફ કરે તેવા છે. રોજનો 58 ટ્રોમિલ મશીનથી 1300 મેટ્રિક ટન જેટલો કચરો રોજ દૂર કરવામાં આવે છે. ચોમાસાની ઋતુમાં પણ 15થી 20 હજાર મેટ્રિક ટન કચરો દૂર કરવામાં આવે છે. 85 એકર જમીનમાં ફેલાયેલા કચરાના ડુંગરમાંથી 24 એકર જમીનમાં કચરો દૂર કરી જગ્યા ખુલ્લી કરવામાં આવી છે.

હજુ વધુ જગ્યા ખુલ્લી થશે તેમ વધુ વૃક્ષોનું વાવેતર કરાશે
હજુ વધુ જગ્યા ખુલ્લી થશે તેમ વધુ વૃક્ષોનું વાવેતર કરાશે

કચરામાંથી પ્લાસ્ટિક અલગ તારવવામાં આવ્યું
પીરાણા સાઈટ પર આશરે દોઢ કરોડ મેટ્રિક ટન જેટલો કચરો ભેગો થયેલો છે જેમાંથી અત્યાર સુધીમાં 45 લાખ મેટ્રિક ટન જેટલો કચરો દૂર કરવામાં આવ્યો છે. 24 એકર જમીન ખુલ્લી કરતા જે કચરો નીકળ્યો છે તેને પુરાણ કરવામાં વાપરવામાં આવે છે. પ્લાસ્ટિક પણ અલગ તારવવામાં આવ્યું છે જેનો વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટમાં વાપરવામાં આવશે.

ભૂતકાળમાં NGTએ ક્યાં શહેરને કેટલો દંડ ફટકાર્યો હતો

શહેરદંડની રકમ
અમદાવાદ70 કરોડ
દિલ્હી250 કરોડ
બેંગ્લોર60 કરોડ
પુણે40 કરોડ
અન્ય સમાચારો પણ છે...