આફત બની ડમ્પિંગ સાઈટ:આણંદની ડમ્પિંગ સાઈટનું પ્રદૂષણ ચિંતાનો વિષય, હાઈકોર્ટે કહ્યું- વહેલી તકે પગલાં નહીં લેવાય તો આરોગ્યને નુકસાન પહોંચાડી શકે છે

અમદાવાદ7 મહિનો પહેલા
ડમ્પિંગ સાઇટ અન્ય સ્થળે ખસેડવા માગ
  • રાજ્ય સરકાર અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને કચરાના નિકાલની કાર્યવાહી કરવા નિર્દેશ
  • 2016માં આણંદ નગરપાલિકા દ્વારા શહેર નજીકના લાંભેલ ગામમાં ડમ્પિંગ સાઈટ ઊભી કરી હતી
  • ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ પોતાનો રિપોર્ટ ગુજરાત હાઇકોર્ટ સમક્ષ મૂક્યો હતો

રાજ્યભરમાં શહેરો અને મહાનગરોમાં ડમ્પિંગ સાઈટ મારફતે ફેલાઈ રહેલા પ્રદૂષણનો મુદ્દો ચિંતાનો વિષય બન્યો છે. ત્યારે આણંદ નગરપાલિકાના ડમ્પિંગ સાઇટ મુદ્દે ગુજરાત હાઈકોર્ટે ચિંતા વ્યક્ત કરી રાજ્ય સરકાર અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને આ અંગે કાર્યવાહી કરવા નિર્દેશ આપ્યા છે.

હાઈકોર્ટમાં નગરપાલિકાના ચીફ ઓફિસર હાજર રહ્યા
વર્ષ 2016માં ગુજરાત હાઇકોર્ટમાં આણંદ નગરપાલિકા દ્વારા આણંદથી અડીને આવેલા લાંભેલ ગામમાં ઉભી કરવામાં આવેલી ડમ્પિંગ સાઈટને લઈને ગુજરાત હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કરવામાં આવી હતી. જેમાં આ ડમ્પિંગ સાઇટ અન્ય સ્થળે ખસેડવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. જેને લઇને ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી. જેમાં આણંદ નગરપાલિકાના ચીફ ઓફિસર પોતે હાજર રહ્યા હતા અને કચરાના નિકાલ માટે કરેલી કાર્યવાહી અંગે માહિતી કોર્ટ સમક્ષ રજૂ કરી હતી.

ડમ્પિંગ સાઇટની આસપાસ અંદાજે 25 હજાર જેટલા લોકો વસવાટ કરે છે
ડમ્પિંગ સાઇટની આસપાસ અંદાજે 25 હજાર જેટલા લોકો વસવાટ કરે છે

2,80,000 ટન કચરાનો રિપોર્ટમાં ઉલ્લેખ
ડમ્પિંગ સાઈડ મુદ્દે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ પોતાનો રિપોર્ટ ગુજરાત હાઇકોર્ટ સમક્ષ મૂક્યો હતો. જેમાં 2,80,000 ટન કચરો આ સાઇટ પર હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જે બાબતે કોર્ટે ગંભીર નોંધ લેતા ચિંતા વ્યક્ત કરી છે. સાથે જ આ બાબતે કોર્ટે સિનિયર કાઉન્સિલ મનીષા લવકુમાર શાહને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ વતી શું પગલાં લઈ શકાય તે માટે કહ્યું છે. સાથે સાથે ગુજરાત હાઈકોર્ટે એ પણ નોંધ લીધી કે, જો આ બાબતે ઝડપથી પગલાં ન લેવાય તો આરોગ્યને ભારે નુકસાન પહોંચાડી શકે છે.

ડમ્પિંગ સાઇટ પાસે આવેલા તળાવમાં પણ કચરો ઠાલવવામાં આવી રહ્યો છે
ડમ્પિંગ સાઇટ પાસે આવેલા તળાવમાં પણ કચરો ઠાલવવામાં આવી રહ્યો છે

ડમ્પિંગ સાઈટ આસપાસ 25 હજાર લોકોનો વસવાટ
આ મામલે અરજદાર ઉન્નત પટેલે દિવ્ય ભાસ્કર સાથે વાત કરતાં જણાવ્યું કે, આ ડમ્પિંગ સાઇટની આસપાસ અંદાજે 25 હજાર જેટલા લોકો વસવાટ કરે છે. માત્ર આણંદ જ નહીં પરંતુ વલ્લભવિદ્યાનગરનો કચરો પણ આ ડમ્પિંગ સાઇટ પર ઠાલવવામાં આવે છે. જેના કારણે આસપાસના લોકોના આરોગ્ય પર મોટું જોખમ ઊભું થાય એવી પરિસ્થિતિ સર્જાઈ છે. માત્ર એટલું જ નહીં, પરંતુ ડમ્પિંગ સાઇટ પાસે આવેલા તળાવમાં પણ કચરો ઠાલવવામાં આવી રહ્યો છે, જે ચિંતાજનક બાબત છે. રહેણાંક વિસ્તારની સાથે નજીકમાં હોસ્પિટલ પણ આવેલી છે. કેટલીકવાર હોસ્પિટલોનો મેડિકલ વેસ્ટ પણ ફેંકવામાં આવે છે. ઉપરાંત જ્યારે કચરાને બાળવામાં આવે છે, ત્યારે હવાનું પ્રદૂષણ આસપાસમાં ફેલાય છે.

અન્ય સમાચારો પણ છે...