નમસ્કાર,
આજે શુક્રવાર છે, તારીખ 13 ઓગસ્ટ, શ્રાવણ સુદ પાંચમ.
આ મહત્ત્વપૂર્ણ ઘટનાઓ પર રહેશે નજર
1) ભારત સરકારની સ્ક્રેપ વ્હીકલ પોલિસીની આજે ગાંધીનગરમાં જાહેરાત થશે, કેન્દ્રીય પરિવહનમંત્રી ગડકરી હાજર રહેશે.
2) મુખ્યમંત્રી રૂપાણીની હાજરીમાં મહાત્મા મંદિરમાં યોજાનારા સ્ક્રેપ પોલિસીના કાર્યક્રમમાં PM મોદી વર્ચ્યુઅલી સંબોધન કરશે.
3) આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત અમદાવાદ, આણંદ અને પોરબંદરથી ફિટ ઇન્ડિયા ફ્રીડમ રન 2.0નો પ્રારંભ થશે
હવે જોઈએ ગઈકાલના ખાસ સમાચાર
1) પોરબંદરના રાણાવાવ સ્થિત હાથી સિમેન્ટ ફેકટરીમાં ચીમનીના રિપેરીંગ કામ દરમિયાન અકસ્માત, 5 થી 6 મજૂરો દટાયા હોવાની આશંકા
પોરબંદર નજીકના રાણાવાવ- આદિત્યાણામાં આવેલ સૌરાષ્ટ્ર સિમેન્ટ લી. હેઠળની હાથી સિમેન્ટ ફેકટરીમાં આજે બપોરે બનેલી એક મોટી દુર્ઘટનામાં પાંચથી છ મજુરો દટાયા હોવાની આશંકા છે અને દટાયેલા આ મજુરોને બહાર કાઢવા માટે રેસ્ક્યુની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે.તો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ આ મામલે પોરબંદર કલેકટર સાથે ટેલિફોનિક વાતચીત કરી સત્વરે રાહત અન બચાવ કામગીરી માટે સૂચના આપી હતી.
વાંચો સમાચાર વિગતવાર
2) એક સમયે પાટીદાર અનામત મુદ્દે હાર્દિક પટેલે ગુજરાતને માથે લીધું હતું, હવે પાણીમાં બેસી ગયા, કહ્યું, દરેક સમાજને લાભ મળવો જોઈએ
2015માં પાટીદારોને અનામત અપાવવા ગુજરાતને માથે લેનારા હાર્દિક પટેલ હવે અનામત મામલે પાણીમાં બેસી ગયા છે. કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે કેન્દ્રએ કરેલા OBC બિલના સંશોધન અંગે કહ્યું કે, પાટીદાર સમાજને ઓબીસીમાં સમાવવા માટે બે વર્ષથી અરજી કરી છે તેનો ઉકેલ લાવો. માત્ર પાટીદાર જ નહીં અન્ય સમાજના લોકો જે બિન અનામત છે તે તમામનો સર્વે હાથ ધરવો જોઈએ અને ત્યાર બાદ તેમને OBCમાં સમાવવા જોઈએ.
વાંચો સમાચાર વિગતવાર
3) યુવતીએ પહેલાં કહ્યું- વિધર્મી પતિએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું, હવે લવ જેહાદની FIR રદ કરવા હાઈકોર્ટમાં અરજી
ગુજરાત રાજ્યમાં 15 જૂનથી લવ જેહાદના કાયદાનો અમલ શરૂ થતાની સાથે જ વડોદરામાં 17 જૂને આ કાયદા અંતર્ગત પ્રથમ FIR(ફર્સ્ટ ઈન્ફર્મેશન રિપોર્ટ) નોંધાઇ હતી. જો કે હવે આ FIRને રદ કરી પતિને જામીન મળે તે માટે ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. આગામી સમયમાં ગુજરાત હાઈકોર્ટ આ મુદ્દે સુનાવણી થશે.
વાંચો સમાચાર વિગતવાર
4) રાજકોટના કાંગશિયાળીના ચેકડેમમાં 3 યુવતીઓના ડૂબી જતાં મોત, ફાયરની ટીમે મૃતદેહને બહાર કાઢ્યા
રાજકોટના કાંગશિયાળી ગામમાં આવેલા ચેકડેમમાં કુલ પાંચ લોકો પડ્યા હતા જેમાંથી 3 યુવતીઓનાં ડૂબી જતા મોત થયાં હતાં. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો ગયો હતો અને ત્રણેયના મૃતદેહને બહાર કાઢ્યા હતા. આ અંગે પોલીસે આકસ્મિક મોતની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વાંચો સમાચાર વિગતવાર
5) દેશના દરવાજે થર્ડ વેવની દસ્તક?, બેંગલુરુમાં એક જ સપ્તાહમાં સ્કૂલનાં 300થી વધુ બાળકો પોઝિટિવ
દેશમાં કોરોનાની બીજી લહેર હજી પૂરી થઈ નથી ત્યાં ત્રીજી લહેર પણ દસ્તક દેવા લાગી છે. કોરોનાના કેસ ઘટ્યા બાદ ઘણી જગ્યાએ શાળાઓ અને કોલેજો ખોલવામાં આવી છે. આવું જ કર્ણાટકના બેંગલુરુમાં પણ થયું. હાલમાં જાહેર થયેલા આંકડામાંથી જે ચિત્ર સામે આવ્યું છે એ ભયાનક છે. અહીં લગભગ 6 દિવસમાં 300થી વધુ બાળકો કોરોના સંક્રમણની ઝપેટમાં આવી ગયાં છે. જેમાં 0 થી 9 વર્ષના લગભગ 127 અને 10થી 19 વર્ષના 174 બાળકો કોરોના પોઝિટિવ થયા છે.
વાંચો સમાચાર વિગતવાર
6) તાલિબાનોને અફઘાન સરકારની સત્તાની વહેંચણીની ઓફર; કાબુલના કબજાથી તાલિબાન માત્ર 150 કિ.મી. દૂર
તાલિબાની આતંકવાદી એક સપ્તાહમાં અફઘાનિસ્તાનના 10 રાજ્યોમાં કબજો કરી ચૂક્યા છે. હવે તેમનો ગઝની પર પણ કબજો છે, જે રાજધાની કાબુલથી માત્ર 150 કિમી દૂર છે. એટલે કે તાલિબાની ટૂંક સમયમાં કાબુલ પર પણ કબજો કરી શકે છે અને તેના પછી આખું અફઘાનિસ્તાન તેમના કબજામાં હશે. આ દરમિયાન, અફઘાનિસ્તાન સરકારે સમજૂતીનો પ્રયત્ન કર્યો છે. કતારમાં તાલિબાનિયો સાથે વાત-ચીત કરી રહેલા સરકારી અધિકારીઓએ હિંસા પૂર્ણ કરવા માટે સમજૂતીની ઓફર મૂકી છે.
વાંચો સમાચાર વિગતવાર
7) સંસદનો હંગામો રસ્તા પર લાવ્યો વિપક્ષો, રાહુલે કહ્યું-રાજ્યસભામાં પ્રથમ વખત સાંસદોને મારવામાં આવ્યા
મોનસૂન સત્ર પુરુ થયા પછી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સહિત લગભગ 15 વિપક્ષોએ સંસદથી વિજય ચોક સુધી પગપાળા માર્ચ કાઢી હતી. સમગ્ર મોનસુન સત્ર દરમિયાન પેગાસસ, ખેડૂત જેવા મુદ્દાઓ પર સતત હંગામો કરી રહેલા વિપક્ષે સરકાર પર લોકશોહીની મર્યાદા ભંગ કરવાનો આરોપ લગાવ્યો છે. આ અંગે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે રાજ્યસભામાં પ્રથમ વખત સાંસદોને માર મારવાની ઘટના બની છે. બીજી તરફ શિવસેનાએ આ ઘટનાને પાકિસ્તાનની બોર્ડર પર હોવાનો અનુભવ ગણાવ્યો છે.
વાંચો સમાચાર વિગતવાર
8) કોંગ્રેસનું ટ્વિટર એકાઉન્ટ લોક, ટ્વિટરના એક્શન પર કોંગ્રેસે કહ્યું- અમે નહીં ડરીએ
કોંગ્રેસે દાવો કર્યો છે કે પાર્ટીનું ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ લોક કરી દેવામાં આવ્યું હતું. ઈન્ડિયન નેશનલ કોંગ્રેસે ફેસબુક પર લખ્યું છે કે જ્યારે અમારા નેતાઓને જેલમાં બંધ કરી દેવામાં આવ્યા ત્યારે અમે નહોતા ડર્યા તો હવે ટ્વિટર એકાઉન્ટ બંધ કરવાથી શું ડરવાના છીએ. અમે કોંગ્રેસ છીએ, જનતાનો સંદેશ છે, અમે લડીશું, લડતા રહીશું. જો દુષ્કર્મ પીડિત બાળકી માટે અવાજ ઉઠાવવો ગુનો છે, તો અમે આ ગુનો સોવાર કરવા તૈયાર છીએ. જય હિંદ... સત્યમેવ જયતે.
વાંચો સમાચાર વિગતવાર
મહત્ત્વપૂર્ણ સમાચારો માત્ર હેડલાઈનમાં
1) અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટનું લોન્ચિંગ નિષ્ફળ, ત્રીજા તબક્કામાં ટેક્નિકલ ખામીને કારણે મિશન અપૂર્ણ રહ્યું; ચીન-પાક.ની સરહદો પર નજર રાખવા જરૂરી હતું મિશન
2) ગૃહમાં સાંસદો અને માર્શલો વચ્ચે ધક્કા-મુક્કીની તસવીરો સામે આવી, સરકારના મંત્રીઓએ કહ્યું- વિપક્ષ મગરનાં આંસુ ના વહાવે
3) મમતા બાદ સોનિયા કરશે વિપક્ષના નેતાઓ સાથે વાત; દીદી ઉપરાંત ઉદ્ધવ અને સ્ટાલિન પણ વર્ચ્યુઅલ બેઠકમાં રહેશે ઉપસ્થિત
4) આસારામના પુત્ર નારાયણ સાંઈના બે સપ્તાહના ફરલો પર સુપ્રીમ કોર્ટે પ્રતિબંધ લગાવ્યો; રેપ કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યો છે
5) ભાજપના ધારાસભ્યોના દીકરાએ સમર્થકો સાથે આરોપીને ઢોર માર માર્યો, પિતાને ભીડથી બચાવવા માટે બાળકી પિતાને વળગીને રોતી રહી
6) નવસારીની સાત વર્ષની બાળકીએ 1 મિનિટમાં 64 મોસ્ટ ફોરવર્ડ વોકઓવર કરી ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો
આજનો ઈતિહાસ
નાસાએ આજના દિવસે જ 1960માં ઈકો-1 સેટેલાઈટ લોન્ચ કર્યો હતો. આ દુનિયાનો પહેલો ટૂ-વે કોમ્યુનિકેશન સેટેલાઈટ હતો.
અને આજનો સુવિચાર
એક સપનું પડી ભાંગે અને હજારો ટૂકડામાં વેરાઈ જાય તો એ ટૂકડાઓને વીણી ફરીથી પ્રારંભ કરવાનો ડર કદી રાખો નહીં.
તમારો દિવસ શુભ રહે, કાલે ફરી મળીશું..
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.