તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Policy Commission Of India Gives 86 Marks To State Health Services, Monitors Progress Of Smooth Implementation Including Various Schemes

દેશમાં પ્રથમ ‘ગરવી ગુજરાત’:રાજ્યની આરોગ્ય સેવાઓને ભારત નીતિ આયોગે 86 માર્ક્સ આપ્યાં, વિવિધ યોજના સહિત સૂચારુ અમલીકરણની પ્રગતિનું નિરિક્ષણ

અમદાવાદ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રીએ જણાવ્યું છે કે, રાજ્યના નાગરિકોને ઘરઆંગણે ટૂંક સમયમાં જ આરોગ્યલક્ષી સારવાર પૂરી પાડવામાં આવી રહી છે. જેની ભારત નીતિ આયોગે પણ નોંધ લઇને ગુજરાતની આરોગ્ય સેવાઓને 86ના ઇન્ડેક્ષના સૂચકાંક (માર્ક્સ) સાથે સમગ્ર દેશમાં પ્રથમ ક્રમ આપ્યો છે. જે ગુજરાત માટે ગૌરવની વાત છે.

સમગ્ર દેશના રાજ્ય સહિત કેન્દ્રશાસિત પ્રદેશો સ્પર્ધામાં
નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે, ભારત સરકાર દ્વારા છેલ્લાં પાંચ વર્ષથી એસ.ડી.જી. સંબંધિત ઈન્ડેક્ષની શ્રેણી ચલાવવામાં આવી રહી છે, જેમાં નીતિ આયોગ દ્વારા એસ.ડી.જી.ની પ્રાથમિકતાઓ ધ્યાને લઈ ‘ઇન્ડિયા ઇન્ડેક્ષ અને ડેશબોર્ડ’ તૈયાર કરવામાં આવે છે. રાષ્ટ્રીય અને રાજકીય સ્તરે થયેલી પ્રગતિની દેખરેખ હેઠળ આરોગ્ય માટેની વિવિધ સરકારી યોજનાઓ, જેવી કે આયુષ્માન ભારત, પોષણ અભિયાન, સ્વચ્છ ભારત અભિયાનનું સુચારૂ અમલીકરણ તથા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો વચ્ચે સ્વસ્થ સ્પર્ધાની સાથે સાથે રાજ્યો દ્વારા કરવામાં આવેલી નવીન પહેલ અને તેની પ્રગતિનું નિરીક્ષણ કરવામાં આવે છે.

કઈ કઈ કામગીરીનું મૂલ્યાંકન થયું?
વધુમાં નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, હાલ પ્રકાશિત થયેલા સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ (એસ.ડી.જી.), નીતિ આયોગ, ઈન્ડેક્સ વર્ષ 2020-21માં આરોગ્ય સંબંધિત એસ.ડી.જી.૦૩માં ગુજરાત 86 સ્કોર સાથે તમામ રાજ્યોમાં પ્રથમ ક્રમે છે. સમગ્ર દેશમાં અને રાજ્યમાં સ્વાસ્થ્ય અને સુખાકારીનાં માપદંડ માટે એસ.ડી.જી.૦૩ અંર્તગત દસ સૂચકાંકોની પસંદગી કરવામાં આવે છે. જે અંતર્ગત માતા મૃત્યુનું પ્રમાણ, પાંચ વર્ષ સુધીનાં બાળકોમાં મૃત્યુદર, રસીકરણ કવરેજ, ટ્યુબરક્યુલોકસિસ (ક્ષય રોગ), એચ.આઈ.વી., આત્મહત્યાનું પ્રમાણ, રોડ ટ્રાફીક અકસ્માતમાં મૃત્યુનું પ્રમાણ, સંસ્થાકીય પ્રસુતિનું પ્રમાણ, આરોગ્ય પર માસિક માથાદીઠ આઉટ ઓફ પોકેટ ખર્ચ તથા દર 10 હજારની વસ્તીએ ઉપલબ્ધ ચિકિત્સક, નર્સ અને મિડવાઇફના ક્ષેત્રોમાં કરેલી કામગીરીનો સમાવેશ થાય છે. જેમાં ગુજરાત સરકારે કરેલી અસરકારક કામગીરીના પરિણામે ગુજરાતની પસંદગી થઇ છે.

આરોગ્ય સુવિધાઓ સહિત સમયસર અસરકાર પગલાં
નીતિ આયોગ દ્વારા આરોગ્ય ક્ષેત્રે ગુજરાતે કરેલી કામગીરીની વિગતો આપતા તેમણે કહ્યું કે, એક લાખ બાળકો જન્મે તેની સામે સમગ્ર ભારતમાં 113 માતાના મરણ નોંધાય છે. જેની સામે ગુજરાતમાં આરોગ્યની સુવિધાઓ અને સમયસરના અસરકારક પગલાને કારણે માતા મૃત્યુદરમાં ઘટાડો થઇ 75 માતાઓનું મરણ થાય છે. તેવી જ રીતે પાંચ વર્ષ સુધીના બાળકોના મૃત્યુદર ભારતના 36 બાળકોની સામે ગુજરાતમાં 31 છે. 1 લાખની વસ્તીએ ટી.બી. રોગના દર્દીઓને શોધી સમગ્ર દેશમાં 177ને સારવાર અપાય છે. તેની સામે ગુજરાતમાં 232ને સારવાર આપવામાં આવે છે. ચેપ વગરના 1000ની વસ્તીએ દેશમાં અને ગુજરાતમાં એચ.આઇ.વી.નું પ્રમાણ 0.05 છે.

આ ઉપરાંત એક લાખની વસ્તીએ રોડ ટ્રાફીક અકસ્માતમાં દેશમાં 11.5ના મૃત્યુ થાય છે. જેની સામે ગુજરાતમાં તમામ વિભાગની અસરકારક કામગીરીને કારણે અકસ્માતથી મૃત્યુના પ્રમાણમાં નોંધપાત્ર ઘટાડો 10.08 છે. સંસ્થાકીય પ્રસુતિનું પ્રમાણ દેશભરમાં 94.4 ટકા છે. જેની સામે ગુજરાતમાં 99.5 ટકા સંસ્થાકીય પ્રસૂતિથી માતા અને બાળકોના મૃત્યુદરમાં પણ ઘટાડો થયો છે. એ જ રીતે ઉપરોક્ત આરોગ્યની તમામ સેવાઓ આપવા માટે દર 10 હજારની વસ્તીએ ઉપલબ્ધ તબીબી અધિકારી, સ્ટાફનર્સ અને મીડવાઇફ સમગ્ર દેશમાં 37 છે જ્યારે ગુજરાતમાં 41 છે.

તેમણે ઉમેર્યુ કે, ઈન્ડેક્ષ વર્ષ 2020-21માં એસ.ડી.જી.૦૩ માટે આરોગ્ય ઇન્ડેક્ષનો સ્કોર રાજ્યો કેન્દ્રશાસિત પ્રદેશો માટે 59થી 86ની વચ્ચે છે. જેમાં રાજ્યોની કેટેગરીમાં ગુજરાત પ્રથમ ક્રમે છે. પાંચ વર્ષથી પ્રકાશિત થતા ઈન્ડેક્ષમાં રાજ્યનો હેલ્થ ઈન્ડેક્ષ સ્કોર અને વિવિધ રાજ્યોમાં ગુજરાતનો ક્ર્મ ઉત્તરોત્તર વધીને નંબર-1 પર આવ્યો છે. સર્વાંગી વિકાસ માટે સારું સ્વાસ્થ્ય આવશ્યક ચાવીરૂપ છે. આથી વિવિધ આર્થિક અને સામાજિક અસમાનતાઓ, ઝડપી શહેરીકરણ, પર્યાવરણ - આબોહવા માટે જોખમોને ધ્યાને લઈ, ગંભીર તથા નવા રોગો, માનસિક આરોગ્યની સમસ્યાઓ જેવા મુદ્દાઓ ઉપર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. જેથી ગુણવત્તાસભર આવશ્યક આરોગ્ય સેવાઓની પહોંચ વધારી, સલામત અને અસરકારક સેવાઓ થકી સાર્વત્રિક આરોગ્ય સેવાઓ પુરી પાડી શકાય.

અન્ય સમાચારો પણ છે...