સુવિધા:સિટીઝન પોર્ટલ વિશે લોકોને માહિતગાર કરવા હવે પોલીસ બેનર-હોર્ડિંગ લગાવશે

અમદાવાદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • ઓનલાઈન કામગીરી કરી લોકોને પોલીસ સ્ટેશનના ધક્કા ન ખાવા પડે તેવો પ્રયાસ
  • દરેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં 10 બેનર લગાવાની પીઆઈને જવાબદારી

પાસપોર્ટ વેરિફિકેશન, કાર્યક્રમ માટે પોલીસની મંજૂરી, જાહેરનામાની નોંધણી, પીસીસી-પીવીસી સર્ટિ.સહિતની કાર્યવાહી કોઇ પણ વ્યકિત ઓનલાઈન કરી શકે તે માટે સિટિઝન પોર્ટલ બનાવ્યું છે, પરંતુ લોકો આ પોર્ટલ વિશે જાણતા ન હોવાથી તેનો ઉપયોગ કરતા નથી. મહત્તમ લોકો આ કામગીરી ઓનલાઈન કરે તે માટે પોલીસને દરેક વિસ્તારમાં હોર્ડિંગ્સ અને બેનરથી સિટિઝન પોર્ટલનો ઉપયોગ કરવા માટેનો પ્રચાર કરવાની જવાબદારી સોંપવામાં આવી છે.

ગુજરાત રાજ્યના ગૃહ વિભાગ દ્વારા લગભગ 10 વર્ષ પહેલા સિટિઝન પોર્ટલ બનાવ્યું હતું. જેમાં હાલમાં પોલીસ ફરિયાદ ઓનલાઈન કરવામાં આવે છે. જો કે આ પોર્ટલમાં ફકત પોલીસ ફરિયાદ જ નહીં પરંતુ સામાન્ય માણસોના પાસપોર્ટ વેરિફિકેશનની તારીખ, લગ્ન-ગરબા કે અન્ય કોઇ પણ કાર્યક્રમ માટેની પોલીસની મંજૂરી, ઘરઘાટી-ડ્રાયવર-સિનિયર સિટીઝ, ભાડૂઆતની નોંધણી તેમજ પોલીસ વેરિફિકેશન સર્ટિફિકેટ-પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટ સહિતની કામગીરી ઓનલાઈન કરી શકાય છે.

સામાન્ય માણસો આ પોર્ટલ વિશે જાણતા ન હોવાથી તેઓ આ કામગીરી માટે પોલીસ સ્ટેશને દોડી જાય છે. મહત્તમ લોકો આ પોર્ટલનો ઉપયોગ કરે અને કામગીરી ઓનલાઈન થાય તે માટે પોલીસ કમિશનરે દરેક પોલીસ સ્ટેશનના પીઆઈને આ પોર્ટલના પ્રચારની જવાબદારી સોંપી છે. જેના માટે દરેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઓછામાં ઓછા 10 બેનર-હોર્ડિંગ્સ લગાવી પ્રચાર કરવાની જવાબદારી સોંપી છે.

સર્વર સાથે કનેક્ટ કરવા પાસવર્ડ જરૂરી
સિટિઝન પોર્ટલ સરકારના જીસ્વાન સર્વરથી કનેક્ટ છે. જેથી આખા ગુજરાતની ગમે તે કચેરીમાં બેઠેલા કોઇ પણ અધિકારી ગમે તે શહેર કે જિલ્લાની માહિતી ઓનલાઈન જોઈ શકે છે. જો કે જીસ્વાન સર્વર કનેક્ટ કરવા માટે દરેક કોમ્પ્યુટરમાં એક પાસવર્ડ આપ્યો છે. તે પાસવર્ડ નાખ્યા બાદ જ જીસ્વાન સર્વર કનેક્ટ થાય છે.

સર્વર મહિનામાં 5-6 દિવસ ડાઉન રહે છે
સરકારનું ઓનલાઈન જીસ્વાન સર્વર અઠવાડિયામાં 1-2 દિવસ અને મહિનામાં 5-6 દિવસ ઠપ જ રહે છે. જે અંગે પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને કર્મચારીઓ અવારનવાર ફરિયાદ કરતા રહે છે. જો કે સર્વર ઠપ થવાથી પોલીસ ફરિયાદ સહિતની ઓનલાઈન કરવાની કાર્યવાહી પણ ઠપ થઇ જાય છે.

પોલીસકર્મીઓને ખાસ તાલીમ અપાઈ
સિટિઝન પોર્ટલ બન્યા બાદ પોલીસની કામગીરી ઓનલાઈન કરવા માટે દરેક પોલીસ સ્ટેશન અને એજન્સીઓના પોલીસકર્મીઓને ખાસ તાલીમ આપવામાં આવી છે. જેથી હાલમાં દરેક પોલીસકર્મી આ પોર્ટલ પર સરળતાથી ઓનલાઈન કામગીરી કરી શકે છે.

અન્ય સમાચારો પણ છે...