રાજ્ય સરકારનો નિર્ણય:પોલીસ વાહનચાલકો પાસે માસ્ક સિવાયના દંડ નહીં વસૂલે, હાલ ટ્રાફિક નિયમોના ભંગનો દંડ ન લેવા CMનો આદેશ

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ગાંધીનગર કેબિનેટની બેઠકમાં મુખ્યમંત્રી રૂપાણીએ વાહનવ્યવહાર મંત્રી ફળદુ, ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહને આપેલી સૂચના
  • RTOમાં થતી ભીડ અટકાવવા રાજ્ય સરકારનો નિર્ણય, ટ્રાફિકના નિયમોના ઉલ્લંઘન બદલ વાહન ડિટેઈન પણ નહીં કરાય

હાલ ચાલી રહેલી કોરોના મહામારીની બીજી લહેરમાં રાજ્યના વાહનચાલકોને હાલપૂરતી રાહત આપતો રાજ્ય સરકારે મોટો નિર્ણય કર્યો છે. આખા રાજ્યમાં હવેથી પોલીસ વાહનચાલકો પાસે માસ્ક ન પહેરવાના દંડ સિવાય અન્ય બીજા કોઈ દંડની વસૂલાત નહીં કરે. ટ્રાફિકના અન્ય નિયમોના ભંગ બદલ હાલ પોલીસ દ્વારા કોઈ દંડ વસૂલવામાં આવશે નહીં. ગાંધીનગર ખાતે આજે યોજાયેલી કેબિનેટની બેઠકમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના વાહનવ્યવહાર મંત્રી આર સી ફળદુ તેમજ ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાને આ અંગેની સૂચના આપી છે.

ટ્રાફિક નિયમ ભંગ કરનારના વાહન પણ ડિટેઈન નહીં કરાય મુખ્યમંત્રી રૂપાણીએ કેબિનેટની બેઠકમાં હાલ કોરોનાની સ્થિતિને જોતાં RTOમાં થતી ભીડ અટકાવવા આ નિર્ણય કર્યો હતો. ટ્રાફિક પોલીસ દ્વારા નિયમ ભંગ બદલ વાહનો ડિટેઈન કરાય છે, તેને છોડાવવા રાજ્યભરની RTO કચેરીમાં ભારે ભીડ થાય છે. આને કારણે પણ કોરોના સંક્રમણ ફેલાવાનો ખતરો રહે છે. અત્યારે કોઈ પણ સ્થળે ભીડ ભેગી ન થાય તે રાજ્ય સરકારની અગ્રિમતા છે આ બાબતને ધ્યાનમાં રાખીને આ નિર્ણય કરાયો છે.

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

ટુ-ફોર વ્હીલર ડિટેઈન કરાતા ચાલકોને હાલાકી અંગે રજૂઆત
ટ્રાફિક પોલીસ દ્વારા રાજ્યમાં ટ્રાફિક નિયમોના ભંગ બદલ ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર ચાલકો સામે કાર્યવાહી કરી વાહનો ડિટેઈન કરાય છે. આ ડિટેઈન કરાતા વાહનો પર બેથી આઠ હજાર રૂપિયા સુધીનો દંડ વાહનચાલકોને કરવામાં આવે છે. આ ઉપરાંત ડિટેઈન કરેલા વાહનોને છોડાવવા માટે વાહનચાલકોના RTO કચેરીમાં ધક્કા-ફેરા વધી જાય છે. આ કારણે મોટાપાયે કોરોના સંક્રમણ ફેલાવાનો ડર રહેલો હોવાની રાજ્ય સરકાર સમક્ષ વ્યાપક રજૂઆતો થઈ હતી. આને પગલે આ નિર્ણય લેવાયો હોવાનું મનાય છે.

અમદાવાદ RTO કચેરીના 25 કર્મચારી એકસાથે કોરોનાગ્રસ્ત થયા હતા
હજી ગત સપ્તાહે 16 એપ્રિલના રોજ અમદાવાદ સુભાષબ્રિજ RTO કચેરીના 25 કર્મચારી એકસાથે કોરોનાગ્રસ્ત થતાં હાહાકાર મચી ગયો હતો. વસ્ત્રાલ RTO કચેરીમાં પણ પોઝિટિવ કેસ જોવા મળ્યા હતા. જેમાં ઇન્સ્પેક્ટર, આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર, ક્લાર્ક સહિતના કર્મચારીઓ કોરોનાની ઝપેટમાં આવ્યા છે. આરટીઓ કચેરી ખાતે દરરોજ મોટી સંખ્યામાં અરજદારો આવે છે, આથી જ સંક્રમણ ફેલાવવાનો ડર સતાવી રહ્યો છે. આનેપગલે RTO કચેરીમાં સઘળી કામગીરી ઓનલાઈન કરી દેવામાં આવી હતી.

માસ્ક ભંગ બદલ વ્યક્તિદીઠ 1000નો દંડ ચાલુ રહેશે
જો કે, મુખ્યમંત્રીએ આ બેઠકમાં સ્પષ્ટતા કરી હતી કે, કોઈ પણ ટુ-વ્હીલર હશે કે ફોર-વ્હીલર, તેમાં બેઠેલા વાહનચાલક ઉપરાંત સહચાલકે પણ માસ્ક નહીં પહેર્યું હોય તો વ્યક્તિદીઠ રૂ. 1000નો દંડ વસૂલવાનું ચાલુ રખાશે. ટ્રાફિક પોલીસ પણ માસ્ક વિના દંડ વસૂલવાની કામગીરી ચાલુ રાખશે. જો કે, આ પાછળનો ઉદ્દેશ સરકારી તિજોરી ભરવાનો નહીં પરંતુ માસ્ક પ્રત્યે અવેરનેસ વધારીને કોરોના સંક્રમણને કાબૂમાં રાખવાનો હોવાનું મુખ્યમંત્રીએ કહ્યું હતું.

6 મહિનામાં પ્રજાએ 1 અબજ 67 કરોડનો માસ્કનો દંડ ભર્યો
રાજ્યમાં કોરોનાના સંક્રમણને નાથવા માટે સરકાર દ્વારા માસ્ક પહેરવાના ફરજિયાત બનાવાયા છે અને આ અંગેની માર્ગદર્શિકા પણ બહાર પાડવામાં આવી છે. જે મુજબ, હાઇકોર્ટના આદેશ અનુસાર, માસ્ક ન પહેરનારા માટે રૂ.1000નો દંડ વસૂલવાનું નક્કી કરાયું છે. આમ છતાં પણ ઓગસ્ટ 2020થી જાન્યુઆરી 2021 સુધીના 6 માસ દરમિયાન રાજ્યના 16,87,922 લોકોએ માસ્ક નહીં પહેરીને રાજ્ય સરકારની માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કર્યું હતું. જેના પરિણામે રાજ્ય સરકાર દ્વારા દંડ પેટે રૂપિયા 1 અબજ 67 કરોડનો દંડ વસૂલ્યો છે.

અન્ય સમાચારો પણ છે...