• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Police, Who Caught 4,000 People A Day Without Masks, Now Fine Only 400 To 500; In The Last One And A Half Years, Ahmedabadis Have Paid A Total Fine Of Rs 62.95 Crore

કાર્યવાહી:માસ્ક વિના રોજના 4 હજારને પકડતી પોલીસ હવે 400થી 500ને જ દંડે છે; છેલ્લા દોઢ વર્ષમાં અમદાવાદીઓએ માસ્કનો કુલ 62.95 કરોડ દંડ ભર્યો

અમદાવાદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • માસ્કના પ્રતિદિન 30થી 40 લાખ દંડ સામે હવે 3થી 4 લાખ વસૂલાય છે

અમદાવાદમાં દિનપ્રતિદિન કોરોનાના કેસ ઘટી રહ્યા છે. ગત સપ્તાહમાં શહેરમાં કોરોનાનો એક પણ કેસ આવ્યો ન હતો, જેથી હવે પોલીસે પણ માસ્કનો દંડ વસૂલવાનું ઓછું કરી દીધું છે. અગાઉ પોલીસ રોજના 3થી 4 હજાર લોકોને માસ્ક વગર પકડીને રૂ.30થી 40 લાખનો દંડ વસૂલતી હતી, જે હવે ઘટીને 400થી 500 લોકોને પકડીને રોજનો 4થી 5 લાખ દંડ વસૂલ કરે છે, એટલે કે દંડની રકમમાં પ્રતિ દિન 25થી 30 લાખનો ઘટાડો જોવા મળ્યો છે.

કોરોનાના કારણે સરકારે માર્ચ 2020થી માસ્ક ફરજિયાત કર્યું હતું. જોકે શરૂઆતમાં માસ્ક પહેર્યા વગર ફરતા લોકો પાસેથી પોલીસ 100 રૂપિયા દંડ લેતી હતી. ત્યાર બાદ દંડની રકમ વધારીને રૂ.500 અને ત્યાર બાદ રૂ.1000 કરી દેવામાં આવી હતી. જોકે માર્ચ 2020થી આજદિન સુધીમાં અમદાવાદ પોલીસે 7,59,361 લોકો પાસેથી માસ્ક વગર રૂ.62,95,15,330નો દંડ વસૂલી લીધો છે. જોકે હવે કોરોનાના કેસો ઘટતાં પોલીસ એક દિવસમાં માસ્ક પહેર્યા વગર ફરતા 446 લોકોને પકડીને રૂ.4.46 લાખનો દંડ વસૂલ કર્યો હતો.

અગાઉ દુકાનોમાં ઘૂસીને પણ દંડ વસૂલાતો હતો
કોરોનાના કેસ જ્યારે હદ પાર વધી ગયા હતા ત્યારે પોલીસને રોજના માસ્કના 3 થી 4 હજાર કેસ કરીને રૂ.30 થી 40 લાખનો દંડ વસૂલ કરવાનો ટાર્ગેટ અપાયો હતો. જોકે આ ટાર્ગેટ પૂરો કરવા માટે પોલીસ કર્મચારીઓ રસ્તા પર તો લોકોને માસ્ક પહેર્યા વગર પકડતા હતા, પરંતુ દુકાન અને શો રૂમમાં ઘૂસીને પણ વેપારી અને ગ્રાહકો પાસેથી દંડ વસૂલ કરતા હતા.

ટ્રાફિક નિયમનને બદલે માત્ર દંડની વસૂલાત
શહેરના મોટા ભાગના ચાર રસ્તા પર ટ્રાફિક નિયમન માટે ટ્રાફિક પોલીસના જવાનો તહેનાત કરવામાં આવે છે. જોકે કોરોના કાળ દરમિયાન વાહન ચાલકો પાસેથી માસ્ક સિવાયના એક પણ દંડ નહીં વસૂલવા ટ્રાફિક પોલીસને સૂચના આપવામાં આવી હતી. જેથી ટ્રાફિક પોલીસના જવાનો માસ્ક વગર નીકળતા વાહન ચાલકોને જ પકડીને દંડ વસૂલતા હતા.

અન્ય સમાચારો પણ છે...