પોલીસ પણ સુરક્ષિત નથી:અમદાવાદમાં વોરંટ બજાવવા આરોપીના ઘરે પોલીસ ગઈ, પરિવારે હુમલો કર્યો

અમદાવાદ3 મહિનો પહેલા

લોકોનું રક્ષણ કરનાર પોલીસ જ સુરક્ષિત નથી. જે તાજેતરમાં બનેલા બનાવ પરથી સાબિત થયું છે. કાગડાપીઠ વિસ્તારમાં રહેતા અને ચોરીના કેસના આરોપી સામે કોર્ટે વોરંટ ઇશ્યૂ કર્યું હતું. જેથી પોલીસ તેનું વોરંટ બજાવવા ઘરે ગઇ હતી. ત્યારે ઘરે આરોપી હાજર હતો. જોકે આરોપીએ પોલીસને જાનથી મારવાની ધમકી આપી ટોપી પટ્ટા ઉતારી લઇશ તેમ જણાવ્યું હતું. આ સમયે આરોપીના પરિવારના સભ્યોએ પણ પોલીસ પર હુમલો કર્યો હતો. આ અંગે કાગડાપીઠ પોલીસને જાણ થતાં ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી અને આરોપીને ઝડપી લીધો હતો. બીજી તરફ આ અંગે એક જ પરિવારના ચાર સભ્યો સામે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ આદરી છે.

પકડ વોરંટની બજાવણીમાં પોલીસ ગઈ હતી
શહેરના કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં સંજયકુમાર દશરથભાઇએ રિતિક, પ્રિયંકા, મીનાબહેન, મોનિકા સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ તેઓ કાગડાપીઠમાં ફરજ બજાવે છે. સંજયકુમારને મેટ્રો કોર્ટમાંથી તેમના જ વિસ્તારના ચોરીના આરોપી રિતિક ઉર્ફે ગુલ્લો મહેશબાઇ ચુનારાનું પકડ વોરંટ મળ્યું હતું. જેથી તે પકડ વોરંટની બજાવણી કરવા તેઓ અવારનવાર રિતિકને શોધતા હતા.

2 સપ્ટેમ્બરે રાત્રે પોલીસ આરોપીના ઘરે ગઈ હતી
પકડ વોરંટની ડેટ 3 સપ્ટે. હોવાને કારણે આગલા દિવસે રાત્રે સંજયકુમાર અને કનુભાઇ સહિતના પોલીસ કર્મચારી રિતિકના ઘરે પહોંચ્યા હતા. ત્યારે રિતિક ઘરે હાજર હતો. તેથી તેને પોલીસ તરીકે ઓળખ આપી પકડ વોરંટ વાંચી બતાવ્યું હતું. ત્યારે રિતિકે જણાવ્યું હતું કે, આવા તો કેટલાય કાગળીયા મારી પાસે આવી ગયા. ત્યારે પોલીસે જણાવ્યું હતું કે, કોર્ટનું પકડ વોરંટ છે, તેથી તને કોર્ટમાં રજૂ કરવો પડશે. ત્યારે રિતિકે પોલીસને જણાવ્યું હતું કે, હાથ પગ સાજા રાખવા હોય તો અહીંયાથી જતા રહો. નહીં તો જાનથી મારી નાંખીશ અને ટોપી પટ્ટા પણ ઉતારી લઇશ.

બૂમાબૂમને પગલે આરોપીના પરિજનો એકત્ર થયા
આ સમયે બૂમાબૂમ થતાં રિતિકની માતા મીનાબહેન, પત્ની પ્રિયંકા, બહેન મોનિકા સહિતના લોકો એકત્ર થઇ ગયા હતા. જો કે, પોલીસે રિતિકને લઇ જવા તૈયારી કરી હતી. ત્યારે રિતિકને કેમના લઇ જાવ છો તેમ કહી પોલીસને હાજર લોકો ગાળો બોલી ઝપાઝપી કરવા લાગ્યા હતા. ઉપરાંત મારામારી પણ શરૂ કરી હતી. જેથી પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ત્યારબાદ રિતિકને પોલીસે કોર્ડન કરી પોલીસ સ્ટેશન લઇ આવી હતી.

અન્ય સમાચારો પણ છે...