તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આજની નારી, ગોદમાં બાળકો ને ખભે જવાબદારી:ફિડિંગ કરતા બાળકોને ઘરે મુકી પોલીસની ટ્રેનિંગ લેતી મહિલા કેડેટને જોઈ IPSની પત્નીનું હ્રદય પીગળ્યું, પતિએ બાળકોને સાથે લાવવા મંજૂરી આપી

અમદાવાદ2 મહિનો પહેલાલેખક: ચેતન પુરોહિત
  • વડોદરા ટ્રેનિંગ સેન્ટરની મુલાકાત સમયે ટ્રેનિંગ સેન્ટરના વડા વિકાસ સહાયે સમસ્યા ઉકેલી
  • વિકાસ સહાયે પત્નીને મહિલા કેડેટની સમસ્યા જાણવા કહ્યું અને એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો

શહેરના માર્ગ પર જ્યારે કોઈ મહિલા પોલીસ કડક થઇને કામ કરતી હોય ત્યારે લોકો એવું માની લે છે કે પોલીસમાં નોકરી કરતા બધા જ લાગણી શૂન્ય હોય છે. પરંતુ આ વાત સાચી નથી. તેમની પાસે પણ દરેક મહિલાની જેમ ઋજુ હ્રદય છે. તેમાં પણ માતૃત્વ મામલે તો સામાન્ય સ્ત્રીઓ જેવી જ હોય છે. ખાસ કરીને તેમનો ટ્રેનિંગનો સમયગાળ ખૂબ જ મુશ્કેલ અને પડકારજનક હોય છે. જેમાંથી અનેક મહિલાઓ ઘરે બાળકને મુકીને ટ્રેનિંગ લેતી હોય છે. આ પરિસ્થિતિમાં ટ્રેનિંગ લઈ રહેલી મહિલા કેડેટને તેમના બાળકોથી કેવી રીતે દૂર શકાય? આ વાતની ટ્રેનિંગ ઈન્સ્ટિટ્યૂટના વડા વિકાસ સહાયને જાણ થતાં જ તેમણે તુરંત જ તેમના બાળકોને ટ્રેનિંગ સેન્ટરમાં સાથે રાખવા મંજૂરી આપી દીધી. તેમજ ઘોડિયાઘર સહિતની વ્યવસ્થા ઉભી કરી છે.

હવે 22 જેટલી મહિલા બાળકો સાથે લે છે ટ્રેનિંગ
વિકાસ સહાયે મંજૂરી આપ્યા બાદ વડોદરાના પોલીસ ટ્રેનિંગ સ્કૂલમાં 22 જેટલી માતા પોતાના બાળકો સાથે રહે છે. હવે અન્ય ટ્રેનિંગ સેન્ટરમાં પણ આ પ્રકારે વ્યવસ્થા કરવાની તૈયારી હાથ ધરવામાં આવી છે. આમ ટ્રેનિંગ સેન્ટર હાલ પોલીસ રાયફલની ફાયરિંગના અવાજની સાથે બાળકોની કિલકારીઓથી પણ ગુંજે છે. કોઈપણ ટ્રેનિંગ ઇન્સ્ટિટયૂટમાં આવું પહેલી વખત બન્યું છે. જે ડીજીપી રેન્કના આઇપીએસ અધિકારી વિકાસ સહાય અને તેમના પત્નીના વિચારના કારણે શક્ય બન્યું છે.

મહિલાઓની સમસ્યા સમજવા ટ્રેનિંગ સેન્ટરના વડા પત્નીને સાથે લઈ ગયા
આ સમગ્ર બાબત પાછળ એવું બન્યું કે રાજ્યની તમામ પોલીસ ટ્રેનિંગ ઈન્સ્ટિટ્યૂટના વડા તરીકે વિકાસ સહાય છે. તેઓ કેડેટને કઈ રીતે સક્ષમ બનાવી શકાય અને પોલીસ ડિપાર્ટમેન્ટને એક કાબેલ કર્મચારી મળે તે માટે સતત પ્રયત્નશીલ રહે છે. હાલ બરોડા ટ્રેનિંગ ઈન્સ્ટિટ્યૂટમાં મહિલાઓ ટ્રેનિંગ લઈ રહી છે તેથી તેઓ તેમની પત્નીને સાથે લઈને વડોદરાની ટ્રેનિંગ સ્કૂલમાં ગયા હતા. તેની પાછળનું કારણ એવું હતું કે મહિલાઓ જ અન્ય મહિલાની નાની મોટી સમસ્યા સમજી શકે છે અને થયું પણ કંઈક એવું જ .

વડોદરા ટ્રેનિંગ સેન્ટરમાં ટ્રેનિંગ લઈ રહેલી ફિમેલ કેડેટ
વડોદરા ટ્રેનિંગ સેન્ટરમાં ટ્રેનિંગ લઈ રહેલી ફિમેલ કેડેટ

મહિલા કેડેટે IPSના પત્નીએ કહ્યું-‘બાળકોને જોવા દિલ તડપે છે’
ટ્રેનિંગ લઈ રહેલી મહિલાઓ જે કીધું તે ખૂબ જ લાગણીસભર હતું. મહિલાઓએ કીધું કે અહીં બીજી કોઈ તકલીફ નથી પણ તેમના 2 થી 3 મહિનાના બાળકો ઘરે છે. તેઓ ફિડિંગ કરે છે.પરંતુ ટ્રેનિંગના કારણે તેમની પાસે જઈ શકતા નથી, તેમને જોવા માટે આખો દિવસ દિલ તડપી રહ્યું છે. બસ, ત્યારબાદ આ વાતની જાણ વિકાસ સહાયને થઈ અને એક મહત્વનો નિર્ણય લઈ લીધો. વિકાસ સહાયે તેમના બાળકોને પણ ટ્રેનિંગ ઈન્સ્ટિટ્યૂટમાં સાથે રાખવાની મંજૂરી આપી દીધી. આ નિર્ણય સાથે જ જાણે એક માતાની આંખ હર્ષથી ભરાઈ આવે તેમ દેરક મહિલા કેડેટ પણ ગદગદીત થઈ ગઈ.

બાળક સાથે અન્ય વ્યક્તિને આવવા માટે પણ મંજૂરી આપીઃ વિકાસ સહાય
હવે તેમના બાળકોને તેઓ ટ્રેનિંગ સેન્ટરમાં સાથે રાખી રહી છે. તેમના પરીવારના એક મહિલા સભ્યને પણ ત્યાં આવવા માટે મંજૂરી આપી છે. આ અંગે વિકાસ સહાયે દિવ્યભાસ્કરને જણાવ્યું કે હાલ વડોદરા ટ્રેનિંગ સેન્ટરમાં મહિલાઓને તેમના બાળકો સાથે રહેવાની મંજૂરી આપી છે અને આવનારા સમયમાં રાજ્યની તમામ ટ્રેનિંગ સેન્ટરમાં બાળકો માટે પણ વ્યવસ્થા કરવામાં આવશે.

અમે હવે બાળકને પણ સમય આપી શકીએ છીએઃ બીના ચાવડા
અમે હવે બાળકને પણ સમય આપી શકીએ છીએઃ બીના ચાવડા

સંસ્થા તરફથી ખૂબ સારો સપોર્ટ મળી રહ્યો છેઃ તાલીમાર્થી
તાલીમાર્થી બીના ચાવડાએ જણાવ્યું હતું કે, પહેલા બાળક અને ટ્રેનિંગ સાથે થોડું હાર્ડ પડશે એવું લાગતું હતું. પરંતુ અમે બાળકને પણ સમય આપી શકીએ છીએ. બાળકોને સાચવવા માટે વાલીઓ પણ સાથે છે. સંસ્થા તરફથી ખૂબ સારો સપોર્ટ મળી રહ્યો છે.

(ઈનપૂટઃ જીતુ પંડ્યા, વડોદરા)