ભાસ્કર એક્સક્લૂઝિવ:પોલીસ ગુમ થયેલી છોકરીઓને શોધવા માટે યોગ્ય મિકેનિઝમ ગોઠવે અથવા સગીરાની લગ્નની ઉંમર વધારવા સંસદમાં નિર્ણય લો: હાઈકોર્ટ

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ગુજરાત હાઇકોર્ટ - ફાઇલ તસવીર - Divya Bhaskar
ગુજરાત હાઇકોર્ટ - ફાઇલ તસવીર
  • 14 વર્ષની સગીરા 4 વર્ષથી ગુમ થતાં હેબિયસ થઈ હતી, પોલીસે શોધી ત્યારે તે પુખ્તવયની બની હરિદ્વારમાં સાધુ-સંતો સાથે હતી

ગુમ થયેલી સગીરાને શોધવા તેના માસિયાઈ ભાઈએ હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ કરી હતી, જેમાં રજૂઆત કરી હતી કે, તેની બહેન ચાર વર્ષ પહેલાં 14 વર્ષની હતી ત્યારે ગુમ થઈ હતી, જેનો આજદિન સુધી પત્તો મળ્યો નથી. આ કેસમાં હાઈકોર્ટે સરકારને સ્ટેટસ પૂછતાં તેમણે રિપોર્ટ રજૂ કર્યો હતો, જેમાં જણાવવામાં આવ્યું હતું કે, સગીરા હવે પુખ્ત થઈ ગઈ છે અને છેલ્લે હરિદ્વારમાં હોવાની માહિતી છે.

પોલીસની ધીમી ગતિ સામે હાઈકોર્ટે નારાજગી દર્શાવી ટકોર કરી હતી કે, સગીરા હોય ત્યારે પોલીસ તેને શોધી શકત, પુખ્ત થતાં તેનો પત્તો મળે છે, આવું લગભગ રોજેરોજ બની રહ્યું છે. જો પોલીસ સગીરાને ઝડપથી શોધી ન શકતી હોય તો પાર્લામેન્ટમાં છોકરીની લગ્નની ઉંમર વધારવા નિર્ણય લો અથવા પોલીસને સગીરાને શોધવા યોગ્ય મિકેનિઝમ શીખવો. ચાર વર્ષ અગાઉ રાજકોટથી ગુમ થયેલી સગીરાને શોધવા ગુજરાત હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ કરવામાં આવી હતી, પરંતુ પોલીસ તેને શોધી નહીં શકતા હાઈકોર્ટ ખફા થઈ હતી.

આ કેસમાં હાઈકોર્ટે એવી ટકોર કરી હતી કે, મશીનરીનો દુરુપયોગ કરીને પોલીસ, કોર્ટ અને અનેક એજન્સીનો ગેરલાભ ઉઠાવે છે. રોજેરોજ એવા કેસ આવે છે કે, સગીરા ગુમ થઈ હોય અને પુખ્ત બને ત્યાં સુધી પોલીસ તેને શોધી શકતી નથી. દરેકેદરેક વાહનો તપાસો, સોશિયલ મીડિયાનો ઉપયોગ કરો પણ સગીરાને પુખ્ત થાય તે પહેલાં શોધી કાઢો. જો ઝડપથી ન શોધી શકો તો પાર્લામેન્ટમાં કાયદાનો સુધારો કરો અને નહિતર પોલીસ યોગ્ય મિકેનિઝમ ગોઠવે.

મોટા ભાગના કેસમાં સગીરાનાં લગ્ન, બાળકો થઈ જાય પછી પોલીસ શોધી લાવે છે: કોર્ટ
હાઈ કોર્ટે પોલીસને એવો સવાલ કર્યો હતો કે, ગુમ થયેલી સગીરાને શોધવા તમે મોબાઇલ ફોન ટ્રેસ કરો છો? બીજા શું પગલાં લીધાં? પોલીસે જવાબ આપ્યો હતો કે, હરિદ્વાર પોલીસ તરફથી જાણવા મળ્યું હતું કે સગીરા છેલ્લે હરિદ્વારમાં સાધુ-સંતો સાથે જોવા મળી હતી. લોકડાઉન દરમિયાન તે કોઈ અજાણ્યા યુવક સાથે જોવા મળી હતી. કોર્ટે પોલીસને ટકોર કરી કે, તમને ખબર છે? જ્યારે સગીરા ગુમ થઈ તે પહેલાં તેની સાથે દુષ્કર્મ થયું હતું. દુષ્કર્મ બાદ તે ગુમ થઈ ગઈ છે. મોટા ભાગના કેસમાં સગીરા લગ્ન કરીને બાળકો થઈ જાય પછી પોલીસ શોધી લાવે છે ત્યારે તે પુખ્ત થઈ ગઈ હોય છે, તેથી કોર્ટ પણ કંઈ કરી શકતી નથી. છેવટે તો પબ્લિક મનીનો બગાડ થાય છે.

હાઈકોર્ટે કેસની તપાસ CID ક્રાઇમને સોંપીને રિપોર્ટ રજૂ કરવા આદેશ કર્યો
ગુમ થયેલી છોકરીને રાજકોટ પોલીસ શોધી નહિ શકતા હાઈકોર્ટે નારાજગી દર્શાવી હતી અને કેસમાં પોક્સોનો ગુનો હોવાથી કેસની તપાસ સીઆઈડી ક્રાઇમને સોંપી હતી. કોઈ પણ સંજોગોમાં આંતરરાજ્યોની પોલીસની મદદથી પણ છોકરીને શોધી લાવવા કોર્ટે ટકોર કરી છે. આ અંગે વધુ સુનાવણી પાંચમી મેના રોજ હાથ ધરાશે.

અન્ય સમાચારો પણ છે...