SG હાઈવે પર 10 દિવસમાં 12 ચોરી:ચોર ટોળકીને પકડવા પોલીસે GPS, લેપટોપ બેગ કારમાં મૂકી છટકું ગોઠવ્યું પણ ચોર આવ્યા જ નહીં

અમદાવાદ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • છટકું ગોઠવી પોલીસે મૂકેલી કારમાંથી ચોરી કરવા ટોળકી આવતી જ નથી

એસ.જી. હાઈવે ઉપર સેટેલાઈટ, વસ્ત્રાપુર અને સોલા વિસ્તારમાં છેલ્લા 10 દિવસમાં ગાડીઓના કાચ તોડીને લેપટોપ, મોબાઈલ ફોન અને પૈસાની ચોરી કરવાની 1 ડઝન ઘટના બની છે. પરંતુ પોલીસ એક પણ ગુનામાં આરોપીઓને પકડી શકી નથી. જો કે ગાડીના કાચ તોડીને ચોરી કરતી ટોળકીને પકડવા માટે ખૂદ પોલીસ જ ગાડીમાં લેપટોપ બેગ મુકીને છટકું ગોઠવી રહી છે. પરંતુ એક પણ ચોર ટોળકી પોલીસે મુકેલી ગાડીનો કાચ તોડીને ચોરી કરવા આવી જ નથી.

સેટેલાઈટ પ્રેરણાતીર્થ દેરાસરની બાજુમાં આવેલા શુભ દર્શન ટાવરમાં રહેતા જયેશભાઈ જયંતીલાલ તેરૈયા(26) એકાઉન્ટન્ટ છે. તા.24 નવેમ્બરે સાંજે 7 વાગ્યે થલતેજ ન્યૂયોર્ક ટાવર નજીક કાર પાર્ક કરીને કંકોત્રી કુરિયર કરવા ગયા હતા. જો કે તેઓ પાછા આવ્યા ત્યાર સુધીમાં બેગમાંથી રૂ.50 હજાર, લેપટોપ, બેંકોના ક્રેડિટ કાર્ડ - ડેબિટ કાર્ડ, કારની આરસી બુક, ડ્રાઈવિંગ લાઈસન્સ સહિતની ચીજ વસ્તુઓ ભરેલી બેગ કોઇ ચોરી ગયું હતું. આ અંગે જયેશભાઈએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

એસજી હાઈવે પર 10 દિવસમાં ગાડીઓના કાચ તોડીને મોબાઈલ, લેપટોપ, પૈસા સહિતની ચીજ વસ્તુઓની ચોરી કરવાની 1 ડઝન ઘટનાઓ બની છે. જે બાબતે સોલા હાઈકોર્ટ, સેટેલાઈટ અને વસ્ત્રાપુર વિસ્તારમાં ફરિયાદો થઇ છે.

ચોરી માટે બાળકો-મહિલાનો ઉપયોગ
એસજી હાઈવે ઉપર પકવાન ચાર રસ્તા અને તેની આસપાસના વિસ્તારમાં જે ગાડીઓના કાચ તૂટયા હતા. તેમાં પોલીસને એવી માહિતી મળી છે કે આ ચોરી કરનાર 8 થી 9 વર્ષની બાળકી અને તેની માતા હોવાનું જાણવા મળ્યું છે. જેના આધારે પોલીસે પકવાન ચાર રસ્તાની આસપાસ ફુટપાથ ઉપર રહેતા ભિક્ષુકોની પણ તપાસ શરૂ કરી છે.જો કે હજુ સુધી પોલીસને કોઈ નક્કી કડી હાથ લાગી નથી. આ રીતે ગાડીના કાચ તોડીને ચોરી કરવાની પદ્ધતિ છારા ગેંગની હોવાનું પોલીસનું કહેવું છે. જો કે કેટલીક ઘટનાઓમાં બાઈક અને એક્ટિવા ઉપર આવતા ચોરોના સીસીટીવી ફૂટેજ પોલીસને મળ્યા છે. પરંતુ તેમાં વાહનની નંબર પ્લેટ પણ નકલી હોવાથી પોલીસ આરોપીઓ સુધી પહોંચી શકી નથી.

હીરાકણીથી 1 મિનિટમાં કાચ કાપી નાખે છે
કાચ કાપવા માટે વપરાતી હીરાકણીનો આ ચોર ટોળકી ગાડીનો કાચ તોડવા માટે ઉપયોગ કરે છે. જો કે હીરાકણીની મદદથી આ ચોરો અડધીથી એક જ મિનિટમાં ગાડીનો કાચ તોડી નાખે છે અને તેમાં મુકેલી બેગ ચોરીને ભાગી જાય છે.

અન્ય સમાચારો પણ છે...