ગોમતીપુરના યુવાનો ઈદની રજામાં વોટરપાર્ક ફરવા માટે જઈ રહ્યા હતા. મહેમદાવાદ રોડ પર જૂના જકાતનાકા પાસે અકસ્માત નડતા એક યુવકનુ સ્થળ પર જ મોત નિપજ્યું હતું. આ યુવકની લાશને પોસ્ટમોર્ટમ કરવા માટે સિવિલ હોસ્પિટલ લઈ જવા માટે સ્થાનિક પોલીસે એમ્બ્યુલન્સની જગ્યાએ લોડિંગ રિક્ષાનો ઉપયોગ કરતા મૃતકના પરિવારજનો અને પોલીસ વચ્ચે રકઝક થઈ હતી.
બનાવની વિગત એવી છે કે, ગોમતીપુરમાં નુરભાઈ ધોબીની ચાલીમાં રહેતો મોહંમદ આસીફ મોહંમદ ફીરોઝ અન્સારી અને તેના મિત્રો જાહીર હુસેન તથા મોઈનખાન યુનુસખાન પઠાણ એક એક્ટિવા પર આમસરણ ગામ પાસે આવેલા વોટરપાર્ક જવા માટે ઘરેથી નીકળ્યા હતા. આ સમયે મોઈનખાન એક્ટિવા ચલાવતો હતો. આ યુવકો મહેમદાવાદ તરફ જઈ રહ્યા હતા ત્યારે વિવેકાનંદનગર નજીક બાગબાન સર્કલ પાસે જૂના જકાતનાકા પાસે મોઈનખાને વાહન પરનો કાબૂ ગુમાવતા મોઈનખાનનુ સ્થળ પર જ મોત નિપજયુ હતુ જયારે આસીફ અને જાહીરને ઈજા પહોચી હતી.
ઘટનાની જાણ થતાં વિવેકાનંદનગર પોલીસ સ્થળ પર આવી હતી અને લાશનુ પંચનામુ કર્યુ હતુ. જો કે પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલવા માટે એમ્બ્યુલન્સના બદલે એક લોડિંગ રિક્ષા બોલાવી હતી જેમાં મોઈનખાનની લાશને સિવિલ હોસ્પિટલ લઈ જવાતા સ્થાનિક કોર્પોરેટર ઈકબાલ શેખ પોલીસના આ અમાનવીય પગલાંની નિંદા કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.