નિર્દોષ લોકો પાસેથી પૈસાનો તોડ:IPL પર સટ્ટો રમતા હોવાની શંકા રાખી પોલીસે અનેક લોકો પાસેથી પૈસા પડાવ્યા

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફોનમાંથી સટ્ટા અંગેની વિગતો ન મળે તો પણ ગુનો નોંધવાની ધમકી આપતા
  • ઉપરી અધિકારીને રજૂઆત બાદ 3 પોલીસકર્મીની બદલી, 10 સામે તપાસ

આઈપીએલ દરમિયાન મોબાઈલ ફોનમાં ઓનલાઈન સટ્ટો રમતા હોવાની શંકાના આધારે પોલીસે પશ્ચિમ અમદાવાદમાં સંખ્યાબંધ નિર્દોષ લોકો પાસેથી પૈસાનો તોડ કર્યો હતો. જે પૈકીના 1 ડઝન કિસ્સામાં ઉપરી અધિકારીઓ સુધી ફરિયાદ પહોંચતાં આનંદનગર પોલીસ સ્ટેશનના 3 પોલીસકર્મીની કે કંપનીમાં બદલી કરાઇ છે, જ્યારે અન્ય 8-10 પોલીસકર્મી સામે ઈન્કવાયરી ચાલી રહી છે.

આઈપીએલની સિરીઝ દરમિયાન ફોનમાં એપ્લિકેશનથી લોકો મોટી સંખ્યામાં સટ્ટો રમતા હતા, તેમને પકડવા માટે પોલીસ પાસે બીજો કોઈ રસ્તો નહીં હોવાથી કોઈપણ વ્યકિત શંકાસ્પદ જણાય એટલે પોલીસ સૌથી પહેલાં તેનો મોબાઈલ ફોન લઈ લેતા અને ફોનમાં ડાઉનલોડ કરેલી એપ્લિકેશન, ફોટા-વીડિયો અને ચેટિંગ ચેક કરતા હતા.

ઘણાં કિસ્સામાં ફોનમાંથી સટ્ટાને લગતા કોઈ પુરાવા ન મળે તો પ્રેમી-પ્રેમિકાના અંગત પળના ફોટો-વિડીયોને આધાર બનાવી પોલીસ ગુનો નોંધવાની ધમકી આપીને પૈસા પડાવતી હોવાની પશ્ચિમ અમદાવાદમાંથી 1 ડઝન જેટલી ફરિયાદ ઉપરી અધિકારીઓને મળતા તેમને વધુ તપાસના આદેશ આપ્યા છે.

ફોન આંચકી લીધા બાદ પોલીસ તેમના અંગત ફોટો, વિડીયોને આધાર બનાવી પૈસા પડાવતી
પોલીસ સૌથી પહેલાં તેનો મોબાઈલ ફોન આંચકી લેતી, ફોનમાંથી આઈપીએલને લગતી કે સટ્ટાને લગતી કોઈ એપ્લિકેશન કે માહિતી ન મળે તો ફોનના વોટસએપ અને મેસેજ ચેક કરતી, ત્યારબાદ ગેલેરીમાં જઈને ફોટા અને વીડિયો ચેક કરી જો કોઇ પ્રેમ પ્રકરણને લગતો ચેટ-વીડિયો કે ફોટા મળે તો તેના ઓથા હેઠળ દમ મારીને પૈસા પડાવતી હતી.

કસૂરવાર સાબિત થશે તો ગુનો નોંધી બદલી કરાશે
​​​​​​​પોલીસ અધિકારીઓનું કહેવું છે કે, આઈપીએલના ઓથા હેઠળ 8-10 પોલીસકર્મીએ લોકો પાસેથી પૈસાનો તોડ કર્યાની ફરિયાદોની તપાસ ચાલી રહી છે. તપાસમા જો કોઈ કસૂરવાર સાબિત થશે તો તેની સામે ગુનો નોંધાશે અને તેની અમદાવાદ શહેર-જિલ્લા બહાર બદલી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...