ટ્રાફિક-પોલીસ અને AMCમાંથી સાચું કોણ?:પાર્કિંગ પોલિસી અંગે અમદાવાદ ટ્રાફિક-પોલીસ કહે છે અભિપ્રાય આપી દીધો, AMC કહે છે અભિપ્રાય મળ્યા નથી

અમદાવાદએક મહિનો પહેલાલેખક: અનિરુદ્ધસિંહ મકવાણા

અમદાવાદ શહેરમાં રસ્તે રખડતાં ઢોર, ખરાબ રસ્તાની સમસ્યા છે જ, એની સાથે સૌથી મોટી સમસ્યા ટ્રાફિક અને વાહન પાર્કિંગની છે. શહેરમાં દિન-પ્રતિદિન વાહનો વધવાની સાથે સાથે ટ્રાફિક સમસ્યાઓમાં પણ વધારો થઈ રહ્યો છે. શહેરમાં પાર્કિંગને લઈ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાર્કિંગ પોલિસી ઘડવામાં આવી છે. પાર્કિંગ પોલિસીને રાજ્ય સરકારે મંજૂરી આપી દીધી હોવા છતાં કોર્પોરેશન દ્વારા એનો જે રીતે યોગ્ય અમલ થવો જોઈએ એ રીતે થયો નથી. માત્ર એટલું જ નહીં, AMC કહે છે પાર્કિંગ પોલિસી માટેના અભિપ્રાયો પોલીસને મોકલ્યા છે, જ્યારે ટ્રાફિક-પોલીસ કહે છે અમે અભિપ્રાયો આપી દીધા છે. આમ, સૌથી મોટો સવાલ એ છે કે પોલીસ અને કોર્પોરેશનમાંથી સાચું કોણ છે?

પે એન્ડ પાર્કિંગનાં લોકેશન નક્કી કરીને સંતોષ માન્યો
કોર્પોરેશને માત્ર પે એન્ડ પાર્કિંગના લોકેશન નક્કી કરીને સંતોષ માની લીધો છે. આ પાર્કિંગમાં યોગ્ય રીતે પાર્કિંગ થાય છે કે કેમ, લોકો વાહન મૂકવા આવે છે કે કેમ એની કોઈપણ પ્રકારની તપાસ કરવામાં આવતી નથી. ટ્રાફિક-પોલીસ સાથે યોગ્ય રીતે સંકલન કરીને ટ્રાફિક ડ્રાઈવની જરૂર હોય છે, પરંતુ આ બાબતે કોઈપણ પ્રકારનું ધ્યાન ન આપી અને પોલિસીનું ક્યાંય અમલીકરણ થતું હોય એવું જણાતું નથી.

58 જેટલી જગ્યાએ પે એન્ડ પાર્કિંગની સુવિધા
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ અને પાર્કિંગ સેલના અધિકારીના જણાવ્યા મુજબ, પાર્કિંગ પોલિસી માટે મ્યુનિસિપલ કોર્પોરેશન અને ટ્રાફિક-પોલીસ દ્વારા અમલીકરણ કરવામાં આવતું હોય છે, જેમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં અલગ અલગ સ્થળોએ વાહન પાર્કિંગ માટેનાં લોકેશન નક્કી કરવામાં આવ્યાં છે. અત્યારે શહેરમાં 58 જેટલી જગ્યાએ પે એન્ડ પાર્કિંગની સુવિધા છે. ઓન સ્ટ્રીટ પાર્કિંગ માટે જે રોડ મોટા અને પહોળા છે એવા 60 જેટલા રોડનાં લોકેશન નક્કી કરવામાં આવ્યાં છે. ટ્રાફિક-પોલીસ સાથે એનું સંકલન કરીને પોલીસ વિભાગને એનો અભિપ્રાય મેળવવા માટે મોકલી આપવામાં આવ્યા છે. તમામ ઝોનમાં ટ્રાફિક-પોલીસનો અભિપ્રાય મેળવીને આ તમામ 60 લોકેશન પર પે એન્ડ પાર્કિંગ શરૂ કરવામાં આવશે.

ઓન સ્ટ્રીટ પાર્કિંગ ટેન્ડર બહાર પાડીને પે એન્ડ પાર્ક શરૂ કરાશેઃ AMC
તેમણે વધુમાં જણાવ્યું હતું કે હાલમાં આ તમામ સ્થળે પીળા પટ્ટા કરીને પાર્કિંગ માટેના સ્પોટ નક્કી કરવામાં આવશે. પોલીસ વિભાગ તરફથી જ્યારે પાર્કિંગ માટેના સ્પોટના તમામ અભિપ્રાય મળી જશે. ત્યાર બાદ આ વધુ 60 સ્થળેએ પણ ઓન સ્ટ્રીટ પાર્કિંગ ટેન્ડર બહાર પાડીને પે એન્ડ પાર્ક શરૂ કરવામાં આવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાર્કિંગ પોલિસીનો અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે. પાર્કિંગ સેલની કોર્પોરેશન, ટ્રાફિક-પોલીસ અને રાજ્યના ઉચ્ચ અધિકારીઓ સાથેની મીટિંગ મળે છે. એ દરમિયાન ટ્રાફિક-પોલીસને રોડ પર બિનઅધિકૃત રીતે પાર્કિંગ કરેલાં અને ઘણા સમયથી બંધ પડેલાં વાહનોને સામે કાર્યવાહી કરવા પણ જણાવવામાં આવ્યું છે.

AMC પીળા પટ્ટા મારી જાણ કરે પછી કાર્યવાહી થઈ શકેઃ શહેર ટ્રાફિક JCP
અમદાવાદ શહેર ટ્રાફિક જેસીપી મયંકસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે પાર્કિંગ પોલિસી અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટ્રાફિક-પોલીસને કયા રસ્તા પર પાર્કિંગ માટેની છૂટ આપવી એના માટે લિસ્ટ આપવામાં આવ્યું હતું, એના માટે ટ્રાફિક-પોલીસ દ્વારા મુખ્ય રસ્તાઓ અને ઓફ સ્ટ્રીટ રસ્તા પર પાર્કિંગ માટેનો અભિપ્રાય કોર્પોરેશનને આપી દેવામાં આવ્યો છે, જેમાં આ રોડ પર પાર્કિંગ શક્ય છે અને આ રોડ પર પાર્કિંગ શક્ય નથી એમજાણ કરી દેવામાં આવી છે. હવેથી કોર્પોરેશને નક્કી કરવાનું છે કે આ લિસ્ટ જાહેર કરીને ત્યાં પીળા પટ્ટા મારવાની કામગીરી કરવાની છે. ત્યાર બાદ ટ્રાફિક-પોલીસને જાણ કરવી, જેથી પોલીસ દ્વારા પાર્કિગ સ્થળે વાહન પાર્કિંગ ન કરનારા લોકો સામે કાર્યવાહી કરી શકે.

શહેરમાં ટ્રાફિક અને પાર્કિંગની મોટી સમસ્યાઃ ધવલ પટેલ
નવાવાડજ વિસ્તારમાં રહેતા ધવલ પટેલે જણાવ્યું હતું કે શહેરમાં ટ્રાફિક અને પાર્કિંગની મોટી સમસ્યા છે, એના માટે પાર્કિંગ પોલિસી બનાવી છે એ યોગ્ય છે. લોકો આડેધડ દરેક જગ્યાએ વાહન પાર્ક કરીને જતા રહે છે, જેને કારણે લોકોને તકલીફ પડે છે, પરંતુ આવું કોઈ સમજતું નથી. પાર્કિંગ પોલિસી હોવી જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...