વાઘ આવ્યો રે વાઘની જેમ રેડ પડી ભાઈ રેડ...:ગોપાલ ઈટાલિયાએ કહ્યું- 3 લોકો આવ્યા હતા, અમદાવાદ પોલીસે કહ્યું, અમે કોઈ રેડ નથી કરી

અમદાવાદ16 દિવસ પહેલા

રવિવારે રાત્રે અરવિંદ કેજરીવાલ અમદાવાદ પહોંચ્યા એ સમયે જ આમ આદમી પાર્ટી(AAP)ના નેતાઓએ અમદાવાદના કાર્યાલય પર પોલીસની રેડ પડી હોવાનું ટ્વીટ કર્યું હતું. AAPના પ્રદેશ અધ્યક્ષ અને મહામંત્રીએ બંનેએ આ ટ્વીટ કર્યા છે. સોમવારે સવારે અમદાવાદ પોલીસે કહ્યું હતું કે આવી કોઈ રેડ અમે કરી નથી. દેશભરમાં અત્યારે રેડનો માહોલ છે ત્યારે આમ આદમી પાર્ટીએ આવી જાણકારી આપી એટલે બધાએ માની લીધું કે રેડ પડી. જોકે અમદાવાદ પોલીસે બચાવ કરતાં કહ્યું હતું કે અમે કાંઈ કર્યું નથી. હવે રેડ ખરેખર પડી કે નહીં એ વિશે બંને સોશિયલ મીડિયા પર લડી રહ્યા છે. ગુજરાત પોલીસ અને ગુજરાત ભાજપ હવે AAPના નિવેદન સામે પ્રતિનિવેદન આપીને AAPની ગેમમાં ફસાઈ રહ્યા છે.

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજથી બે દિવસ ગુજરાતમાં રિક્ષાચાલકો, વેપારીઓ, વકીલો, અને સફાઈકર્મચારીઓ સાથે સંવાદ અને ગેરેન્ટી આપવાના છે, જેને લઈ રવિવારે સાંજે અરવિંદ કેજરીવાલ અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચ્યા ત્યારે અમદાવાદના નેહરુબ્રિજ પાસે આવેલી આમ આદમી પાર્ટીની ડેટા એનાલિસિસ ઓફિસમાં કેટલાક પોલીસકર્મીઓ આવી અને તપાસ કરી હોવાનું આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવી દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું હતું. અરવિંદ કેજરીવાલ દ્વારા પણ ટ્વીટ કરવામાં આવ્યું હતું, જે મામલે અમદાવાદ પોલીસ દ્વારા પણ ટ્વીટ કરીને ખુલાસો કરવામાં આવ્યો છે કે ગઈકાલે આમ આદમી પાર્ટીની ઓફિસે પોલીસે રેડ કરી છે એવા સમાચાર સોશિયલ મીડિયા દ્વારા જાણવા મળ્યું છે. આવા પ્રકારની કોઈપણ રેડ શહેર પોલીસે દ્વારા કરવામાં આવી નથી.

પોલીસે ઓફિસમાં તપાસ કરી ડેટા જુએ છે
અમદાવાદ ઓફિસમાં પોલીસના દરોડા મામલે આપઅને પાર્ટીના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે દિલ્હી બાદ અમદાવાદમાં બિનસત્તાવાર રીતે રેડ કરવામાં આવી છે. ડેટા ઓફિસ પર તપાસ કરવામાં આવી હતી. એક વ્યક્તિ ઓફિસમાં ખુરસીમાં બેસે છે અને બીજા અંદર જઈ અમારી ઓફિસમાં ડેટાની તપાસ કરતા હતા. અમને જાણ થઈ કે પોલીસે ઓફિસમાં તપાસ કરી ડેટા જુએ છે ત્યારે ખ્યાલ આવ્યો કે બિનસત્તાવાર રીતે દબાણમાં આવીને દરોડા પાડવામાં આવ્યા છે. કંઈપણ નથી મળ્યું. અમારા લોકોએ પૂછ્યું અને પોલીસે આઈકાર્ડ પણ બતાવ્યા. આ દરોડા પાડી શું બતાવવા માગે છે ? આમ આદમી પાર્ટીનો ગ્રાફ વધી ગયો છે એટલે બોખલાઈ ગયું છે.

અમદાવાદ પોલીસે દરોડા નથી કર્યા એવું ટ્વિટ કર્યું
અમદાવાદ પોલીસે દરોડા નથી કર્યા એવું ટ્વીટ કર્યું છે. અમને ખ્યાલ છે પોલીસ પર પણ દબાણ દિલ્હીથી આવે છે. પોલીસનો દુરુપયોગ કરવામાં આવ્યો છે. આમ આદમી પાર્ટીની બીજી પણ ઓફિસો છે... આવો અને દરોડા પાડો. અમારા નેતા-કાર્યકર્તાઓને ડરાવવા માટે આ કરવામાં આવી છે. અમારી અલગ અલગ જગ્યાએ ઓફિસ છે. કયા દબાણથી સર્ચ કરવામાં આવે છે ? દોઢ કલાક સુધી પોલીસે તપાસ કરી હતી. બેન્કના સીસીટીવી હોઈ શકે?

8.30 આસપાસ ડેટા મેનેજમેન્ટ ઓફિસમાં આવ્યા
પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે રાતે 8.30 આસપાસ ડેટા મેનેજમેન્ટ ઓફિસમાં આવ્યા હતા, જ્યાં સંગઠન મંત્રી હાજર હતા. તેમણે માણસોને પૂછતાં કહ્યું હતું કે નવરંગપુરા પોલીસ સ્ટેશનના ડી સ્ટાફમાંથી આવ્યા છે. હિતેશભાઈ અને પારસભાઈ નામની વ્યક્તિ હતા. બીજા માણસો દૂર હતા, જેથી તેમના આઈકાર્ડ જોવા મળ્યા નહોતાં. અમે લેખિતમાં નવરંગપુરા પોલીસને આપી આસપાસના સીસીટીવી ફૂટેજ કઢાવવામાં કહ્યું છે. જો આ નવરંગપુરા પોલીસના માણસો હતા તો તેમના કોલ ડિટેઇલ અને લોકેશન કઢાવવામાં આવે અને જો પોલીસના માણસો નહોતા તો આ હિતેશભાઈ અને પારસ ભાઈ નામની વ્યક્તિ સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવે.

ગોપાલ ઇટાલિયાએ પણ ટ્વીટ કરી જવાબ આપ્યો
અમદાવાદ પોલીસના ટ્વીટનો જવાબ આપતાં ગોપાલ ઇટાલિયાએ પણ ટ્વીટ કરી જવાબ આપ્યો હતો કે ગઈકાલે આમ આદમી પાર્ટીની ડેટા ઓફિસ પર પોલીસે રેડ કરી હતી અને આખી ઓફિસમાં તમામ કબાટ, ડ્રોઅર, કોમ્પ્યુટર, ડાયરી વગેરે ચેક કર્યા હતા. ડેટા ઓફિસ ચેક કરનાર પોલીસનું નામ પૂછતાં તેમણે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાંથી હિતેષભાઈ તેમજ પારસભાઈ અને એક અજાણી વ્યક્તિ હોવાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...