પોલીસની દાદાગીરી:નાકાબંધીમાં પોલીસે વિદ્યાર્થીઓને લૂંટ્યા, બે પોલીસ સહિત ચાર સામે ગુનો નોંધાયો

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દાહોદથી ગાંધીનગરની કોલેજમાં એડમિશન લેવા માટે ગાડીમાં આવ્યા હતા
  • ઓઢવમાં ચેકિંગના બહાને ગાડી રોકી રૂ.10 હજારની માગ કરી 6 હજાર પડાવ્યા

ઓઢવમાં ચેક પોસ્ટ પર બે પોલીસ કોન્સ્ટેબલ, એક હોમગાર્ડ અને એક અજાણ્યા વ્યકિતએ ગાંધીનગર તરફ એડમિશન લેવા માટે જતા વિદ્યાર્થીઓની એક જીપને રોકીને ગાડીના દસ્તાવેજો માગી ચાલકને ખોટી રીતે ઢોર માર મારી દાદાગીરી કરીને બળજબરીથી રૂ.6 હજાર પડાવી લીધા હતા. આ અંગે ઉચ્ચ અધિકારીઓને જાણ થતા બે પોલીસકર્મી સહિત ચાર સામે ઓઢવ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

દાહોદના ઝાલત ગામના વતની પંકજભાઈ પણદા 17મેના રોજ તેમની ગાડી લઈને પોતાના સંબંધીઓના વિદ્યાર્થીઓ સાથે ગાંધીનગર મોટા ચિલોડા સહજાંદ સ્કૂલ ઓફ એચિવર ખાતે એડમિશન લેવા જઈ રહ્યા હતા ત્યારે ઓઢવમાં પોલીસકર્મીઓ તથા હોમગાર્ડે ચેકિંગના બહાને રોકી ગાડીના દસ્તાવેજો માગી પાઈપથી માર માર્યો હતો. 10 હજારની માગ કરી 6 હજાર રૂપીયા પડાવી ભગાવી મૂક્યા હતા.

આ અંગે પંકજભાઈએ ઉચ્ચ અધિકારીઓને ફરિયાદ કરતા તોડકાંડમાં સામેલ કોન્સ્ટેબલ વિજયસિંહ બળવંતસિંહ, કોન્સ્ટેબલ દિપકસિંહ ઉદેસિંહ, હોમગાર્ડ મેહુલ ગોવિંદભાઈ સહિત ચાર સામે ગુનો નોંધ્યો છે.

વિદ્યાર્થીઓને જમાડી બુકે આપી શુભેચ્છા પાઠવી
એડમિશન માટે જતી વખતે વિદ્યાર્થીઓની હાજરીમાં પોલીસે પૈસા પડાવ્યા બાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓએ આ બાબતને ગંભીરતાથી લીધી અને વિદ્યાર્થીઓના માનસ પર ખરાબ અસર ન પડે તે માટે ભૂખ્યા વિદ્યાર્થીઓને સાથે બેસાડીને જમાડયા અને બુકે આપી તેમને ઉજજવળ ભવિષ્યની શુભેચ્છા પાઠવી હતી.

પીએસઆઈને ફરિયાદ કરતા પૈસા પાછા આપ્યા
આ અંગે પંકજભાઈએ ઓઢવ પોલીસમાં પીએસઆઈ દિનેશભાઈ પલાસને ફોન કરતા પોલીસકર્મીઓએે 6 હજાર પાછા આપી દીધા હતા.

અન્ય સમાચારો પણ છે...