રથયાત્રા કાઢવા સરકાર તૈયાર:પોલીસે ત્રણ એક્શન પ્લાન તૈયાર કર્યા, માત્ર 3 રથ કે ત્રણેય મૂર્તિ ટ્રકમાં મૂકી રથયાત્રા કાઢવા વિચારણા

અમદાવાદ2 વર્ષ પહેલાલેખક: મિતેશ બ્રહ્મભટ્ટ
  • કૉપી લિંક
જગન્નાથ મંદિર, જમાલપુર, અમદાવાદ - ફાઇલ તસવીર - Divya Bhaskar
જગન્નાથ મંદિર, જમાલપુર, અમદાવાદ - ફાઇલ તસવીર
  • પરંપરા મુજબ રથયાત્રા કાઢવાની થાય તો પણ તૈયાર રહેવા સૂચના

શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે બુધવારે પોલીસ અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ યોજી રથયાત્રા માટેના ત્રણ એક્શન પ્લાન તૈયાર રાખ્યા છે. પ્લાન એ મુજબ વર્ષોની પરંપરા અનુસાર ચાલુ વર્ષે રથયાત્રા ત્રણેય રથ, 18 હાથી, 101 ટ્રક, 18 ભજન મંડળી અને 30 અખાડા સાથે નીકળે તો તે માટે પોલીસને તૈયાર રહેવા સૂચના અપાઈ છે.

જગન્નાથજીના રથની ફાઇલ તસવીર
જગન્નાથજીના રથની ફાઇલ તસવીર

મૂવિંગ બંદોબસ્ત ઓછો કરવા તૈયારી
પ્લાન બી મુજબ માત્ર 3 રથ સાથે જ રથયાત્રા કાઢવામાં આવી શકે. જોકે રૂટ પર દર વર્ષની જેમ જ પોલીસ-સુરક્ષાકર્મીઓ તહેનાત રખાશે. જો માત્ર ત્રણ રથ સાથે જ રથયાત્રા નીકળે તો ટ્રક, હાથી, અખાડા, ભજન મંડળી સાથે રહેતો મૂવિંગ બંદોબસ્ત ઓછો થઈ જશે. પ્લાન સી મુજબ ટ્રક કે ટ્રોલીમાં ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામની મૂર્તિઓ મૂકીને રથયાત્રા કાઢવામાં આવે. જો આમ કરાશે તો માત્ર 3-4 જ કલાકમાં રથયાત્રા તેના નિર્ધારિત રૂટે ફરી નિજમંદિરે પાછી આવી શકે છે. જો આ રીતે રથયાત્રા નીકળે તો પણ મૂવિંગ બંદોબસ્તમાં ઓછા પોલીસની જરૂર પડે તેમ છે.

સરસપુરમાં જગન્નાથજી - ફાઇલ તસવીર
સરસપુરમાં જગન્નાથજી - ફાઇલ તસવીર

મોટાભાગના વિસ્તારમાં જનતા કર્ફ્યૂ રાખવા સૂચના
મીટિંગમાં રથયાત્રા દરમિયાન મોટા ભાગના વિસ્તારોમાં જનતા કર્ફ્યૂ રાખવા આગેવાનોને સૂચના અપાઈ હતી. આ સિવાયના વિસ્તારોમાં કર્ફ્યૂ લાદવો કે લોકોને ઘરમાં રહીને રથયાત્રા જોવાની સૂચના આપવી તે અંગે હજુ સરકાર નિર્ણય લે પછી પોલીસ તે દિશામાં કામ કરશે. ઉપરાંત હીસ્ટ્રીશીટરોની ધરપકડ અને અટકાયતી પગલાં લેવાનું શરૂ કરવા પણ સૂચના
અપાઈ હતી.

જમાલપુર અને સરસપુર મંદિરમાં આવનારા લોકોના કોરોના ટેસ્ટ, રસી મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવાશે
જમાલપુર અને સરસપુરના મંદિરમાં આવનારા દર્શનાર્થીઓનો કોરોના ટેસ્ટ થઈ શકે અને રસી મળી રહે તેવી વ્યવસ્થા પણ પોલીસે ઊભી કરી છે. આ બંને મંદિરમાં રથયાત્રા સુધી 24 કલાક ચાલુ રહે તેવા દવાખાનાં શરૂ કરાશે, જેનું ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા લોકાર્પણ કરશે. મંદિરમાં આવતા દર્શનાર્થીઓને મેડિકલ ટેસ્ટિંગ બાદ જ મંદિરમાં પ્રવેશ અપાશે. ઉપરાંત રથયાત્રામાં જોડાનારા ખલાસી ભાઈઓ સહિત તમામ માટે રસી ફરજિયાત કરાઈ છે. બંદોબસ્તમાં તહેનાત રહેનારા પોલીસ કર્મચારીઓએ રસીના 2 ડોઝ લઈ લીધા છે.