નિકોલના વિરલ જ્વેલર્સમાં રવિવારે ફાયરિંગ વિથ લૂંટની ઘટના બન્યાના 24 કલાક બાદ પણ પોલીસ આરોપીઓ સુધી પહોંચી શકી નથી. આ ઉપરાંત છેલ્લા 96 કલાકમાં લૂંટ અને ફાયરિંગના બનાવોમાં પણ પોલીસ હજુ સુધી આરોપીઓને પકડી શકી નથી. બીજી તરફ પોલીસે શહેરભરના જ્વેલર્સને એવો આદેશ કર્યો છે કે, તેમની દુકાનની અંદર-બહાર લગાવેલા સીસીટીવી કેમેરાનું લાઇવ અને રેકોર્ડિંગ વેપારી ઘરે બેઠા મોબાઇલ ફોનમાં જોઈ શકે તેવી વ્યવસ્થા ગોઠવો. દુકાન બંધ કર્યા પછી પણ દુકાનની આસપાસ કોઈ શંકાસ્પદ વ્યક્તિ દેખાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવા પણ સૂચના અપાઈ છે.
અમદાવાદ પૂર્વના વિસ્તારોમાં ઉપરાછાપરી બનેલી ફાયરિંગ વિથ લૂંટની ઘટનાઓથી સફાળી જાગેલી પોલીસે જ્વેલરી શોપ અને આંગડિયા પેઢીની બહાર ક્રોસ પેટ્રોલિંગ શરૂ કર્યું છે. જ્વેલરી શોપ અને આંગડિયા પેઢીની અંદર અને બહાર સીસીટીવી કેમેરા લગાવવા વેપારીઓને સૂચના અપાઈ છે. આ સાથે સીસીટીવી યોગ્ય દિશામાં અને દુકાન બહારની ફૂટપાથ-રોડ કવર થાય તે રીતે રાખવા સૂચના જણાવાયું છે.
શહેરમાં ચાર દિવસમાં બનેલી ફાયરિંગ વિથ લૂંટ અને મર્ડરની ત્રણ ઘટનાની ગંભીરતાથી નોંધ લઈ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે તમામ પોલીસ અધિકારીઓને કડક સૂચના આપી હતી, જેમાં લુટારુઓ જ્વેલર્સ, આંગડિયા પેઢી, બેંક, એટીએમને ટાર્ગેટ કરતા હોવાથી આવી તમામ જગ્યાએ ક્રોસ પેટ્રોલિંગ કરવા તાકીદ કરી હતી. આ તમામ જગ્યાએ તહેનાત સિક્યોરિટી ગાર્ડને પણ જરૂરી સલાહ સૂચના આપીને અધિકારીઓના તેમ જ પોલીસ સ્ટેશનના નંબર આપ્યા હતા. તેમને શંકાસ્પદ વ્યક્તિ કે ઘટના જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવા સૂચના અપાઈ હતી.
ખરીદી માટે આવનારામાંથી કેટલાક બહાર ઊભા રહે તો ગાર્ડે જાણ કરવી પડશે
દુકાનમાં ત્રણથી ચાર લોકો સાથે ખરીદી કરવા આવે અને તેમાંથી અમુક જ માણસો દુકાનની અંદર જાય તો બહાર ઊભા રહેલા લોકો વિશે તાત્કાલિક દુકાનમાલિકને જાણ કરવા સિક્યોરિટી ગાર્ડને સૂચના અપાઈ છે.
સાંજે અધિકારીઓએે વાહન તપાસવા પડશે
સાંજે 5થી રાતે 10 સુધી તમામ પીઆઈ, એસીપી તેમ જ ડીસીપી સુધીના પોલીસ અધિકારીઓને રોડ પર તહેનાત રહીને વાહન ચેકિંગ કરવા સૂચના અપાઈ છે, જેમાં શંકાસ્પદ વાહનચાલક તેમ જ શંકાસ્પદ વ્યક્તિઓને તાત્કાલિક ઝડપી લઈ તેમની ઊલટતપાસ કરવા પણ જણાવાયું છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.