ચાઈનીઝ દોરી ઉપર પ્રતિબંધ હોવા છતાં ઓનલાઈન 12 કંપની ચાઈનીઝ દોરીનું વેચાણ કરતી હોવાનું પોલીસના ધ્યાન ઉપર આવ્યું હતું. જેની પોલીસે તે 12 કંપનીઓને ચાઈનીઝ દોરીનું વેચાણ બંધ કરી દેવા નોટિસ આપી છે. આટલું જ નહીં આ કંપનીઓ જે જગ્યાએથી ચાઈનીઝ દોરી લાવે છે ત્યાંના નામ - સરનામા પણ પોલીસે મગાવ્યા છે. તેમ છતાં જો આ કંપનીઓ માહિતી નહીં આપે તો પોલીસ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરશે. ચાઈનીઝ દોરીનું વેચાણ કરવા બદલ ઓનલાઈન કંપનીઓને નોટિસ આપવામાં આવી હોવાની ગુજરાતની પહેલી ઘટના છે.
પ્રતિબંધ હોવા છતાં ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા 200 વેપારીઓની પોલીસે ધરપકડ કરીને 5000 કરતાં પણ વધારે ચાઈનીઝ દોરીના ટેલર કબજે કર્યા હતા. વેપારીઓની પૂછપરછમાં તેઓ ઓનલાઈન ચાઈનીઝ દોરી ખરીદતા હોવાનું જાણવા મળ્યું હતુ. એમેઝોન, ફ્લિપ કાર્ડ સહિતની 12 મોટી કંપની પાસેથી ઓનલાઈન ચાઈનીઝ દોરી ખરીદતા હતા. જેની ગંભીરતાથી નોંધ લઈને પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે સાયબર ક્રાઈમ મારફતે તે 12 કંપનીઓને નોટિસ પાઠવી છે.
ઓનલાઈન દોરીનું વેચાણ કરનાર 2ની ધરપકડ
સોશિયલ મીડિયા પર ઓનલાઈન એપ્લિકેશન દ્વારા ચાઈનીઝ દોરીનું વેચાણ કરનાર ઝહીન ફઝલભાઈ મંસુરી (મુસ્લિમ સોસાયટી, મીઠાખળી છ રસ્તા)ને ઝડપી લીધો હતો. ઝહીન પાસેથી પોલીસે ચાઈનીઝ દોરીના 17 ટેલર મળ્યા હતા. જ્યારે ઝહીન આ ટેલર ઢાલગરવાડમાં રહેતા રમીઝ આબીદહુસેન મંસુરી(32) પાસેથી લાવ્યો હોવાની કબૂલાત કરતા પોલીસે રમીઝને પણ 5 ટેલર સાથે ઝડપી લીધો હતો.
વેચાણ બંધ નહીં થાય તો ગુનો નોંધાશે
પોલીસે જે નોટિસ આપી છે તેમાં ઓનલાઈન વેચાણ કરતી કંપનીઓને ચાઈનીઝ દોરીનું વેચાણ અને સપ્લાય બંધ કરી દેવા જણાવવામાં આવ્યુ છે. આટલું જ નહીં તેમને નોટિસ આપવા છતાં પણ જો વેચાણ - સપ્લાય બંધ નહીં કરવામાં આવે તો ઓનલાઈન કંપનીઓ સામે ગુનો નોંધવામાં આવશે. - સંજય શ્રીવાસ્તવ, પોલીસ કમિશનર
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.