તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કૌભાંડ:અમદાવાદના રામોલમાં 500 લોકોના બોગસ આધારકાર્ડ બનાવનારો ઝડપાયો, પૈસા લઈ મામલતદારના નામની ખોટી સહી કરી સુધારા કરતો હતો

અમદાવાદ7 મહિનો પહેલા
  • કૉપી લિંક
આરોપીએ ઘરની બહાર ઓફિસ ખોલીને કૌભાંડ આચર્યું - Divya Bhaskar
આરોપીએ ઘરની બહાર ઓફિસ ખોલીને કૌભાંડ આચર્યું
  • આરોપી પાસેથી પોલીસે લેપટોપ,મોબાઈલ,ફિંગરપ્રિન્ટ મશીન સહિતનો મુદામાલ કબ્જે કર્યો
  • 500 જેટલા નકલી આધારકાર્ડ બનાવ્યા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે

શહેરના રામોલ વિસ્તારમાં ન્યૂ હરીશચંદ્ર નગરમાં ઓફિસ ધરાવીને 500 લોકો પાસેથી પૈસા લઈને આધારકાર્ડમાં ગેઝેટેડ અધિકારીના સિક્કાનો દુરુપયોગ કરી ખોટી સહીઓ કરીને બોગસ આધારકાર્ડ બનાવનારા એક વ્યકિતની રામોલ પોલીસે ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આરોપીએ ઘરની બહાર જ ઓફિસ ખોલી હતી
રામોલ પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ મયુરભાઈ અને યુવરાજસિંહને બાતમી મળી હતી કે, ન્યૂ હરીશચંદ્ર નગરમાં અશ્વિત એન્ટરપ્રાઇઝ નામની ઓફિસમાં રવિકાંત રાજબહાદુર શર્મા નામની વ્યક્તિ લેપટોપ, મોબાઇલ દ્વારા મામલતદાર અસારવાના નામથી આધાર એનેક્ષર ફોર્મ પર બનાવટી સહી-સિક્કા કરીને લોકોના રહેણાંક એડ્રેસમાં ફેરફાર કરે છે અને નવા આધારકાર્ડ બનાવી રહ્યો છે. આથી પોલીસે રવિકાંત શર્માની ઓફિસ પર દરોડો પાડી ત્યાંથી લેપટોપ કબજે કરી તેમાં યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા નામના પેજમાં રવિકાન્ત કંઈક કરી રહ્યો હતો. ત્યાર બાદ પોલીસે તેને અટકાવ્યો હતો અને ખોલેલી વેબસાઇટે ચેક કરતાં એનરોલમેન્ટ બ્લેન્ક ફોર્મમાં મહિલાના ફોટા પર મામલતદાર અસારવાનું રાઉન્ડ સીલ મારેલું હતું.

લેપટોપ, મોબાઈલ, આધારકાર્ડ બનાવવા માટે કાર્ડનો જથ્થો, પેપરનો મુદામાલ કબ્જે કર્યો
લેપટોપ, મોબાઈલ, આધારકાર્ડ બનાવવા માટે કાર્ડનો જથ્થો, પેપરનો મુદામાલ કબ્જે કર્યો

આરોપી વેબસાઈટ પરથી ફોર્મ એનરોલ કરતો
આ અંગે પોલીસે વધુ તપાસમાં આ જ રીતના અન્ય મહિલાઓના ભરેલા ફોર્મ અને તેના પર મામલતદારના સિક્કા મળી આવ્યાં હતાં. પોલીસે પૂછપરછ કરી તો તેણે બોગસ સહી-સિકકા કરી આધારકાર્ડમાં સુધારો કરતો હોવાની કબૂલાત કરી હતી. પોલીસને ઓફિસમાંથી લેપટોપ, મોબાઇલ, બે બાયોમેટ્રિક ફિંગર સ્કેન મશીન, પ્રિન્ટર, પેનડ્રાઇવ, આધારકાર્ડના પેપર, સ્માર્ટકાર્ડ પ્રિન્ટર, મ્યુનિ. કોર્પોરેટરોના સિક્કા અને ગ્રાહકોના ફોટાવાળા 10 ફોર્મ સહિતનો મુદ્દામાલ મળી આવ્યો હતો.

પોલીસે આરોપીની વધુ પૂછપરછ શરૂ કરી છે.
યુવકની પૂછપરછ કરતાં આધારકાર્ડ કઢાવવા અને સુધારા વધારા કરવા આવતા લોકો પાસે પુરાવા ન હોય તેઓને સુધારા વધારા કરવા પૈસા લેતો હતો. ઓનલાઇન સર્ટિફિકેટ ફોર આધારના ફોર્મ કાઢી અને તેના પર મામલતદાર અસારવાના નામે સહી સિક્કા કરી અને વગર પુરાવાએ વેબસાઈટ પર સાચા તરીકે રજૂ કરી દેતો હતો. આરોપી આ માટે નક્કી કરેલા ભાવ મુજબ પૈસા લેતો હતો. પોલીસે હાલ આરોપીની વધુ પૂછપરછ શરૂ કરી છે.

અમદાવાદ ક્રાઈમ બ્રાંચે શહેરમાં બનાવટી ડ્રાઈવિંગ લાયસન્સ બનાવવાનું રેકેટ ઝડપ્યુ
અમદાવાદ ક્રાઈમ બ્રાંચે શહેરમાં બનાવટી ડ્રાઈવિંગ લાયસન્સ બનાવવાનું રેકેટ ઝડપ્યુ

બનાવટી ડ્રાઈવિંગ લાયસન્સ બનાવનાર ઝડપાયો
અમદાવાદ ક્રાઈમ બ્રાંચે શહેરમાં બનાવટી ડ્રાઈવિંગ લાયસન્સ બનાવવાનું રેકેટ ચલાવતા બે ઈસમોને ઝડપી લીધા છે.શહેર ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ જ્યારે પેટ્રોલિંગમાં હતાં ત્યારે તેમને બાતમી મળી હતી. તેમણે શહેરમાં જુહાપુરા બરફની ફેક્ટરી વાળા નાકા ખાતેથી આરોપી અફસરુલ શેખને તેના બનાવટી ડ્રાઈવિંગ લાયસન્સ સાથે ઝડપી પાડ્યો હતો. પુછપરછ દરમિયાન પોતે આ લાયસન્સ અમદાવાદમાં ફતેવાડી ખાતે રહેતા મારુફમુલ્લા પાસેથી 6 હજાર રૂપિયામાં બનાવડાવ્યુ હોવાનું પોલીસને જણાવ્યું હતું.

કોઈ પણ પુરાવા વિના કાર્ડ બનાવી આપતો હતો
પોલીસ પૂછપરછમાં આરોપી રવિકાંત શર્માએ કબૂલાત કરી હતી કે અત્યાર સુધીમાં તેણે 500 જેટલાં લોકોને આધારકાર્ડમાં રહેઠાણના કે અન્ય પુરાવા ન હોવા છતાં આધારકાર્ડ બનાવી આપ્યા છે.