નિર્દયતા:સેટેલાઈટમાં સ્ટ્રીટ ડોગને માર મારીને લોહીલુહાણ કરી નાખ્યો, પોલીસે એક આરોપીની ધરપકડ કરી

અમદાવાદએક વર્ષ પહેલા
  • શ્વાનના મોત પ્રકરણમાં પોલીસે શ્વાનનું પી.એમ. કરાવ્યું અને આરોપીની ધરપકડ કરી
  • સેટેલાઇટમાં સ્ટ્રીટ ડોગ પરના હુમલાનો મામલો મેનકા ગાંધી સુધી પહોંચ્યો

અમદાવાદના સેટેલાઈટ જેવા પોસ વિસ્તારમાં લોકો પોતાના ઘરમાં લાખો રૂપિયાના શ્વાન પાળે છે અને તેની પાછળ ખર્ચો કરે છે. ત્યારે એવા પણ લોકો છે જે અબોલ પશુઓને ક્રુરતાથી મારે છે. સેટેલાઇટમાં પણ એક સ્ટ્રીટ ડોગને એ હદે મારવામાં આવ્યો કે, આખી શેરીમાં શ્વાનનું લોહી પડ્યું હતું. આખરે લોકોએ લોહીને સાફ કરવા માટે પાણીનો ઉપયોગ કરવો પડ્યો હતો. શ્વાન સાથે ક્રુરતાની જાણ થતાં આ અંગે સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. પણ આ પ્રકરણમાં શ્વાનનું મોત થઈ ગયું હતું. આખરે પોલીસે આ કેસમાં એકની ધરપકડ પણ કરી છે.

સ્ટ્રીટ ડોગના લોહીલુહાણ હાલતમાં વીડિયો એનીમલ લવરને મોક્યા હતા
સેટેલાઇટ વિસ્તારમાં આવેલી જયમાં સોસાયટીમાં બે લોકો સ્ટ્રીટ ડોગને નિર્દયતાથી મારતા હતા. આ વાતની જાણ આ વિસ્તારમાં વર્ષોથી એનીમલ સાથે થતી ક્રુરતા રોકવા માટે કામ કરતા મિતાબેન ઓઝાને થઈ હતી. તેમને આ સ્ટ્રીટ ડોગના લોહીલુહાણ હાલતમાં વીડિયો કોઈએ વ્યક્તિએ મોકલ્યા હતા. તેમણે તાત્કાલિક આ ઇજાગ્રસ્ત શ્વાનને સારવાર માટે એનીમલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં શ્વાનનું ઓપરેશન પણ કરવામાં આવ્યું હતું. એકતરફ શ્વાનની સારવાર ચાલતી હતી ત્યારે મિતાબેને શ્વાનને મારનાર સકરાજી ઠાકોર સામે એનીમલ ક્રુઅલ્ટી હેઠળ સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે સ્ટ્રીટ ડોગનું પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું
આ બધાની વચ્ચે મિતાબેને મેનકા ગાંધીને પણ જાણ કરી હતી અને સ્ટ્રીટ ડોગની સાથે થયેલા અત્યાચાર સામે કાર્યવાહી કરવા જણાવ્યું હતું. જે અંગે તેમના પી. એ. તરફથી પણ આ કેસમાં એક્શન લેવા માટે પ્રયાસ કરવા બાંહેધરી આપી હતી. બીજી તરફ સ્ટ્રીટ ડોગનું મોત થઈ ગયું હતું. જેથી પોલીસે સ્ટ્રીટ ડોગનું પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું અને આ કેસમાં સકરાજી ઠાકોરની ધરપકડ કરી હતી.

પોસ્ટમોર્ટમમાં સ્ટ્રીટ ડોગને મલ્ટીપલ ઇજા હતી
આ અંગે સેટેલાઈટ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ઉદયસિંહે દિવ્યભાસ્કરને જણાવ્યું હતું કે, આ કેસમાં સ્ટ્રીટ ડોગને ક્રુરતાથી મારવામાં આવ્યો હતો, પણ તેનું સારવાર દરમિયાન મોત થયું હતું જેથી તેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. જે પોસ્ટમોર્ટમમાં સ્ટ્રીટ ડોગને મલ્ટીપલ ઇજા હતી, તેવું સાબિત થયું છે જેથી અમે આરોપીની ધરપકડ કરી છે.

અન્ય સમાચારો પણ છે...