તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાઇ પ્રોફાઇલ મર્ડર કેસ:પોલીસને સ્વીટીના હાથની આંગળીઓનાં અસ્થિ, બળેલું મંગળસૂત્ર, બ્રેસલેટ-વીંટી, 5 દાંત મળ્યાં, અજયનો પોલિગ્રાફ ટેસ્ટ પોઝિટિવ

અમદાવાદએક મહિનો પહેલા
સ્વીટી પટેલ અને અજય દેસાઈની ફાઈલ તસવીર.
 • અટાલીની બંધ હોટલ પાસે સ્વીટીની લાશને સળગાવી હતી
 • ધુમાડો જોનાર એક સાક્ષી પણ મળી આવતા નિવેદન લેવામાં આવ્યું
 • દાંતને DNA ટેસ્ટ માટે મોકલવામાં આવશે

વડોદરા જિલ્લા SOG(સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) PI અજય દેસાઈએ સ્વીટી પટેલનું મર્ડર કર્યું હોવાનો સ્વીકાર ભલે કરી લીધો હોય, આમ છતાં આ કેસનાં અનેક રહસ્યો બહાર આવવાનાં બાકી છે. અજય દેસાઈએ સ્વીટીની ગળું દબાવી હત્યા કર્યા બાદ કરજણની બંધ હોટલ પાછળ હિન્દુ રીત-રિવાજ પ્રમાણે અંતિમસંસ્કાર કર્યા હતા, જેને પગલે પોલીસે આ જગ્યાએ ખોદકામ કર્યું હતું, જેમાં સ્વીટીના હાથની આંગળીઓનાં અસ્થિ, બ્રેસલેટ, વીંટી અને 5 દાંત મળ્યાં છે. બીજી તરફ, સ્વીટીની લાશના નિકાલ બાદ FSL દ્વારા કરવામાં આવેલો અજયનો પોલિગ્રાફ ટેસ્ટ પણ પોઝિટિવ આવ્યો છે. હાલ આ કડી મળી આવતાં પોલીસને સ્વીટીની લાશ અને તેની હત્યાના સંયોગિક પુરાવા પ્રાપ્ત થઈ રહ્યા છે. તેમજ દાંતને DNA ટેસ્ટ માટે મોકલવામાં આવશે.

સ્ટાફના 10 લોકો અને 5 મજૂરોએ માટી ચાળી
ઈન્સપેકટર દર્શનસિંહ બારડ ક્રાઈમ બ્રાન્ચના 10 માણસનો સ્ટાફ અને 5 મજુરો લઈ અટાલી પહોંચ્યા હતા. જ્યાં પંચોની રૂબરૂમાં સ્વીટીને સળગાવી મુકી તેની માટી ખોદી અનાજ ચાળવાના ચારણા વડે આખો દિવસ માટી ચાળતા તેમાંથી સ્વીટીના 5 દાંત મળી આવ્યા હતા. આ દાંત DNA ટેસ્ટ માટે ખુબ મહત્વના સાબિત થશે. અગાઉની તસવીરમાં સ્વીટીએ આ મંગળસૂત્ર અને વીંટી પહેરી હોવાનું પણ સ્પષ્ટ થાય છે આ ઉપરાંત સ્વીટીના પરિવારજનોએ પણ મંગળસૂત્ર સ્વીટીનું હોવાની વાતને સમર્થન આપ્યું છે. પોલીસ આ મંગળસૂત્ર ક્યારે અને કોણે ખરીદ્યુ હતું તે જાણવા વિવિધ જવેલર્સનો સંપર્ક કરી રહી છે.

ક્રાઈમ બ્રાન્ચને અજય દેસાઈ સામે સજ્જડ પુરાવા મળ્યા
અજય દેસાઈએ PI તરીકે ભલે અનેક કેસ ઉકેલ્યા હોય, પણ પોતે જ પોલીસના સકંજામાં આવી ગયો છે. આ સમગ્ર કેસ મર્ડર મિસ્ટ્રી સમાન છે, જેમાં આરોપી ખુદ પોલીસ ઓફિસર છે અને તેણે પોતાના કરેલા ગુનાને છુપાવવા માટે પોતાની સત્તા અને અનુભવ ઉપયોગ કર્યો છે. કહેવાય છે કે જ્યારે કોઈ ગુનો થાય છે ત્યારે આરોપી તેની પાછળ કેટલાક પુરાવા પણ છોડતો જાય છે. ગુનેગાર ગમે એવો હોશિયાર હોય પણ પોતાની એક ભૂલને કારણે તે પકડાઈ ગયો છે અને હવે ક્રાઈમ બ્રાન્ચને અજય દેસાઈ સામે સજ્જડ પુરાવા મળ્યા છે.

સ્વીટીના હિન્દુ રીત-રિવાજ પ્રમાણે અંતિમસંસ્કાર કરાયા હતા.
સ્વીટીના હિન્દુ રીત-રિવાજ પ્રમાણે અંતિમસંસ્કાર કરાયા હતા.

અંતિમવિધિ માટે અજયે ઘી-દૂધની વ્યવસ્થા કરી હતી
સ્વીટી હત્યા બાદ અજય દેસાઈએ તેની લાશને હિન્દુ રીત-રિવાજ મુજબ અંતિમસંસ્કાર કર્યા હતા. આ અંતિમવિધિ માટે અજય દેસાઈએ ઘી અને દૂધની વ્યવસ્થા કરી હતી. ત્યાર બાદ સ્વીટીની લાશને મંગળસૂત્ર પહેરેલી હાલતમાં જ સળગાવી દીધી હતી. ક્રાઇમ બ્રાન્ચની ટીમે આ જગ્યાની માટી ચાળીને તપાસ કરતાં એમાંથી સ્વીટીના હાથની આંગળીઓનાં અસ્થિ, બળેલું મંગળસૂત્ર, હાથનું બ્રેસ્લેટ અને સ્વીટીના પાંચ દાંત મળી આવ્યાં છે, જે સમગ્ર પ્રકરણમાં પોલીસ માટે અતિમહત્ત્વના પુરાવા છે.

પોલિગ્રાફ ટેસ્ટ પોઝિટિવ આવતાં પુરાવા વધુ મજબૂત થયા
પોલીસને પહેલેથી જ અજય દેસાઈ પર શંકા હતી ત્યારે તેનો પોલિગ્રાફ ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જે રિપોર્ટ પણ હવે આવી જતાં અજય દેસાઈ સામે વધુ પુરાવા મજબૂત થઈ રહ્યા છે. બીજી તરફ અજયની બીજી પત્ની પૂજા પોતાની દીકરી અને અજયના બાળકને લઈને ઉત્તર ગુજરાતના એક ગામમાં રહે છે બંને બાળકોને સાથે ઉછેરી રહી છે.

શું છે પોલિગ્રાફ ટેસ્ટ

 • જુઠ્ઠાણું પકડવા માટે પોલિગ્રાફ ટેસ્ટ એક ટેકનોલોજી છે
 • શકમંદની કેસ સંબંધિત પૂછપરછ કરવામાં આવે છે અને તે જવાબ આપે છે
 • આ સમયે વિશેષ મશીનની સ્ક્રીન પર એક ગ્રાફ બને છે
 • વ્યક્તિના શ્વાસ, હૃદયની ગતિ, બ્લડપ્રેશરમાં ફેરફાર મુજબ ગ્રાફ બને છે
 • ગ્રાફમાં અચાનક ફેરફાર થાય તો એનો મતલબ કે વ્યક્તિ ખોટું બોલી રહી છે
 • આ ટેસ્ટમાં શરૂઆતમાં સામાન્ય પ્રશ્ન પૂછવામાં આવે છે
 • નામ, પિતાનું નામ, ઉંમર, સરનામું, પરિવાર સાથે જોડાયેલી જાણકારી પુછાય છે
 • બાદમાં અચાનક સંબંધિત ગુના અંગે સવાલો કરવામાં આવે છે
 • અચાનક ક્રાઈમ સાથે જોડાયેલા સવાલ પર શખસના ધબકારા, શ્વાસ વધી જાય છે
 • ગ્રાફમાં ફેરફાર થાય તો એનો મતલબ વ્યક્તિ ખોટું બોલે છે

4 જૂનની રાત્રે સ્વીટીનો અજય સાથે ઝઘડો થયો ને જીવ ગુમાવ્યો
પોલીસે જણાવ્યું હતું કે સ્વીટી અને અજય દેસાઇએ વચ્ચે 4 જૂનની રાત્રે લગ્ન સંબંધિત વાતને લઇ મોટો ઝઘડો થયો હતો, રાત્રે 12-30 વાગે પીઆઇ દેસાઇએ સ્વીટીનું ગળું દબાવી હત્યા કરી હતી. ત્યાર બાદ લાશને ઉપર બેડરૂમમાં મૂકી દીધી હતી. આખી રાત લાશને બેડરૂમમાં રાખ્યા બાદ બીજા દિવસે સવારે 10.45 વાગ્ય જાણે કંઇ ના બન્યું હોય એમ પોતાની કાળા કલરની કંપાસ જીપને ઘરના દરવાજા સુધી લાવી એમાં લાશ મૂકી હતી.

મિત્રની બંધ હોટલ પાછળ લાશ સળગાવી
અમદાવાદ ક્રાઈમ બ્રાંચની પૂછપરછમાં અજય દેસાઈએ સ્વીકાર્યું હતું કે પત્નીની હત્યા કર્યા પછી લાશ મિત્ર કિરીટસિંહ જાડેજાની અટાલી પાટિયા પાસે આવેલી બંધ હોટલ પાછળ અવાવરૂ જગ્યામાં સળગાવીને ફેંકી દીધી હતી. લાશ પણ પીઆઈના મિત્ર કિરીટસિંહ જાડેજાની કારમાં લઈ જવામાં આવી હતી. ક્રાઈમ બ્રાંચે આ કેસ હાથમાં લીધા બાદ મળેલા પુરાવાનો અભ્યાસ કરીને આ કેસમાં હત્યારા પીઆઈ અજય દેસાઈની સંડોવણી પુરવાર કરી તેના મિત્ર કિરીટસિંહની સામે મદદગારીનો ગુનો દાખલ કર્યો હતો.

PIની બંને પત્ની એક જ સમયમાં ગર્ભવતી બની હતી
અજયની બંને પત્ની એક જ ગાળામાં સગર્ભા હતી. જોકે સ્વીટીએ તે સગર્ભા છે એ વાત 5-6 મહિના છુપાવી હતી. અજયને ખબર પડી ત્યારે ગર્ભપાત માટે મોડું થઇ ચૂક્યું હતું. બીજી બાજુ અજયે જે મહિલા સાથે લગ્ન કર્યા હતા તે પણ સગર્ભા હતી. સ્વીટીએ પુત્રને, અન્ય પત્નીએ પુત્રીને જન્મ આપ્યો હતો. હાલ બંને બાળકની ઉંમર 2 વર્ષની આસપાસ છે. આ બંને બાળકોનાં નામ પણ અજયની રાશિપરથી જ રખાયાં છે.

ક્રાઈમ બ્રાન્ચે આ રીતે ભેદ ઉકેલ્યો
જે દિવસે સ્વીટી ગુમ થઈ એ દિવસે સૌથી પહેલી શંકાસ્પદ બાબત અજય દેસાઈ તેની કાર બંગલામાંથી બહાર પાર્ક કરતા હતા, પરંતુ એ રાત્રે કાર રાતના એક વાગે રિવર્સ કરી બંગલામાં મૂકી હતી. ત્યાર બાદ અજય દેસાઈનો કોલ રેકોર્ડ જોતાં તેમણે રાત્રે એક વાગે કરજણની એક હોટલના માલિકને ફોન કર્યાનું પકડાયું હતું. કાર બંગલાની બહાર નીકળે છે, ત્યા રબાદ કરજણ ટોલનાકા પર દેખાઈ હતી. જોકે રહસ્યમય રીતે જે હોટલમાલિકને અજય દેસાઈ મળવા હોટલ પર નીકળે છે. એ દિવસના હોટલના સીસીટીવી ફૂટેજ ગુમ થઈ જાય છે. પોલીસ તપાસમાં દહેજ નજીક માનવ અસ્થિ મળે છે, એ મકાનની માલિકી પણ કરજણના હોટલ માલિક કિરીટસિંહ જાડેજાની હોઈ તેમજ પીઆઈ અજય દેસાઈના મોબાઈલ લોકેશન પણ ત્યાં જ બતાવતું હોઈ ક્રાઈમ બ્રાંચે આ દિશામાં પુરાવા મળ્યા બાદ અજય દેસાઈની સ્પષ્ટ સંડોવણી હોવાનું બહાર આવતાં તેની પૂછપરછ કરતાં આખરે તેણે ગુનાની કબૂલાત કરી લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...