રિયાલિટી ચેક:પોલીસે ગરીબ લોકોને દંડો બતાવી લારી ગલ્લા બંધ કરાવ્યા, મોટી હોટલ અને રેસ્ટોરન્ટ પર કોઈ કાર્યવાહી નહીં

અમદાવાદ7 મહિનો પહેલા
પોલીસને મોટી રેસ્ટોરન્ટ કે દુકાનો દેખાતી જ નથી?
  • સાયન્સ સિટી રોડ પર કેટલીક મોટી દુકાનો ચાલુ અને કેટલીક દુકાનો અડધા શટર પાડીને પણ ચાલુ જોવા મળી

અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ હદ વટાવી ચૂક્યુ છે. કોરોનાના કેસ જાણે નાના લારી ગલ્લા ધરાવતા લોકોના કારણે વધ્ચા હોય તેમ તંત્ર તેમને જ નિશાન બનાવીને કાર્યવાહી કરી રહ્યું છે. તમામ નિયમોનું પાલન નાના માણસો પાસેજ કરાવવામાં આવી રહ્યું છે. અમદાવાદના પોશ ગણાતા અને નવા વિકસી રહેલા એવા સાયન્સ સિટી અને એસ.જી હાઈવે પાસેના વિસ્તારમાં કર્ફ્યૂનો અમલ થતાં પહેલા લારી ગલ્લા બંધ થઈ જાય છે. જ્યારે મોટી દુકાનો અને રેસ્ટોરન્ટ્સને જાણે છુટ મળી હોય તેમ તેમની વિરૂદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી.

સોલા પોલીસની એક તરફી કાર્યવાહી જોવા મળી
રાજ્યમાં 20 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ 8 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી રાખવામાં આવ્યો છે. રાત્રિ કર્ફ્યૂનું પાલન કરાવવા માટેની જવાબદારી પોલીસને સોંપવામાં આવી છે. કર્ફ્યૂ શરૂ થયા બાદ કર્ફ્યૂનો ભંગ કરવા બદલ લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવા પોલીસને કામગીરી સોંપવામાં આવી છે. 8 વાગે કરફ્યુ શરૂ થતાં શહેરના તમામ વિસ્તારોમાં પોલીસ દ્વારા કર્ફ્યૂનું પાલન કરાવવાની શરૂ કરવામાં આવે છે પરંતુ પશ્ચિમ વિસ્તારમાં સોલા પોલીસની એક તરફી કાર્યવાહી જોવા મળી હતી.

રાત્રિ કર્ફ્યૂમાં પણ દુકાનો ખુલ્લી રહી પણ પોલીસે કોઈ એક્શન ના લીધી
રાત્રિ કર્ફ્યૂમાં પણ દુકાનો ખુલ્લી રહી પણ પોલીસે કોઈ એક્શન ના લીધી

પોલીસે નાના માણસોને દંડા બતાવ્યા
દિવ્યભાસ્કર દ્વારા નાઇટ કર્ફ્યૂનો ગ્રાઉન્ડ રિપોર્ટ કરવામાં આવ્યો હતો. તે દરમિયાન સોલા પોલીસ દ્વારા 8 વાગ્યા બાદ કર્ફ્યૂનું પાલન કરાવવામાં આવી રહ્યું હતું. સોલા પોલીસના ડી સ્ટાફના કર્મચારીઓ રાત્રિ કરફ્યુનું પાલન કરાવવા બાઈક પર દંડા લઈને નીકળ્યા હતા.પોલીસકર્મીઓ દ્વારા સાયન્સ સિટી રોડ પર આવેલ અનેક લારી અને ગલ્લા દંડા બતાવીને તો ક્યાંક કોઈક લારી વાડાને દંડા મારીને પણ બંધ કરાવવામાં આવ્યાં હતાં. પરંતુ પોલીસની નજર સામે જ કેટલીક મોટી દુકાનો તથા રેસ્ટોરન્ટ પણ ખુલ્લી હતી જે પોલીસે નજર અંદાજ કરી હોય તેવું લાગી રહ્યું હતું. મોટી દુકાનો અને રેસ્ટોરન્ટને બંધ કરાવવા કોઈ પોલીસકર્મી એ તસ્દી લીધી નહોતી.

ખાણીપીણીની નાની લારીઓ બંધ કરાવી પણ દુકાનો ચાલુ
ખાણીપીણીની નાની લારીઓ બંધ કરાવી પણ દુકાનો ચાલુ

કર્ફ્યૂના સમય દરમિયાન ટ્રાફિક જોવા મળ્યો
દિવ્યભાસ્કર દ્વારા સોલા, સાયન્સ સિટી, થલતેજ, કારગીલ પેટ્રોલ પંપ, ચાણક્ય પૂરી સહિતના વિસ્તારોમાં રિયાલિટી ચેક કર્યું હતું. ત્યારે 8 વાગ્યા બાદ અનેક દુકાનો ચાલુ રાખવામાં આવી હતી. સાયન્સ સિટી રોડ પર કેટલીક મોટી દુકાનો ચાલુ રાખવામાં આવી હતી. કેટલીક દુકાનો અડધા શટલ પાડીને પણ ચાલુ રાખવામાં આવી હતી. ક્યાંક રેસ્ટોરન્ટના દરવાજા બંધ રાખીને લોકોને અંદર જમાડવામાં આવતા હતા.કેટલીક દુકાનો બંધ કરીને અંદરથી પાર્સલ આપવામાં આવી રહ્યા હતા.કર્ફ્યૂના સમય દરમિયાન રોડ રસ્તા પર પણ ટ્રાફિક જોવા મળ્યો હતો.

અડધા શટરમાં પણ દુકાનો ખુલ્લી રહી
અડધા શટરમાં પણ દુકાનો ખુલ્લી રહી

પોલીસની કામગીરી પર અનેક સવાલ ઉભા થાય છે
રાત્રિ કર્ફ્યૂ શરૂ થયો હતો પરંતુ કોઈ ચાર રસ્તા પર કે કોઈ ચોકી પાસે કોઈ પોલીસકર્મીઓ દેખાયા નહોતા. શુકન મોલ પાસેના સિગ્નલ પર ટ્રાફિકના પોલીસના કર્મચારીઓ ખુદ ટ્રાફિક નિયમોનું પાલન કરાવી રહ્યા હતા. 8 વાગ્યા બાદ કર્ફ્યૂ શરૂ થયો હોવા છતાં રસ્તા પરથી અવર જવર કરનાર વિરુદ્ધ ના કાર્યવાહી કરવામાં આવી કે ના કોઈ પૂછપરછ કરવામાં આવી હતી. આમ પશ્ચિમ વિસ્તારના સોલામાં પોલીસની કામગીરી પર અનેક સવાલ ઉભા થાય છે. એક જ વિસ્તારમાં અલગ અલગ લોકો માટે અલગ અલગ નિયમો હોય તેવું પોલીસની કાર્યવાહી પરથી લાગી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...