મહિલાનું પરિવાર સાથે મિલન:અમદાવાદમાં ઘરેથી મોર્નિંગ વોક માટે નીકળેલી મહિલા ગુમ, પોલીસે ગણતરીના કલાકોમાં સુરતના શેલ્ટર હોમમાંથી શોધી કાઢી

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
આ તસવીર પ્રતિકાત્મક છે - Divya Bhaskar
આ તસવીર પ્રતિકાત્મક છે
  • પરણિત મહિલા એકાએક ગુમ થતા પરિવાર ચિંતિત થયો
  • કોરોના કાળમાં પોતાના માતા-પિતાને ગુમાવી દેનારી મહિલા માનસિક તણાવમાં સપડાઈ હતી
  • અદાણી શાંતિગ્રામમાંથી ગુમ થયેલી મહિલા સુરતના શેલ્ટર હોમમાંથી મળી

કોરોનાની બીજી લહેર દરમિયાન 15 દિવસના ગાળામાં માતા-પિતાનું અવસાન થતા ડિપ્રેશનમાં આવેલી દીકરી મોર્નિંગ વોકમાં નીકળ્યા બાદ ઘરે પાછી આવી જ ન હતી. અદાણી શાંતિગ્રામની આ ઘટનાથી પોલીસ દોડતી થઇ હતી. જો કે મહિલા મોબાઈલ ફોન ઘરે મૂકીને ગઈ હોવાથી, તેણે શેલ્ટર હોમ સર્ચ કરીને ત્યાં રહેવા માટે ઈન્કવાયરી કરી હતી. જેના આધારે બોપલ પોલીસે 48 કલાકમાં જ સુરતના શેલ્ટર હોમમાંથી આ મહિલાને શોધી કાઢી હતી.

મહિલા ઘરેથી મોર્નિંગ વોક માટે નીકળી હતી
શહેરના પોશ વિસ્તાર એવા બોપલ વિસ્તારમાંથી એક મહિલા મોર્નિંગ વોક માટે નીકળી હતી અને સમયસર ઘરે નહીં આવતા પરિવારજનોએ તેની શોધખોળ હાથ ધરી હતી. પરંતુ મોડી રાત સુધી નહીં મળતા મહિલાના પતિ દ્વારા બોપલ પોલીસ મથકે પોતાની પત્ની ગુમ થઈ છે તેવી જાણવાજોગ અરજી નોંધાવી હતી. બનાવની ગંભીરતાને ધ્યાને લઇને બોપલ પોલીસની અલગ અલગ પાંચ ટીમો આ ગુમ થયેલ મહિલાને શોધી કાઢવા માટે થઈને કામે લાગી ગઈ હતી. આખરે ઘણી મહેનત બાદ બોપલ પોલીસને મોબાઈલના ટાવર લોકેશન અને અન્ય ટેકનિકલ સર્વેલન્સ આધારે ગુમ થયેલ મહિલા સુરતના એક શેલ્ટરહોમમાં હોવાની માહિતી મળતા જ બોપલ પોલીસની એક ટીમ સુરત પહોંચી ગઈ હતી અને મહિલાનું કાઉન્સેલિંગ કરી તેને પોતાના પરિવારજનો સાથે ભેટો કરાવ્યો હતો.

બોપલ પોલીસ સ્ટેશનની ફાઈલ તસવીર
બોપલ પોલીસ સ્ટેશનની ફાઈલ તસવીર

માતા-પિતાનું કોરોનામાં નિધન થતા માનસિક તણાવમાં હતી
ખાનગી કંપનીમાં જનરલ મેનેજર તરીકે કામ કરતી પરિણીત મહિલા માનસિક આઘાતમાં સરી પડી હતી અને તેનું કારણ હતું કે માતા અને પિતા બંને કોરોના કાળમાં મૃત્યુ પામ્યા હતા. જેના કારણે આ મહિલા સતત એ જ વિચારો કરતી હતી કે તેના લીધે તેના મા-બાપ આજે તેની પાસે નથી. આ સાથે જ પોલીસ સમક્ષ આ મહિલા એવું રટણ કરતી હતી કે તે કોઈ જ કામની નથી તે પોતાના મા-બાપનો જીવ પણ બચાવી શકી નથી.

જેના કારણે આખરે આ મહિલા પોતાનો પરિવારને મૂકીને ચાલી નીકળી હતી. મહિલાએ ભરેલા આ પગલાંને કારણે મહિલાનો પતિ તથા એક દીકરી અને અન્ય બીજા પરિવારજનો ચિંતામાં આવી ગયા હતા અને ઘણા કલાકો પછી પણ મહિલા પરત નહીં ફરતા પરિવારજનોએ આસપાસમાં નજીકના સગા સંબંધીઓના ત્યાં શોધખોળ હાથ ધરી હતી. પરંતુ ગુમ થયેલી મહિલા ત્યાં પણ મળી આવી ન હતી આખરે આ પરિવાર માટે બોપલ પોલીસ ભગવાન સ્વરૂપે આવી હોય તેમ ગણતરીના કલાકોમાં જ આ મહિલાને શોધી કાઢી હતી.

પોલીસે મહિલાનું પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું
સામાન્ય સંજોગોમાં પોલીસ પેટ્રોલિંગ કરતી હોય છે, પરંતુ તહેવારોના દિવસોમાં પોલીસ કેટલી સજાગ હોય છે અને કોઈ વ્યક્તિ ગુમ થયું હોય અને તેની શોધખોળ કરવામાં પોલીસ એડીચોટીનું જોર લગાવીને પણ ગુમ થયેલ વ્યક્તિને તેના પરિવાર સાથે મિલન કરાવતી હોય છે. ખરા અર્થમાં પોલીસ વિભાગ તહેવારોના દિવસોમાં સામાન્ય દિવસો કરતા કેટલું સજાગ હોય છે તે આવા કિસ્સાઓ પરથી જ માલુમ થાય છે.

કોઇ હિપ્નોટાઈઝ કરી લઈ ગયાની સ્ટોરી બનાવી
સુરતના શેલ્ટર હોમમાંથી મળી આવેલા રાધિકાબેનની પોલીસે પૂછપરછ કરતા તેમણે કહ્યું હતું કે, તેઓ મોર્નિંગ વોકમાં નીકળ્યા ત્યારે કોઇ તેમને હિપ્નોટાઈઝ કરીને લઈ ગયું હતું. જ્યારે પોલીસે તેમને સીસીટીવી ફુટેજ બતાવ્યા હતા. જેમાં તેઓ જાતે જ એકલા જઈ રહ્યા હતા. ત્યારબાદ તેમણે પોલીસને સાચી સ્ટોરી જણાવી હતી.

અન્ય સમાચારો પણ છે...