પોલીસ પરિવારની આત્મહત્યાનું રહસ્ય ગૂંચવાયું:પોલીસ-કોન્સ્ટેબલના મોબાઇલમાં પેટર્ન લોકથી અનેક રહસ્યો અકબંધ, 120 ફૂટ ઊંચેથી કોઈએ ધક્કો માર્યો કે જાતે પડ્યા?

અમદાવાદએક મહિનો પહેલા

અમદાવાદ શહેરના ગોતામાં વિશ્વાસ સિટી-10ની બાજુમાં આવેલી દીવા હાઇટ્સમાં રહેતા અને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના એકાઉન્ટ વિભાગમાં ફરજ બજાવતા પોલીસ-કોન્સ્ટેબલ કુલદીપસિંહ ભરતસિંહ યાદવ (ઉં.35)એ પત્ની રિદ્ધિ (ઉં.28) અને 2 વર્ષની દીકરી આકાંક્ષા સાથે ફ્લેટની બાલ્કનીમાંથી પડતું મૂકીને જીવન ટૂંકાવી દીધું હતું. મોડી રાતે 1.45 વાગ્યાની આસપાસ પહેલાં રિદ્ધિબહેને ત્યાર બાદ 10થી 12 સેકન્ડ પછી કુલદીપસિંહે દીકરી આકાંક્ષાને સાથે રાખી મોતની છલાંગ લગાવી દીધી હતી, જોકે આ આત્મહત્યા પાછળનું કારણ હજુ અકબંધ છે.

ફોનમાંથી મળી શકે તમામ રહસ્યો
આ આત્મહત્યા પાછળ કોઈ પારિવારિક કારણ જવાબદાર છે કે નહીં તે દીશામાં પોલીસ તપાસ કરી રહી છે. જો કે તમામ રહસ્યો કુલદીપ યાદવના ફોનમાંથી મળવાની શક્યતા છે. પરંતુ ફોનમાં રહેલા પેટર્ન લોકના કારણે મેસેજ અને તેના અલગ અલગ ચેટ વિશે વિગતો મેળવવી પોલીસ માટે હવે અનિવાર્ય બની છે.ત્યારે હવે પોલીસ ફોન અનલોક કરવાની પ્રક્રિયા માટે FSLની મદદ માંગી છે.

કુલદીપ યાદવનો ફોન જ એક મહત્ત્વની કડી
સમગ્ર તપાસમાં માત્ર કુલદીપ યાદવનો ફોન જ એક મહત્ત્વની કડી છે, ફોનનો લોક ખૂલ્યા બાદ જ કુલદીપ યાદવ કઈ પરિસ્થિતિમાં કોની સાથે શું વાત કરતો હતો અને તેની સાથે અન્ય કોઈ વસ્તુ બની છે કે કેમ તેના ફોનમાં કોઈ ડેટા છે કે નહીં. તેમજ તેણે કોઈ ડાયરી કે નોટ લખી રાખી છે કે કેમ તે વિશેની વિગતો સ્પષ્ટ થશે. આ પેટર્નને અનલોક કરવા માટે સોલા પોલીસે FSLની મદદ માંગી છે અને FSL દ્વારા આ પેટર્નને ડીકોડ કરવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

120 ફૂટ ઊંચેથી કોઈએ ધક્કો માર્યો કે જાતે પડ્યા?
કુલદીપ યાદવ પરિવારમાં ખૂબ જ સારા સંબંધો ધરાવતો હતો એટલે એને પરિવારમાં કોઈપણ અણબનાવ ન હોવાનું પણ આ પોલીસ માની રહી છે ત્યારે એક થિયરી પ્રમાણે તેમની પત્નીએ ચાર મિનિટ પહેલા આત્મહત્યા કરી કે કોઈ ધક્કો વાગ્યો કે જાતે જ કૂદકો માર્યો તે શોધવા માટે પણ FSLને પૂછવામાં આવ્યું ત્યારે FSLના એક્સપર્ટ તરફથી સોલા પોલીસને માહિતી મળી કે, જો કોઈને 120 ફૂટ પરથી ધક્કો મારવામાં આવે તો તેનું શરીર જે જગ્યાએ ડેડબોડી મળી તેનાથી પાંચથી દસ ફૂટ દૂર ફેંકાઈ શકે છે. પરંતુ આ ઘટનામાં એવું દેખાઈ રહ્યું નથી એટલે આ થિયરી પણ હાલ સાચી માનવામાં નથી આવી રહી. પરંતુ ખરેખર એ 10 મિનિટમાં શું બન્યું તે જાણવા માટે હવે સોલા પોલીસ દ્વારા અલગ અલગ એંગલ અને કુલદીપ યાદવના નજીકના સ્વજનો મિત્રો ને પૂછવાની પ્રક્રિયા હાથ
ધરવામાં આવી છે.

રાતે પરિવાર સાથે સહકર્મચારીના ઘરે જમવા ગયા હતા
કુલદીપસિંહે પત્ની, દીકરી સાથે આત્મહત્યા કરી તે પહેલાં પરિવાર સાથે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કર્મચારીના ઘરે જમવા ગયા હતા. ત્યાંથી 11થી 11.30 વાગ્યે ત્રણેય ઘરે આવ્યા હતા. જ્યારે ભારત-શ્રીલંકાની મેચ પૂરી થઈ ત્યારે પણ કુલદીપસિંહને ઘણા પોલીસ મિત્રો સાથે ફોન પર વાત થઈ હતી.

પત્નીની સાથે ઝઘડા થતા હોવાની પણ ચર્ચા
કુલદીપસિંહના અમુક મિત્રોનું કહેવું છે કે પતિ-પત્ની વચ્ચે ઝઘડા થતા હતા, પરંતુ જો તેવું હોત તો રિદ્ધિ શા માટે આત્મહત્યા માટે તૈયાર થાય. કુલદીપ પહેલાં રિદ્ધિએ પડતું મૂક્યું હોવાથી તે બંને સાથે જ જીવવા અને મરવા માગતા હોવાનું ફલિત થઈ રહ્યું છે.

સિક્યોરિટી ગાર્ડે કહ્યું, પહેલા રિદ્ધિબહેન પડ્યાં
ઘટના સમયે સોસાયટીના સિક્યોરિટી ગાર્ડ જાગતા હતા. 1.45 વાગ્યે પડવાનો અવાજ આવતા તેઓ ત્યાં દોડી આવ્યા હતા અને જોયું તો રિદ્ધિબહેન પડ્યાં હતાં. તેની 12 જ સેકન્ડ બાદ કુલદીપસિંહે પણ આકાંક્ષા સાથે પડતું મૂક્યું હતું.

ફ્લેટમાંથી કોઈ શંકાસ્પદ વસ્તુ કે પુરાવા મળ્યા નથી
સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનના પીઆઈ એન. આર. વાઘેલા મુજબ, કુલદીપસિંહે પત્ની અને દીકરી સાથે આત્મહત્યા કરી લેતા સોલા પોલીસ તેમના ઘરે પહોંચી હતી ત્યારે ફ્લેટનો દરવાજો બંધ હતો. એફએસએલની ટીમને સાથે રાખીને ફ્લેટમાં સર્ચ કર્યું હતું, પરંતુ ફ્લેટમાંથી અન્ય કોઈ પુરાવા, સુસાઇડ નોટ કે શંકાસ્પદ ચીજવસ્તુ મળી ન હતી.

અન્ય સમાચારો પણ છે...