ઓસ્ટ્રેલિયામાં ધંધો કરવા માટે મિત્ર પાસેથી 30.50 લાખ રૂપિયા ઉછીના લઇ ઠગાઇના કેસમાં આરોપીએ આગોતરા જામીન મેળવ્યા છે. તેમ છતાં પોલીસે ચાર્જશીટમાં ભાગેડુ બતાવતા મેટ્રો કોર્ટે પોલીસને આરોપીને ઇ-મેલ કે નોટિસ આપીને બોલાવવાની કાર્યવાહી કરી હોઇ, તે અંગેનો રિપોર્ટ 10 દિવસમાં કરવા નિર્દેશ કર્યો છે.
મણિનગરમાં રહેતા ભગવતી પ્રસાદ દવેએ રાજપીપળા રહેતા હર્નિશ પાઠક અને તેના દીકરા હાર્દિક પાઠકને ઓસ્ટ્રેલિયામાં ધંધા માટે રૂ.30.50 આપ્યા હતાં. જે રૂપિયા પરત નહીં કરી ઠગાઇ કરતાં ભગવતી પ્રસાદે હર્નિશ અને હાર્દિક વિરુદ્ધ મણિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોલીસ ધરપકડ ન કરે માટે પિતા-પુત્રએ સેશન્સ કોર્ટમાંથી આગોતરા જામીન મેળવ્યા હતાં.
જેમાં મણિનગર પોલીસે આરોપી વિરુદ્ધ કોર્ટમાં દાખલ કરેલી ચાર્જશીટમાં આરોપી હાર્દિકને ભાગેડુ દર્શાવ્યો છે. આથી ફરિયાદી તરફે એડવોકેટ અનિલ કેલ્લાએ આરોપીને કોર્ટ સમક્ષ હાજર કરેલી અરજીમાં રજૂઆત કરી હતી કે, આરોપી ઓસ્ટ્રેલિયા ભાગી ગયો છે. આરોપીએ મેળવેલા આગોતરા જામીનની શરતનો ભંગ કર્યો છે. આથી આરોપી વિરુદ્ધ સીઆરપીસીની કલમ 70 મુજબ વોરંટ કાઢી ઓસ્ટ્રેલિયા ઇમિગ્રેશન મારફતે તાકીદે ભારત બોલાવવો જોઇએ. આ કેસમાં કોર્ટે તપાસ અધિકારીને બોલાવી કયા સંજોગોમાં ચાર્જશીટમાં આરોપીને ભાગેડુ દર્શાવા અંગે ખુલાસો માગ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.